શામળાજી મંદિરમાં દાનભેટની રકમમાં ઉચાપત મુદ્દે પૂર્વ ટ્રસ્ટીઓ સામે ફરિયાદ

યાત્રાધામ શામળાજીમાં મંદિરના પૂર્વ ટ્રસ્ટીઓએ દાનભેટમાં મળતી માતબર રકમમાં ઉચાપત કરી હોવાને લઈને ત્રણ ટ્રસ્ટીઓ સામે ક્રિમિનલ કેસ દાખલ કરાયો છે.

શામળાજી મંદિરમાં દાનભેટની રકમમાં ઉચાપત મુદ્દે પૂર્વ ટ્રસ્ટીઓ સામે ફરિયાદ
image credit - Google images

ઉત્તર ગુજરાતના વિખ્યાત યાત્રાધામ શામળાજીમાં ટ્રસ્ટીઓ દાનની રકમને લઈને અંદરોઅંદર લડી પડ્યાં છે અને છેલ્લાં ચાર વર્ષથી કોર્ટે ચડ્યાં છે. અહીં ટ્રસ્ટના ખજાનચી સહિતના કેટલાક ટ્રસ્ટીઓ મંદિરની દાનપેટી અને ભેટમાં મળેલી માતબર રકમ મંદિરના પરિસરમાં ગણતરી કર્યા વિના જ બારોબાર પોતાના ઘરે લઈને જતા રહ્યા હતા. આ મામલે વર્તમાન ટ્રસ્ટીને જાણ થતા તેમણે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. હાલ પૂર્વ અને વર્મતાન ટ્રસ્ટીઓ ભગવાનના મંદિરમાં ચડતી દાનભેટમાં ઉચાપત અને હકને લઈને એકબીજા સામે કોર્ટમાં લડી રહ્યાં છે.

મળતી માહિતી પ્રમાણે અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલ શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિરમાં છેલ્લાં ઘણાં સમયથી ટ્રસ્ટીઓ આમને-સામને આવી ગયા છે અને પોલીસ તથા કોર્ટ કચેરીના ધક્કાં ખાઈ રહ્યાં છે. વાસ્તવમાં થોડા સમય પહેલા મંદિરમાં આવેલ દાન, ભેટની માતબર રકમ મંદિર પરીસરમાં ગણતરી કર્યા વગર ખજાનચી મુકેશભાઈ પ્રમોદરાય ત્રિવેદી સહિત તેમના માનીતા ટ્રસ્ટીઓએ ઘરભેગી કરી દીધી હોવાનું કહેવાય છે. આ ટ્રસ્ટી મુકેશભાઈ ત્રિવેદી પાછા ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચ પણ છે.

આ પણ વાંચો: મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટ્રસ્ટી તરીકે સતત વિવાદોમાં રહેતા ભિલોડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ ત્રિવેદી મંદિરની દાન-પેટીમાં આવેલી રકમ ગણ્યા વગર તા. ૧૮-૧૨-૨૦૨૨ના રોજ પોતાના ઘરે લઈ ગયા હતા. આ બાબતની જાણ મંદિરના વર્તમાન ટ્રસ્ટી પ્રફુલ્લ દેવશંકર ઉપાધ્યાયને થતા તેમણે તા.૨૪-૧૨-૨૦૨૨ના રોજ શામળાજી પોલીસ સ્ટેશનમાં ઉચાપત સંદર્ભે ન્યાયિક ફરિયાદ કરી, પોલીસને તપાસ કરવા વિનંતી કરી હતી. પણ પોલીસે 8 મહિના સુધી ફરિયાદ લીધી નહોતી. આખરે આ મામલે જિલ્લા પોલીસ વડાને જાણ કરવામાં આવી હતી.

શામળાજી પોલીસે અગમ્ય કારણોસર ફરિયાદ ના લેતા ફરિયાદી પ્રફુલ્લ દેવશંકર ઉપાધ્યાયે ભિલોડા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. એ પછી કોર્ટે યોગ્ય પુરાવા, હકીકતના આધારે ફરિયાદનો હુકમ આપતા તા.૨૩-૦૭-૨૦૨૪ના રોજ ભિલોડા કોર્ટના ન્યાયાધીશે ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ દ્વારા થયેલી ઉચાપત અને વિશ્વાસભંગ બાબતે પ્રાથમિક દ્રષ્ટિએ તથ્ય જણાતા અને ટ્રસ્ટના બંધારણ તથા નિયમ વિરુદ્ધ નાણાંકીય ઉચાપત થયાનું જણાતા તેમાં સામેલ મુખ્ય આરોપીઓ (૧) મુકેશભાઈ પ્રમોદરાય ત્રિવેદી (ખજાનચી) (૨)જગદીશભાઈ ભુલેશ્વર જોષી (મંત્રી) (૩) પ્રમોદભાઈ લક્ષ્મીનારાયણ પંડયા (ચેરમેન) વિરૂધ્ધ નાંણાકીય ઉચાપત અને વિશ્વાસભંગ બદલ કલમ ૪૦૬, ૪૦૮ અને ૧૧૪ મુજબ ક્રિમિનલ કેસ દાખલ કરવાનો કર્યો છે.

આ પણ વાંચો: ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી વખતે ભક્તો વચ્ચે મારામારી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.