'પંચાયતમાં દેખાયો તો હાથપગ સાજા નહીં રહે' કહી દલિત સરપંચને માર્યો

જાતિવાદી તત્વોએ એક ગામમાં લોકશાહી રીતે ચૂંટાઈને આવેલા દલિત સરપંચને બંધક બનાવી માર મારી ધમકી આપી કે, "હવેથી પંચાયતે દેખાયો તો હાથપગ સાજા નહીં રહે."

'પંચાયતમાં દેખાયો તો હાથપગ સાજા નહીં રહે' કહી દલિત સરપંચને માર્યો
image credit - Google images

Dalit sarpanch beaten: દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ(Azadi ka Amrit mahotsav) ઉજવાઈ રહ્યો છે. સરકાર ગામેગામ લોકશાહી(Democracy)ની દુહાઈ દેતા વિવિધ કાર્યક્રમો યોજીને તેનો પ્રચાર કરી રહી છે. પણ જમીની સ્તરે સ્થિતિ એ છે કે આજે પણ જાતિવાદી તત્વો લોકશાહીને સ્વીકારીને અન્ય જાતિના લોકોને વહીવટી પદે સ્વીકારવા તૈયાર નથી. અનેક ગામોમાં આજે પણ લોકશાહી ઢબે ચૂંટાઈને આવેલા દલિત સરપંચો, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે. તેમને માર મારવામાં આવે છે અને તેમના હોદ્દાની રૂએ જે કાર્યો તેમણે કરવાના હોય છે તેનો વહીવટ પણ તેમને કરવા દેવામાં આવતો નથી. આવા સેંકડો દાખલાઓ બને છે, જેમાં જાતિવાદી ગુંડાઓ પોતાની જાતિના રાજકીય અને સામાજિક પીઠબળના જોરે દલિત હોદ્દેદારને પરેશાન કરીને પોતાનું ધાર્યું કરાવવા માંગતા હોય છે. આવા તત્વો દલિત સરપંચો સામે અવિશ્વાસની દરખાસ્ત લાવીને તેમને હોદ્દા પરથી દૂર કરવાના પેંતરા રચે છે. છેલ્લે જો ધાર્યું ન થાય તો દલિત સરપંચ પર હુમલો કરવા પર ઉતરી આવતા પણ તેમને કાયદો વ્યવસ્થાની જરાય બીક નથી લાગતી. આ ઘટના પણ આવી જ છે.
દલિત સરપંચને ઘરે બોલાવી, ગોંધી રાખી માર માર્યો

એક ગામમાં દલિત વ્યક્તિ અનામત સીટ પર સરપંચ તરીકે ચૂંટાઈ આવી હતી. પણ ગામના જાતિવાદી તત્વોને એક દલિત સમાજની વ્યક્તિ સરપંચપદે બેસીને ગામનો વહીવટ કરે તે જોઈને બળતરા થતી હતી. તેઓ કોઈને કોઈ મામલે તેને હેરાન પરેશાન કરતા રહેતા હતા. જો કે તેમની કોઈ કારી ફાવી નહીં એટલે તેમણે દલિત સરપંચને પોતાના ઘરે બોલાવી બંધક બનાવી તેમને ગંભીર રીતે માર માર્યો હતો. જાતિવાદી તત્વોએ દલિત સરપંચને ધમકી આપતા કહ્યું કે, "હવેથી ગ્રામ પંચાયત તરફ ડોકાતો નહીં.

ભલે તું ચૂંટાઈને સરપંચ બન્યો પણ વહીવટ અમે કરીશું. જો પંચાયત તરફ જોવા મળ્યો તો હાથપગ સાજા નહીં રહે."  આ સાથે જ તેમણે સરપંચ પાસે રૂ. 1 લાખની માંગણી કરી હતી અને સરપંચ તરીકેના હોદ્દાના લેટરપેટ, સિક્કા વગેરે પણ છીનવી લેવા પ્રયત્ન કર્યો હતો. સરપંચ આ મામલે જાતિવાદી તત્વો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ તેમણે ફરિયાદ લીધી નહોતી. આથી તેમણે ન્યાય માટે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચીને ન્યાયની માંગણી કરી છે.

મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાના નિવારીની ઘટના

ઘટના મધ્યપ્રદેશ(MP)ના છતરપુર જિલ્લા(Chattarpur District) મથકથી માત્ર નવ કિલોમીટર દૂર આવેલી નિવારી ગ્રામ પંચાયત(Niwari Gram Panchayat)ની છે. અહીં દલિત સમાજમાંથી આવતા દિલીપ અનુરાગી(Sarpanch Dilip Anuragi) લોકશાહી ઢબે ચૂંટણી જીતીને સરપંચ બન્યાં છે. પણ ગામના જાતિવાદી ગુંડાઓને એક દલિત વ્યક્તિ સરપંચ બનીને ગામનો વહીવટ ચલાવે તે પસંદ નહોતું આવતું. આથી તેઓ સતત દિલીપ અનુરાગીને હેરાન કરતા રહેતા હતા.

જાતિવાદી તત્વો તેમને કહેતા હતા કે, "પંચાયતમાં આ વખતે અનામત સીટ હોવાથી ભલે તું સરપંચ બની ગયો, પણ સરપંચ તરીકેનો વહીવટ તો અમે જ ચલાવીશું અને તું અમે કહીએ તે રીતે કામ કરીશ. જો કે દલિત સરપંચે તેમની દાદાગીરી સામે ઝુકવાનો ઈનકાર કરી દીધો હતો અને સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે, સરપંચ હું છું તો વહીવટ પણ હું જ ચલાવીશ. લોકોએ જે કામ માટે મને ચૂંટ્યો છે તેને હું  પુરી ઈમાનદારી અને નિષ્ઠાથી નિભાવીશ."

આ પણ વાંચો: અનામતના કારણે ભલે તું સરપંચ બન્યો, કામ અમારી મરજી મુજબ થશે...

એક દલિત સરપંચની આ ઈમાનદારી જોઈને જાતિવાદી તત્વોએ પિત્તો ગુમાવ્યો હતો અને તેમણે સરપંચને બંધક બનાવીને માર માર્યો હતો. જેમ તેમ કરીને સરપંચ ત્યાંથી ભાગી છુટવામાં સફળ થયા હતા. ત્યાંથી તેઓ સીધા ફરિયાદ નોંધાવવા નજીકના પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી. આથી તેમણે એસપી કચેરી(Chhatarpur SP)એ ન્યાયની માંગ કરી છે.

એક લાખ રૂપિયા, સરપંચનું લેટરપેડ અને સિક્કો પણ માંગ્યો

ગામના જાતિવાદી તત્વોએ દલિત સરપંચ દિલીપ અનુરાગીને ગેરકાયદે વસૂલી કરીને તેમની પાસે પૈસા પણ માંગ્યા હતા. જો કે સરપંચ તેમને જરાય નમતું ન આપતા આખતે તેઓ ગુંડાગીરી કરવા પર ઉતરી આવ્યા હતા. 

8મી સપ્ટેમ્બરે સાંજે 5 કલાકે ગામના ગોલુ રાજા(Golu Raja) નામના શખ્સે તેમને પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યાં તેમને બળજબરીથી બંધક બનાવીને ઢોર માર માર્યો હતો. એ દરમિયાન સત્યેન્દ્ર રાજા(Satyendra Raja) નામનો પંચાયતનો એક શખ્સ આવી પહોંચ્યો હતો અને તેણે સરપંચને કહ્યું કે, "અમને એક લાખ રૂપિયા આપી દે, બાકી સરપંચપદું ભૂલી જજે. તું આ પદ પર બેસીને કશું કામ નહીં કરી શકે, અમે તને કરવા નહીં દઈએ. જો તારે શાંતિથી સરપંદ તરીકે કાર્યકાળ પુરો કરવો હોય તો અમને રૂપિયા દેવા પડશે. ભલે તું અનામતના જોરે સરપંચ બની ગયો, પણ વહીવટ તો અમે જ ચલાવીશું. હવે તું અમારી મંજૂરી વિના અને અમને પૂછ્યાં વિના ગ્રામ પંચાયતનું કોઈ કામ નહીં કરે."

આ પણ વાંચો:  રાત્રે એક ફોન આવ્યો અને સવારે દલિત સરપંચની લાશ કૂતરું ચાટતું હતું...

ગોલુ અને સત્યેન્દ્રએ સરપંચને કહ્યું કે, "પંચાયતનું લેટરપેડ, સિક્કા અને બીજી સામગ્રી અમને આપી દે છે. અમે કહીએ ત્યાં તારે સિક્કો મારીને સહી કરી દેવાની. જો નહીં કરે તો મજા નહીં આવે."

પોલીસે ફરિયાદ ન લીધી, એસપી કચેરીએ ન્યાય માટે પહોંચ્યા

સરપંચ દિલીપ અનુરાગીએ જણાવ્યું કે, "જ્યારે મેં આ બધું કરવાની અને એક લાખ રૂપિયા આપવાની ના પાડી ત્યારે ગોલુ રાજા અને સત્યેન્દ્ર રાજાએ મને રૂમમાં બંધક બનાવીને લાતો અને મુક્કાથી માર માર્યો હતો. એ દરમિયાન વિપિન નામનો વ્યક્તિ મને શોધતો ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે બૂમાબૂમ કરી એટલે ગોલૂ અને સત્યેન્દ્રએ મને છોડ્યો, બાકી આ લોકો મને જાનથી મારી નાખત. આ ઘટના બાદ હું ગઢીમલહરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયો હતો, પરંતુ પોલીસે મારો રિપોર્ટ નોંધ્યો ન હતો. જેના કારણે હું એસપી કચેરીએ ગયો અને તેમની પાસે ન્યાયની માંગણી કરી હતી."

સરપંચ દિલીપ અનુરાગીએ જણાવ્યું કે, તેઓ ગ્રામ પંચાયતે જઈ શકતા નથી. તેમના જીવને જોખમ છે. તેમને લાગે છે કે, પોલીસથી લઈને આખું તંત્ર તેમની વિરુદ્ધ કામ કરી રહ્યું છે. એવામાં જો તેઓ ગ્રામ પંચાયત કચેરીએ જશે તો જાતિવાદીઓ તત્વો તેમના પર ફરીથી હુમલો કરશે અને આ વખતે તેમનો જીવ પણ જઈ શકે છે. આ મામલે તેમણે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Anil
    Anil
    આવા લોકો ને જેલ હવાલે કરવા પડે.
    2 months ago