અમદાવાદના 11 શિક્ષકો મહિનાઓથી ગુલ્લી મારી વિદેશમાં મોજ માણે છે

ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, મહેસાણા બાદ હવે અમદાવાદમાં સરકારી શાળાના ગુલ્લીબાજ શિક્ષકોની યાદી સામે આવી છે. વાંચો આ અહેવાલ.

અમદાવાદના 11 શિક્ષકો મહિનાઓથી ગુલ્લી મારી વિદેશમાં મોજ માણે છે
પ્રતિકાત્મક તસવીર Image credit - google Images

ગુજરાતમાં સરકારી શિક્ષણનું આખું તંત્ર સાવ રામભરોસે ચાલી રહ્યું છે એમ કહેવામાં હવે કોઈ અતિશ્યોક્તિ નથી લાગતી. કેમ કે, અનેક સરકારી શાળાઓમાં કાં તો શિક્ષકો નથી અથવા જે છે તે મફતનો પગાર લઈને વિદેશોમાં મોજ માણી રહ્યાં છે. રાજ્યના સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા અને મહેસાણા જિલ્લામાં અનેક શિક્ષકો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર મૂકીને ભણાવ્યા વિના જ મસમોટો પગાર લઈને લાંબી રજાઓ લઈને વિદેશોમાં મોજ માણી રહ્યાંની અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. અનેક શાળાના શિક્ષકો આ રીતે રજા પર ઉતરી વિદેશ પહોચી ગયા હોવાની ઘટના બાદ આ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હવે અમદાવાદ જિલ્લા અને શહેરમાંથી પણ અનેક શિક્ષકો લાંબી રજા લઈ વિદેશ પહોચી ગયા હોવાનું સામે આવ્યું છે. 

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે રિપોર્ટ શિક્ષણ વિભાગમાં મોકલ્યો છે. એ મુજબ અમદાવાદની સ્કૂલોમાંથી પણ 11 શિક્ષકો રજા લઈને વિદેશ જતા રહ્યા છે, જ્યારે ૨ ક્લાર્ક પણ ૯૦ દિવસથી વધુ સમયથી રજા પર હોવાનું સામે આવ્યું  છે. કેટલાક શિક્ષકો અગાઉ પણ આ રીતે લાંબી રજા લઈને વિદેશ ગયા હોવાનું ધ્યાને આવ્યું છે. 

આ પણ વાંચોઃ ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?

શિક્ષકોની હાજરી તથા રજા અંગે શિક્ષણ વિભાગ દ્વારા સૂચના મળતા અમદાવાદની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અમદાવાદના 13 શિક્ષકો રજા લઈને વિદેશ જતા રહ્યા હોવાની માહિતી મળી છે. આ શિક્ષકો પૈકી કેટલાક ૪ મહિનાથી વધુ સમયથી રજા પર છે. 

અમદાવાદના ૧૪ શિક્ષકો લાંબા સમયથી રજા પર  હતા. જેમાં અમદાવાદ ગ્રામ્યના ૮ શિક્ષકો અને ૨ કર્મચારીઓ લાંબા સમયથી રજા પર છે. શહેરના ૩ શિક્ષકો લાંબી રજા લઇ વિદેશ જતા રહ્યા છે. અમદાવાદ જિલ્લાના ૮ પૈકી ૭ શિક્ષક હાલ વિદેશમાં છે. ૭ શિક્ષક ૯ મહિના કરતા વધુ સમયથી ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે શિક્ષકોના રાજીનામા અંગે કાર્યવાહી થઈ રહી છે. ડીઈઓ મારફતે જાણ કરતા રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે અને રાજીનામું મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

ગુલ્લીબાજ અને ભૂતિયા શિક્ષકોનાં પર તવાઈ આવશે

ગુજરાતમાં પરદેશી પંખી બની ગયેલા ગુલ્લીબાજ શિક્ષકો સામે હવે સરકાર સફાળી જાગીને એક્શન મોડમાં આવી હોય તેમ લાગે છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ભૂતિયા શિક્ષકોનો સરવે શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગુલ્લીબાજ શિક્ષકોને લઈ રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા રજા લેતા શિક્ષકોનો હેતુ જાણવા તમામ DEO ને આદેશ કરાયો છે. તેમજ અમદાવાદનાં DEO એ ૩ મહિનાથી વધુ ગેરહાજર હોય તેવા શિક્ષકોની યાદી મંગાવી છે. અમદાવાદનાં પણ ૩ શિક્ષકો રજા લઈ વિદેશ જતા રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

બનાસકાંઠા જીલ્લામાં ભૂતિયા શિક્ષકોનાં મામલે શિક્ષણ વિભાગ દ્વારા કડક પગલા ભર્યા છે. જેમાં બનાસકાંઠા જીલ્લામાં ૩ વર્ષમાં ૩૪ ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયા છે. તેમજ જીલ્લામાં હજુ પણ ૬ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. તેમજ બિનઅધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લામાં વધુ ૬ શિક્ષકોને નોટીસ ફટકારવામાં આવી છે તેમ જીલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. 

આ પણ વાંચોઃ શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં સ્થાયી, છતાં સરકારી શાળામાં નોકરી ચાલુ

અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદની સ્કૂલોના ૩ શિક્ષક રજા લઈને વિદેશ ગયા છે. આ શિક્ષકો ૧૨૦ દિવસથી રજા પર છે. તેમનો રજા માટેનો હેતુ જાણવામાં આવશે. શિક્ષક અન્ય હેતુથી વિદેશમાં હશે તો કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની તમામ સ્કૂલો પાસેથી ૯૦ દિવસ કરતાં વધુ સમયથી રજા પર હોય તેવા શિક્ષકોની યાદી માગવામાં આવી છે.

જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે સ્કૂલ બોર્ડની સ્કૂલના 1 શિક્ષક 90 દિવસથી વધુ સમયથી રજા પર છે. આ શિક્ષકને નોટિસ પણ ફટકારવામાં આવી છે છતાં કોઈ જવાબ ન મળતાં જાહેરાત આપીને શિક્ષકને છૂટા કરવામાં આવશે.

આગળ વાંચોઃ નડિયાદની હાથજ શાળાની શિક્ષિકા વગર NOCએ એક વર્ષથી વિદેશમાં


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.