હવે જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન એનએ કરાવી શકાશે

રાજ્ય સરકારે રિવાઇઝ્ડ બિન ખેતીની પરવાનગીના નિયમોમાં ફેરફાર કર્યો. પ્રીમિયમ ભર્યા વિના ખેતી થયેલી જમીનના પુન: હેતુફેર સમયે પ્રવર્તમાન જંત્રીના 10 ટકા વસૂલાશે.

હવે જંત્રીના 10 ટકા વસૂલ કરીને જમીન એનએ કરાવી શકાશે
image credit - Google images

રાજયમાં કોઈપણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવા પાત્ર હોવા છતાં પ્રીમિયમ વસૂલ કર્યા વિના બિનખેતી થયેલી જમીન હવે પુન: હેતુફેર કરવી રાજ્ય સરકારે સરળ બનાવી છે. આવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે તે જમીનને પ્રવર્તમાન જંત્રીની કિંમત ના 10 ટકા વસૂલાત કરીને બિન ખેતી કરી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હાલમાં આવી જમીન માટે પ્રવર્તમાન જંત્રીના 30 ટકા પ્રમાણે પ્રીમિયમની વસૂલાત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ બિન ખેતી (એનએ) થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુન: હેતુફેર માટે જે તે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય છે. તો ત્યારે જો પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના નિર્ણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલના સમયમાં આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના ૩૦ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.

આવા કિસ્સામાં જે તે જમીન બિનખેતી થયા સમયે પ્રીમિયમ વસૂલ ન કરાયું હોય તો આસામીને પ્રવર્તમાન જંત્રીની રકમના 30 ટકા પ્રમાણે પ્રીમિયમની રકમ ભરવાની થાય છે. જેના કારણે મુખ્યમંત્રી સમક્ષ સમાજના વિવિધ વર્ગો દ્વારા રજૂઆતો થઈ હતી. જે અંગે રાજ્ય સરકાર દ્વારા આ મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય કરીને મહેસુલ વિભાગને દિશા નિર્દેશો આપ્યા છે.

જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય કરાયો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રીમિયમની રકમ વસુલવાની પાત્ર હતી, પરંતુ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી આપવામાં આવેલ છે. આવી જમીનમાં હાલના અરજદાર/કબજેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦ ટકા પ્રીમિયમની રકમ વસુલ કરીને રિવાઇઝડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે.

આ પણ વાંચો: અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.