"કેમ ખેતરમાં વાડ કરવા આવતો નથી?" કહીને દલિત યુવકને પતાવી દીધો
દલિત ખેતમજૂરે માથાભારે તત્વોના ખેતરની વાડ કરવાનો ઈનકાર કરી દીધો તો ત્રણ લોકોએ મળી પથ્થર, લાકડીઓથી તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.
જાતિવાદી તત્વો દલિતો, આદિવાસીઓને પોતાના ગુલામ સમજતા હોય છે. તેમના મનમાં એવી માનસિકતા ઘર કરી ગઈ હોય છે કે, આ લોકો તો આપણા ગુલામ કહેવાય અને તેઓ જો આપણી આજ્ઞાનું પાલન ન કરે તો તેમને મારવા એ આપણો હક છે. તુલસીદાસની રામચરિત માનસની એક ચોક્કસ ચોપાઈને અનુસરતો આ વર્ગ પોતાને સર્વોપરી માનતો હોય છે. તુલસીદાસની રામચરિત માનસમાં કહેવાયું છે કે, ઢોર, ગંવાર, શુદ્ર, પશુ ઔર નારી, સબ તાડન કે અધિકારી. કટ્ટર જાતિવાદી એવા ઉત્તર ભારતના હિન્દી પટ્ટાએ રામચરિત માનસની આ ચોપાઈને જાણે અતિગંભીરતાથી લીધી હોય તેમ દરરોજ અહીં એવી કોઈને કોઈ ઘટના બનતી રહે છે, જેમાં સાવ સામાન્ય બાબતમાં પણ જાતિવાદી તત્વો દલિતો, આદિવાસીઓને મનફાવે તેમ માર મારે છે, હેરાન કરે છે અને ખૂન પણ કરી નાખે છે.
દલિતો જાહેર નળ પરથી પાણી પીવે, પોતાના પૈસે નવું ઘર, ઓફિસ કે વાહન ખરીદે, બ્રાન્ડેડ કપડાં પહેરે, ડીજે સાથે વરઘોડો કાઢે આ બધી જ બાબતો જાતિવાદી તત્વોને ખટકતી હોય છે. મૂછો રાખવાને જાણે પોતાના જ બાપદાદાનો અધિકાર સમજતા તત્વો દલિત યુવકો જો મૂછો રાખે તો પણ તેની સાથે મારામારી કરવા ઉતરી આવે છે. સમસ્યા એ છે કે, સંસદથી લઈને સરપંચ સુધી જાતિવાદી તત્વો જ સત્તામાં બેઠા હોઈ, આવી ઘટનાઓ ઘટે ત્યારે તેઓ પીડિત દલિત પરિવારની સામે ઉભા રહી જઈને જાતભાઈનો બચાવવા માટે તમામ તાકાત લગાવી દે છે. પરિણામે પીડિત દલિતો માટે ન્યાય મેળવવો કપરો બની જાય છે અને તેઓ ભાંગી પડે છે. જેનું પરિણામ એ આવે છે કે જાતિવાદ અને જાતિવાદી તત્વો વધુ ઘાતકી બની જાય છે.
કંઈક આવી જ ઘટના હાલ સામે આવી છે, જેમાં માથાભારે તત્વોએ એક દલિત યુવકને ફક્ત એટલા માટે મારી નાખ્યો, કેમ કે તેણે તેમના ખેતરમાં કાંટાની વાડ કરવા જવાનો ઈનકાર કરી દીધો હતો. યુવકને માથાભારે તત્વો ઘણાં દિવસથી તેમના ખેતરમાં વાડ કરી જવા માટે કહેતા હતા, પણ યુવક કોઈ કારણોસર જતો નહોતો. જેનો ખાર રાખીને આ લોકોએ કામથી બહાર જઈ રહેલા યુવકનો રસ્તો રોક્યો હતો અને તેને લાકડીઓ, દંડા તથા પથ્થરોથી માર મારીને પતાવી દીધો હતો. એ પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હવે તેમના પર એફઆઈઆર નોંધાઈ છે.
આ પણ વાંચોઃ દલિત યુવકે પોલીસ સ્ટેશન સામે ફેસબૂક લાઈવ કરી અગ્નિસ્નાન કરી લીધું
મામલો જાતિવાદના એપીસેન્ટર અને ધર્માંધ ઉત્તરપ્રદેશનો છે. અહીં બાંદા જિલ્લાના ગિરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ઘુરોડા ગામમાં રત્નેશ શ્રીવાસ નામનો દલિત યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. રત્નેશ ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘટના ઘટી એ દિવસે તે સવારે ઘરથી દૂર આવેલા તેની દાદીના ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં તેને રામલખન તિવારી, ગંગા પ્રસાદ તિવારી અને તેનો ભત્રીજો સ્નેહકુમાર ઉર્ફએ ચૂન્નુ તિવારી મળી ગયા. તેમણે રત્નેશનો રસ્તો આંતરીને તેને "તું કેમ અમારા ખેતરમાં વાડ કરવા નથી આવતો?" તેમ કહીને તેના પર લાકડીઓ, દંડા અને પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. હોબાળો થતા પડોશીઓ ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા, જેમને જોઈને ત્રણેય હુમલાખોરો રત્નેશને જેમનો તેમ છોડીને નાસી છુટ્યા હતા. જતા પહેલા તેઓ પડોશીઓને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ગયા હતા. આ હુમલામાં રત્નેશ શ્રીવાસ ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેના પરિવારજનો તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
રત્નેશના પિતા શીવકરણે જણાવ્યું હતું કે, "ગામનો રામલખન તિવારી રત્નેશને તેના ખેતરમાં બાવળના કાંટાની વાડ અને લોખંડના તારની કાંટાળી વાડ કરી જવા માટે કહેતો હતો. પણ રત્નેશ પાસે સમય ન હોવાથી તેણે વાડ કરી દેવા માટે ઈનકાર કરી દીધો હતો. ત્યારથી રામલખન રત્નેશ પર ગુસ્સે ભરાયેલો હતો અને તેની સાથે માથાકૂટ કરવાની તકની રાહ જોતો હતો. ગઈકાલે રત્નેશ તેની દાદીના ઘરે જઈ રહ્યો હતો ત્યારે રામલખને તેનો જોયો હતો અને તે તરત તેના સાગરિતોને લઈને રત્નેશનો પીછો કરતો પહોંચી ગયો હતો અને તેની સાથે તારની વાડ કરવાને લઈને માથાકૂટ કરી તેના પર ઘાતક હથિયારો લઈને તૂટી પડ્યા હતા. હવે મારો દીકરો તો હયાત નથી, પણ આ માથાભારે તત્વોને કડક સજા થાય તો જ તેને ન્યાય મળ્યો ગણાશે.?
ગિરવા પોલીસ સ્ટેશનના પીઆઈ રાકેશ તિવારીએ જણાવ્યું હતું કે, ત્રણેય આરોપીઓની તેમના ગામમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. ટૂંક સમયમાં તપાસ પૂર્ણ કરીને ત્રણેય આરોપીઓને કડક સજા અપાવવામાં આવશે.
આ પણ વાંચોઃ તું અમારા પર જાદુટોણાં કેમ કરે છે કહી પાંચ લોકોએ દલિત યુવકને ફટકાર્યો