ગાંધીજી સાવરકરને મળવા પહોંચ્યાં ત્યારે તેઓ ઝીંગા તળી રહ્યા હતા..
ગાયને રાજમાતા જાહેર કરવાનો મુદ્દો ફરી ઉછળ્યો છે ત્યારે હિંદુત્વના પિતૃપુરૂષ સાવરકર, વાજપેયી અને હિંદુ ધર્મગ્રંથો ગાય-ગૌમાંસ વિશે શું માને છે તે પણ જાણી લો.
- સાવરકર ન માત્ર ગૌમાંસ ખાતા હતા પરંતુ તેનો જાહેરમાં પ્રચાર પણ કરતા હતા
- સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા અને માંસાહારી હતા
- સાવરકર એ પણ કહેતા હતા કે ગાયની પૂજા ન કરવી જોઈએ
- ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સાવરકરને મળવા ગયા ત્યારે તેઓ રાત્રિભોજન માટે ઝીંગા તળી રહ્યા હતા. તેમણે ગાંધીજીને પણ ઝીંગા ખાવા વિનંતી કરી હતી.
- વૈદિક કાળમાં ગાયના બલિદાનનું વર્ણન કરતી ઘણી લેખિત સામગ્રી ઉપલબ્ધ છે.
- સ્વામી વિવેકાનંદે તેમના લખાણોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે પવિત્ર ધાર્મિક વિધિઓ દરમિયાન ગાયનું બલિદાન અપાતું ગૌમાંસનું સેવન પણ કરવામાં આવતું હતું.
- અટલ બિહારી વાજપેયીને અમેરિકામાં ગૌમાંસ ખાતા જોઈને અમેરિકને પ્રશ્ન કર્યો તો તેમણે હસીને કહ્યું કે આ ભારતીય ગાયનું માંસ નથી એટલે તેને ખાવામાં શું વાંધો છે?
છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય રાજનીતિમાં ગાય એક મહત્વનો ભાવનાત્મક મુદ્દો બની ગઈ છે. ગાયને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. ઘણા હિંદુઓ માટે ગાય માતાનો દરજ્જો ધરાવે છે અને હિંદુ રાષ્ટ્રવાદી રાજનીતિએ સમાજના ધ્રુવીકરણ માટે આ માન્યતાનો ભરપૂર ઉપયોગ કર્યો છે. હિંદુત્વ ચિંતકોએ 'હિન્દુત્વ' શબ્દને માત્ર હિંદુત્વ જ નહીં પરંતુ 'સંકલિત હિંદુત્વ'નું પ્રતિનિધિત્વ કરતો શબ્દ ગણાવ્યો છે અને RSSએ તેના આધારે પોતાની રાજનીતિ અને હિંદુ રાષ્ટ્રનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. તે લગભગ છેલ્લા 100 વર્ષથી આ ધ્યેય હાંસલ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. છેલ્લા ત્રણ દાયકામાં RSSની રાજનીતિના મૂળ મજબૂત થયા છે કારણ કે તે જે ભાવનાત્મક મુદ્દા ઉઠાવે છે તે દેશના રાજકીય લેન્ડસ્કેપ પર પ્રભુત્વ ધરાવે છે.
આ પણ વાંચો: સાવરકર બ્રાહ્મણ હોવા છતાં ગૌમાંસ ખાતા હતા: કર્ણાટકના મંત્રી
ગાયનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના શાસક ગઠબંધને ગાય (પરંતુ માત્ર દેશી ગાય)ને રાજ્યમાતા-ગૌમાતા જાહેર કરી છે. એમાં જરાય શંકા નથી કે, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવું કરવામાં આવ્યું છે. સામાન્ય ધારણા એવી છે કે આ ચૂંટણીઓમાં ભાજપ મજબૂત સ્થિતિમાં નથી. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તેનું પ્રદર્શન સારું રહ્યું ન હતું અને ત્યારથી તે સતત આવા ધ્રુવીકરણ કરતા મુદ્દાઓનો આશરો લેવાનો પ્રયાસ કરી રહી છે.
ગુજરાતમાં પણ બે દિવસ પહેલા શંકરાચાર્ય દ્વારા યોજાયેલી ગાયને રાજમાતા જાહેર કરવાની યાત્રામાં કોંગ્રેસના નેતાઓ પણ મોટા ઉપાડે પહોંચી ગયા હતા અને તેમણે ગુજરાત વિધાનસભામાં આ મામલે બિલ લાવવાની વાત કરી હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરથી લઈને વિપક્ષના નેતા અમિત ચાવડાએ ખૂલ્લા મંચ પરથી ગાયને રાજ્યમાતા જાહેર કરવાની વાતને ટેકો આપ્યો હતો.
મહારાષ્ટ્રમાં ગાયનો મુદ્દો ઉછળ્યો એ સમયગાળામાં કર્ણાટકના એક મંત્રીએ નિવેદન આપ્યું હતું કે, હિંદુ રાષ્ટ્રવાદી વિચારધારા (Hindu Nationalist Ideology) ના પિતૃપુરૂષ વિનાયક દામોદર સાવરકર (Vinayak Damodar Savarkar) ગૌહત્યા (Homicide) ના વિરોધી નહોતા અને તેઓ ગાયને પવિત્ર નહીં પણ ખૂબ જ ઉપયોગી પ્રાણી માનતા હતા. ગાંધી જયંતિ નિમિત્તે બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં મંત્રી દિનેશ ગુંડુ રાવે (Dinesh Gundu Rao) દાવો કર્યો હતો કે સાવરકર ન માત્ર માંસાહારી પરંતુ તેઓ ગૌમાંસ (Beef) પણ ખાતા હતા અને તેનો જાહેરમાં પ્રચાર પણ કરતા હતા.
કોંગ્રેસના મંત્રીએ કહ્યું કે "બ્રાહ્મણ હોવા છતાં સાવરકર પરંપરાગત આહાર નિયંત્રણોનું પાલન નહોતા કરતા અને તેમનો દૃષ્ટિકોણ આધુનિક હતો. દિનેશ ગુંડુ રાવે કહ્યું, “સાવરકર બ્રાહ્મણ હતા, પરંતુ તેઓ ગૌમાંસ ખાતા હતા અને માંસાહારી (non-vegetarian) હતા. તેઓ ગૌહત્યાના વિરોધમાં નહોતા, પરંતુ આ બાબતે તેમનો દૃષ્ટિકોણ તદ્દન આધુનિક હતો."
એ જાણીતી હકીકત છે કે સાવરકર માંસાહારી હતા. ગાંધીજીએ તેમના કાર્યો માટે સમર્થન મેળવવા માટે દક્ષિણ આફ્રિકાની તેમની મુલાકાતો દરમિયાન સાવરકરે મળવા ગયા હતા. સાવરકર તેમનું રાત્રિભોજન તૈયાર કરી રહ્યા હતા અને ઝીંગા તળી રહ્યા હતા. તેમણે ગાંધીજી (Gandhiji) ને પણ ઝીંગા ખાવા માટે કહ્યું, પણ ગાંધીજીએ તે ખાવાનો ઈનકાર કરી દીધો કારણ કે તેઓ શાકાહારી હતા.
સાવરકર (Savarkar) એ પણ કહેતા હતા કે ગાયની પૂજા ન કરવી જોઈએ. લેખક વૈભવ પુરંદરે કહે છે, "સાવરકરનો મત એવો હતો કે ગાય માત્ર બળદની માતા છે. જો કે તેમનના ગૌમાંસ સેવનનું કોઈ દ્રષ્ટાંત નથી મળતું, પરંતુ તેઓ તેની વિરુદ્ધ નહોતા". “સાવરકરઃ ધ ટ્રુ સ્ટોરી ઑફ ધ ફાધર ઑફ હિંદુત્વ” પુસ્તકના લેખક પુરંદરેએ બેંગ્લોર લિટરેચર ફેસ્ટિવલમાં જણાવ્યું હતું કે "સાવરકર ગૌરક્ષાના મુદ્દે સાવરકર મૂંઝવણમાં હતા કારણ કે તેઓ માનતા હતા કે જો હિંદુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે જાણીજોઈને ગાયોની હત્યા કરવામાં આવશે તો તેનાથી સમસ્યા પેદા થશે. પરંતુ તેમનું માનવું હતું કે, જો તમે આવું માત્ર એટલા માટે કરો છો કે તમને ગૌમાંસ પસંદ છે, તો તેમાં કોઈ વાંધો નથી."
જ્યાં સુધી ગાયની પવિત્રતાનો સંબંધ છે, તો વૈદિક કાળમાં ગાયના બલિદાનનું વર્ણન કરતી ઘણી લેખિત સામગ્રી ઉપલબ્ધ છે. સ્વામી વિવેકાનંદે તેમના લખાણોમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે કે પવિત્ર ધાર્મિક વિધિઓ દરમિયાન ગાયનું બલિદાન આપવામાં આવતું હતું અને ગૌમાંસનું સેવન પણ કરવામાં આવતું હતું. ધ કમ્પલિટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ પુસ્તકમાં અમેરિકાના કેલિફોર્નિયાની શેક્સપિયર ક્લબમાં તેમણે આપેલા ભાષણમાં પણ આ વાત સ્પષ્ટ થાય છે. પુસ્તકમાં લખાયું છે કેઃ
“તમને નવાઈ લાગશે જો હું તમને કહું કે પ્રાચીનકાળમાં થનારા સમારંભોમાં ગૌમાંસ ન ખાનારને સારો હિંદુ માનવામાં નહોતો આવતો. ઘણા પ્રસંગોએ બળદનું બલિદાન આપવું અને તેનું માંસ ખાવું ફરજિયાત હતું.” (શેક્સપિયર ક્લબ, પાસાડેના, કેલિફોર્નિયા, યુએસએ ખાતે વિવેકાનંદનું ભાષણ. ધ કમ્પલિટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ, ગ્રંથ 3, કલકત્તા: અદ્વિતા આશ્રમ, 1997, પૃષ્ઠ 536).
આ પણ વાંચો: ભાજપની તિરંગા યાત્રામાં બાળકો સાવરકરના ટિશર્ટમાં જોવા મળ્યાં
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, સ્વયં સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ આશ્રમ દ્વારા કરવામાં આવેલા સંશોધન કાર્યોમાં પણ આ વાતની પુષ્ટિ થાય છે. તેમાંથી એક કહે છે -
“વૈદિક સમયગાળા દરમિયાન બ્રાહ્મણો સહિત આર્યો માછલી, માંસ અને ગૌમાંસનું સેવન કરતા હતા. ખાસ મહેમાનને માન આપવા માટે તેમના ભોજનમાં ગૌમાંસ પીરસવામાં આવતું હતું. વૈદિક કાળના આર્યો ગૌમાંસ ખાતા હોવા છતાં દૂધ આપતી ગાયોની કતલ કરવામાં આવતી નહોતી. ગાયનો એક પર્યાયવાચી શબ્દ હતો અગ્નયા. જેનો અર્થ થાય છે 'જેની કતલ નથી કરી શકાતી'. પરંતુ તે મહેમાન 'ગોગણા' કહેવામાં આવતા હતા જેના માટે ગાયની હત્યા કરવામાં આવતી હતી. પરંતુ માત્ર બળદ, વાછરડા અને વસુકેલી ગાયોની જ કતલ કરવામાં આવતી હતી.”
(સી કુન્હન રાજા, સતીશ કુમાર ચેટર્જી અને અન્ય સંપાદકો દ્વારા " વૈદિક કલ્ચર-ભારતનો સાંસ્કૃતિક વારસો, ભાગ 1 (કલકત્તા: રામકૃષ્ણ મિશન, 1993) પૃષ્ઠ 217 માં ટાંક્યાં મુજબ)
આંબેડકર દ્વારા કરવામાં આવેલા અભ્યાસો દ્વારા પણ આ વાતની પુષ્ટિ થાય છે. પ્રાચીન ભારતના ઈતિહાસકાર પ્રોફેસર ડી.એન. ઝા, તેમના વિદ્વતાપૂર્ણ અભ્યાસમાં, "મીથ ઓફ હોલી કાઉ" માં જણાવે છે કે "અથો અન્નમ વિયા ગઉ (ગાય ભોજન છે) જેવા શ્લોકો વેદોમાં મોજૂદ છે. બૌદ્ધ ધર્મ અને બ્રાહ્મણવાદ વચ્ચેના સંઘર્ષને કારણે ગાયને બાદમાં ગાયને માતા અને પવિત્રનો દરજ્જો આપવામાં આવ્યો. આ બ્રાહ્મણવાદના પુનરુત્થાન અને બૌદ્ધ ધર્મ પરના હુમલાનો એક ભાગ હતો. તે સમયે ભારતમાં બૌદ્ધ ધર્મનો નાશ કરવામાં આવી રહ્યો હતો.
બાદમાં, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જ્યારે હિંદુ અને મુસ્લિમ કોમવાદી રાજકારણે વેગ પકડ્યો ત્યારે ગાય અને ભૂંડનો ઉપયોગ બંનેએ પોતપોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કર્યો. મસ્જિદમાં ડુક્કરનું માંસ અથવા મંદિરમાં ગૌમાંસ ફેંકવા જેવા કૃત્યો કોમી હિંસા ભડકાવવા માટે થવા લાગ્યા, જેનાથી આ વિભાજનકારી પ્રવૃત્તિઓએ જોર પકડ્યું. પાછળથી એવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા જ્યારે હિંસા ભડકાવવા માટે જાણીજોઈને મંદિરોમાં ગૌમાંસ ફેંકવામાં આવ્યું.
ગૌહત્યા પર પ્રતિબંધ જેવા મુદ્દાઓ વેગ પકડી રહ્યા છે અને અખલાકથી લઈને જુનૈદ અને રકબર ખાન સુધીના લોકોની આ મુદ્દે હત્યા કરી દેવામાં આવતા મુસ્લિમ સમાજમાં ભય વધી રહ્યો છે. આ પ્રવૃત્તિઓને કારણે લઘુમતી સમુદાયને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. માનવતાવાદી હર્ષમંદરે "કારવાં-એ-મોહબ્બત" નામની એક સંસ્થાની રચના કરી છે જે લિંચિંગ પીડિતોના પરિવારોના જખમો પર મલમ લગાડવાનું કામ કરે છે. આવા મામલામાં માત્ર મુસ્લિમો જ નિશાને છે.
મહારાષ્ટ્ર સરકારે ખૂબ જ ચતુરાઈથી માત્ર દેશી ગાયોને જ રાજમાતાનો દરજ્જો આપ્યો છે અન્ય જાતની ગાયોને નહીં. ભારતમાંથી ગૌમાંસની નિકાસ દર વર્ષે વધી રહી છે. રસપ્રદ વાત એ છે કે, અટલ બિહારી વાજપેયી પર કેન્દ્રિત વિજય ત્રિવેદીના પુસ્તક "હાર નહીં માનુંગા"માં ઉલ્લેખ છે કે વાજપેયી અમેરિકામાં બીફનું સેવન કરતા હતા (પૃષ્ઠ 236) અને જ્યારે તે જ ટેબલ પર બેઠેલા એક વ્યક્તિએ તેમને આ અંગે પ્રશ્ન પૂછ્યો તો વાજપેયીએ હસીને કહ્યું કે આ ભારતીય ગાયનું માંસ નથી એટલે તેને ખાવામાં શું વાંધો છે?
આ પણ વાંચો: સાવરકરઃ હિંદુત્વવાદી રાજનીતિને મજબૂત કરવા સત્યને વિકૃત કરતો પ્રયત્ન