ભારતમાં બળાત્કારના ૧૦માંથી ૭ કેસમાં આરોપી છુટી જાય છે
દેશભરમાં બળાત્કારની ઘટનાઓને લઈને લોકોમાં આક્રોશ વ્યાપેલો છે ત્યારે એક રિપોર્ટ મુજબ દેશમાં બળાત્કારના મોટાભાગના કેસોમાં આરોપીઓ છુટી જાય છે.
સવર્ણોએ કોલકાતાની ડોક્ટર યુવતી પર થયેલા બળાત્કારને લઈને આખો દેશ માથે લઈ લીધો છે. નેતાઓ, અભિનેતાઓ, લેખકો, એક્ટિવિસ્ટો, બોલીવૂડ, ગાયકો સહિત સૌ કોઈ આ કેસને પોતાનો મત વ્યક્ત કરી રહ્યું છે. જો કે, આ જ બધાં લોકો દેશમાં દરરોજ દલિત-આદિવાસી મહિલાઓ પર થતા બળાત્કાર વિશે મોંમાં મગ ભરીને બેસી જાય છે. એમના માટે એસસી-એસટી સમાજની મહિલા પર થતા બળાત્કાર કોઈ મુદ્દો જ નથી અને કથિત સવર્ણ જાતિની મહિલા પર થતા બળાત્કાર નેશનલ ઈશ્યૂ બની જાય છે. આ તો કેટલીક એવી વાત જેના પર દલિતો, આદિવાસીઓ હવે સમજી ગયા છે કે, સવર્ણો કદી સુધરશે નહીં. પણ હાલમાં બળાત્કારની ઘટનાઓને લઈને એક મહત્વનો રિપોર્ટ આવ્યો છે જે, જ્ઞાતિ-જાતિ જોયા વિના ગંભીરતાથી લેવો પડે તેમ છે. રિપોર્ટ મુજબ ભારતમાં બળાત્કારનાં ૧૦ માંથી ૭ કેસોમાં આરોપીઓને કોઈ સજા થતી નથી.
2 લાખ કેસોમાંથી માત્ર 18000 માં ટ્રાયલ પૂર્ણ થઈ શકી
રિપોર્ટ મુજબ, ભારતમાં ૨૦૨૨માં બળાત્કારના ૩૨૦૦૦ કેસ નોંધાયા હતા. ૧૩૦૦૦ જુના કેસ પેન્ડીંગ હતા એટલે પોલીસને આવા ૪૫૦૦૦ કેસોની તપાસ કરવાનો પડકાર હતો. આ 45000 કેસોમાંથી વર્ષ દરમિયાન માત્ર ૨૬૦૦૦ કેસોમાં ચાર્જશીટ દાખલ થઈ હતી, જે ટકાવારીની દ્રષ્ટિએ ૬૦ ટકાથી પણ ઓછી છે. ૨૦૨૨માં નોંધાયેલા તમામ કેસોમાં પણ ચાર્જશીટ થઈ શકી નહોતી. માત્ર બળાત્કાર જ નહિં, મહિલાઓ સામે અત્યાચારના જુદા જુદા ૧૧ પ્રકારના કેસોમાં પણ આ જ હાલત હતી.
આ પણ વાંચો: દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું..
બળાત્કાર જેવા જઘન્ય અપરાધ છતાં ચાર્જશીટ ન થવા કે આરોપી છુટી જવા મામલે પોલીસની ઢીલી નબળી તપાસને જવાબદાર ગણવામાં આવે છે. બે લાખ કેસો ટ્રાયલ પર હતા તેમાંથી માત્ર ૧૮૦૦૦ કેસોમાં જ ટ્રાયલ પૂર્ણ થઈ શકી હતી.
દિલ્હી મહિલાઓ સૌથી વધુ અસુરક્ષિત
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો(NCRB) મુજબ ભારતમાં ૧૫૦૦માંથી દર એક મહિલા કોઈને કોઈ ગુનાઈત અત્યાચારનો ભોગ બને છે. દેશમાં મહિલાઓની વસતીના ધોરણે દર એક લાખે ૬૬.૪ મહિલાઓ અત્યાચારનો ભોગ બને છે. જો કે, નહીં નોંધાતા ગુનાની સંખ્યા ઘણી વધારે હોવાનું અનુમાન છે. મહિલાઓ માટે અસુરક્ષીતની શ્રેણીમાં ગણાતા પાટનગર દિલ્હીમાં ૨૦૨૨ માં દર એક લાખે ૧૫૦ મહિલાઓ પર અત્યાચારનાં કેસ દાખલ થયા હતા. અર્થાત ૭૦૦માંથી એક મહિલા અત્યાચારનો ભોગ બની હતી અને દેશભરમાં આ પ્રમાણ સૌથી વધુ છે. કેન્દ્રશાસીત પ્રદેશો તથા પૂર્વોતર રાજયોમાં મહિલાઓ સૌથી સુરક્ષીત હોય તેમ આ ક્ષેત્રોમાં મહિલાઓ પરના અત્યાચારનાં કેસો સૌથી ઓછા છે.
દર એક કલાકે 50થી વધુ મહિલાઓ પર અત્યાચાર થાય છે
અભ્યાસમાં એવું મહત્વનું તારણ સામે આવ્યું છે કે ગુના આચરતા આરોપીઓને સજા કરતા પકડાઈ જવાનો ડર સૌથી વધુ હોય છે. ભારતને લાગેવળગે છે ત્યા સુધી આરોપી પકડાઈ ગયા પછી પણ કાયદાકીય પ્રક્રિયામાં લાંબો સમય નીકળી જતો હોવાને કારણે તેના છુટી જવાની ટકાવારી વધુ છે. આ દરમિયાન પુરાવા સાથે ચેડાં થઈ જાય છે. સાક્ષીઓ હોસ્ટાઈલ થાય છે. ફરીયાદી પર સામાજીક દબાણ ઉભું થાય છે. ૨૦૨૨માં મહિલાઓ પર અત્યાચારનાં કુલ ૪.૫ લાખ કેસ નોંધાયા હતા. જેનો અર્થ એવો થાય છે કે દર એક કલાકે ૫૦ થી વધુ મહિલા અત્યાચારનો ભોગ બને છે. ભારતની સામાજીક નીતિરીતિમાં તમામ કેસો જાહેર થતા નથી, છેલ્લા વર્ષોમાં જાગૃતિ વધી હોવા છતાં તમામ કેસો બહાર આવતા નથી.
આ પણ વાંચો: 151 ધારાસભ્યો-સાંસદો સામે મહિલાઓ પર અત્યાચારના કેસો ચાલે છે?