મેવાણી સાથે તોછડાઈ કરનાર પાંડિયન સામાન્ય દલિત સાથે શું કરતા હશે?

ગુજરાત SC-ST સેલના ADGP રાજકુમાર પાંડિયન જિગ્નેશ મેવાણી સાથે આવું વર્તન કરતા હોય, તો સામાન્ય દલિત તેમની પાસેથી ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખે?

મેવાણી સાથે તોછડાઈ કરનાર પાંડિયન સામાન્ય દલિત સાથે શું કરતા હશે?
image credit - Google images

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (RDAM) અને અન્ય સંલગ્ન સંગઠનોએ અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) (SC/ST સેલ) રાજકુમાર પાંડિયન (Rajkumar Pandian)ને હટાવવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ જારી કર્યું છે. તાજેતરમાં મળેલી બેઠક દરમિયાન વડગામ (Vadgam)ના ધારાસભ્ય (MLA) જીજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) સાથે થયેલા ગેરવર્તણૂકના આક્ષેપોને પગલે આ માંગણી કરવામાં આવી છે.

મેવાણીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ઔપચારિક રીતે પાંડિયન સામે વિશેષાધિકાર પ્રસ્તાવ શરૂ કરવા વિનંતી કર્યા પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં પાંડિયને ધારાસભ્ય તરીકેની મેવાણીની ગરિમાનું ઉલ્લંઘન કર્યાનો આરોપ મૂક્યો હતો.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિતના દલિત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ ગુજરાતની આગામી વાવ વિધાનસભા પેટાચૂંટણી તેમજ મહારાષ્ટ્રમાં યોજાનારી સામાન્ય વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) વિરુદ્ધ અભિયાન ચલાવશે. દલિત સંગઠનોએ પાંડિયન જાહેરમાં માફી માંગે તેવી પણ માંગ કરી રહ્યા છે.

મામલો શું છે?

આ વિવાદ 15 ઓક્ટોબરે શરૂ થયો હતો જ્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુજરાતમાં દલિતોની સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે એડીજીપી રાજકુમાર પાંડિયનને મળ્યા હતા, જેમાં કચ્છ જિલ્લામાં કૃષિ જમીન ટોચમર્યાદા કાયદા હેઠળ દલિતોને ફાળવવામાં આવેલી જમીન પર ભૂમાફિયાઓના દબાણનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો:  વર્ષ 2016ના સફાઈ કર્મચારીઓના આંદોલન કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 6 નિર્દોષ જાહેર

કહેવાય છે કે, પાંડિયને તેમને મળવા ગયા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેમનો ફોન તેમની ચેમ્બરની બહાર છોડીને આવવા ઓર્ડર કર્યો હતો. જ્યારે મેવાણીએ આ વિનંતીના કાયદાકીય આધાર પર સવાલ ઉઠાવ્યા ત્યારે રાજકુમાર પાંડિયન ગુસ્સે થઈ ગયા અને તેમના સ્ટાફને ફોન જપ્ત કરવાની સૂચના આપી દીધી હતી.

આ ઘટના બાદ ગઈકાલે અમદાવાદમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, RDAMના ગુજરાતના કન્વીનર એડવોકેટ સુબોધ કુમુદે રાજકુમાર પાંડિયનના વર્તનની ટીકા કરીને તેને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. સુબોધ કુમુદે સવાલ કર્યો હતો કે, “રાજકુમાર પાંડિયને જિગ્નેશ મેવાણીને તેમનો મોબાઈલ ફોન બહાર મૂકીને આવવા માટે કહ્યું હતું. સવાલ એ છે કે, તેઓ ચેમ્બરમાં બેસીને એવું તે શું કરી રહ્યાં છે જેનાથી તેમને ડર લાગે છે કે તેનું રેકોર્ડિંગ થઈ જશે? પાંડિયનની ભૂમિકા ગુજરાતમાં દલિતોના પ્રશ્નોને સાંભળવાની અને તેનું નિરાકરણ આવે તે માટે યોગ્ય પગલાં લેવાની છે. પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિ સાથેના તેમના આવા તોછડા વર્તનથી તેઓ સામાન્ય દલિતો સાથે કેવું વર્તન કરશે તે અંગે ચિંતા થાય છે."

એડવોકેટ સુબોધ કુમુદે વધુમાં જણાવ્યું કે, "જો એક ધારાસભ્ય સાથે તેઓ આ રીતે વર્તે છે ત્યારે વિચારો કે એક સામાન્ય દલિત તેમની પાસેથી ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકે?"

દલિત સંગઠનોએ ચેતવણી આપી છે કે જો પાંડિયનને 24 કલાકમાં તેમના પદ પરથી હટાવવામાં નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં દલિત મતદારોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આહ્વાન કરશે.

આ મામલે દલિત નેતાઓનું એક પ્રતિનિધિમંડળ 23 ઓક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ડીજીપીને તેમની માંગણીઓને લઈને મળવા જઈ રહ્યું છે. જો કે, ADGP પાંડિયને હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો: વર્ષ 2017ના ટ્રેન રોકવાના કેસમાં જિગ્નેશ મેવાણી સહિત 31 લોકો નિર્દોષ જાહેર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.