બુદ્ધ કથામાં બ્રાહ્મણોનો હુમલોઃ બાબાસાહેબનો ફોટો ફાડ્યો, 6 દલિતો ઘાયલ
એક ગામમાં બૌદ્ધ કથા દરમિયાન બ્રાહ્મણો-ક્ષત્રિયોએ હુમલો કર્યો હતો, જેમાં છ દલિતો ઘાયલ થયા છે. લુખ્ખા તત્વોએ બાબાસાહેબની તસવીર પણ ફાડી નાખી હતી.
વર્ણવ્યવસ્થાના પાયા પર ઉભેલો હિંદુ ધર્મમાં બ્રાહ્મણો પોતાને સર્વોચ્ચ માને છે, પછી ભલેને તેમની હરકતો નિમ્ન સ્તરની હોય. વર્ણના આધારે માણસની કિંમત થાય માટે તે અયોગ્ય છે, માણસની કિંમત તેના કર્મોના આધારે થવી જોઈએ. ડો. આંબેડકરે આ વાત બૌદ્ધ ધર્મમાં જાણીજોઈ, એટલે તેમણે પોતાના લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. તેમના પગલે ચાલીને આજે પણ દેશભરમાં શોષિત, પીડિત સમાજ બૌદ્ધ ધર્મ અંગિકાર કરતો રહ્યો છે. બૌદ્ધ ધર્મ માણસને માણસ માની એ જ રીતે તેનો સ્વીકાર કરે છે, અહીં કોઈ ઊંચનીચ નથી, સૌ સમાન છે, જાતિ આધારિત ભેદભાવ નથી.
સ્વાભાવિક રીતે જ આવો ધર્મ મનુવાદી વ્યવસ્થા સામે પડકાર ઉભો કરે. એટલે જ મનુવાદીઓને બૌદ્ધ ધર્મ, તથાગત ગૌતમ બુદ્ધ અને તેનો ભારતના દલિતોમાં મજબૂતીથી પ્રસાર કરનાર ડો. બાબાસાહેબ આંબેડકર સામે આજે પણ ભારે અણગમો અને ગુસ્સો છે. તેમનો આ ગુસ્સો સમયાંતરે પ્રકાશમાં આવતો રહે છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જ્યાં એક ગામમાં બૌદ્ધકથા ચાલતી હતી, એ દરમિયાન ગામના બ્રાહ્મણોએ ઠાકુરો સાથે મળીને બુદ્ધ કથાના સ્થળ પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં છ દલિતો ઘાયલ થયા છે. આ મામલે પોલીસે એફઆઈઆર નોંધી છે.
ઉત્તરપ્રદેશના હરદોઈની ઘટના
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના હરદોઈ જિલ્લાના ટડિયાવા વિસ્તારમાં બૌદ્ધ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પર ગામના બ્રાહ્મણો-ઠાકુરોએ હુમલો કરી દીધો હતો અને બાબાસાહેબની તસવીર પણ ફાડી નાખી હતી. આશ્ચર્યની વાત એ છે કે બૌદ્ધ કથા દરમિયાન પોલીસકર્મીઓ દ્વારા સુરક્ષા પુરી પાડવામાં આવી હતી, તેમ છતાં પોલીસની હાજરીમાં જ દલિત યુવકને માર મારવામાં આવ્યો હતો. હુમલામાં 6 દલિતો ઘાયલ થઈ ગયા છે.
આ પણ વાંચો: થાઈલેન્ડમાં બુદ્ધના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રામાં 40 લાખ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
ઘટના હરદોઈ જિલ્લાના શાહપુર મુગલ ગામની છે. અહીં 5 થી 9 જૂન દરમિયાન બૌદ્ધ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કથાનું સમાપન 9 જૂનના રોજ થવાનું હતું. આયોજકોના કહેવા પ્રમાણે જ્યારથી તેઓ બૌદ્ધ કથાનું આયોજન કરી રહ્યા હતા ત્યારથી જ ગામના બ્રાહ્મણો ઠાકુરો સાથે મળીને તેનો વિરોધ કરી રહ્યા હતા. કથાના સમાપનના એક દિવસ પહેલા જ આ લોકો અચાનક ઉગ્ર થઈ ગયા હતા અને તેમણે કથા સ્થળ પર હુમલો કરી દીધો હતો. હોબાળો થતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. માથાભારે તત્વોએ કથાના સ્થળે તોડફોડ શરૂ કરી દીધી હતી અને બૌદ્ધ કથા સાંભળવા આવેલા લોકોને માર મારીને ભગાડવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે આયોજકો સહિતના લોકોએ તેનો વિરોધ કર્યો તો માથાભારે તત્વોએ લાકડીઓ-દંડા લઈને તેમને મારવાનું શરૂ કરી દીધું હતું. એ દરમિયાન સ્થળ પર પોલીસ હાજર હતી તેમ છતાં તેમણે કોઈપણ પ્રકારનો બચાવ કર્યો નહોતો અને દલિતોને માર મારવા દીધો હતો.
ભીમ આર્મી મેદાનમાં ઉતરી
ઘટનાની જાણ થતા જ ભીમ આર્મીના પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આયોજકો સાથે પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંતોષકુમાર સિંહે જણાવ્યું હતું કે, બંને પક્ષોને શાંત પાડવામાં આવ્યા છે. કુલ છ લોકોને ઈજા પહોંચી છે અને તમામની તપાસ, સારવાર કરવામાં આવી રહી છે. આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ભીમ આર્મીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું
આ ઘટનાના પડઘા સ્થાનિક દલિત સંગઠનોમાં પણ પડ્યા હતા. જેમાં ભીમ આર્મી સૌથી મોખરે રહી હતી. તેણે અહીં પુરવા દેવળિયાના આંબેડકર પાર્કમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને દલિત સમાજના લોકો સાથે ઉપસ્થિત રહીને ધરણાં પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: બુદ્ધ પૂર્ણિમાએ ભારતીય બૌદ્ધ ધર્મીઓનું 2300 વર્ષ જૂનું સપનું સાકાર થયું
પ્રદર્શનકર્તાઓએ ત્રણ માંગણીઓ કરી હતી. જેમાં ડો. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધનો ફોટો ફાડવાના આરોપ સંબંધિત કલમો ફરિયાદમાં દાખલ કરવામાં આવે, પીડિતો પર કરવામાં આવેલી ફરિયાદ પરત ખેંચવામાં આવે અને પિસ્તોલ સહિતના હથિયાર લઈને હુમલો કરવા સંબંધિત કલમોનો ઉમેરો કરવામાં આવે. આ ધરણાં પ્રદર્શનમાં ભીમ આર્મીના સેંકડો કાર્યકરો જોડાયા હતા.
હિંદુ દેવીદેવતાઓના અપમાનનો ખોટો આરોપ લગાવાયો
બીજી તરફ હુમલાખોરોનું કહેવું છે કે, બુદ્ધ કથાના કાર્યક્રમ દરમિયાન હિંદુ દેવીદેવતાઓ પર અભદ્ર નિવેદનો કરવામાં આવી રહ્યા હતા. જેને લઈને કાર્યક્રમના આયોજકોને પણ ચેતવવામાં આવ્યા હતા. તેમ છતાં તેમણે ફરી હિંદુ દેવીદેવતાઓ સામે ટિપ્પણીઓ કરી હતી, (જો કે, તેઓ પોલીસ સામે આ આરોપના કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા.)જેને લઈને બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ મળીને વિવાદ ઉભો કર્યો હતો અને પછી હુમલો કરી દીધો હતો. જેમાં બુદ્ધ કથાના સ્થળે ખુરશીઓ ઉંધી વાળી દેવામાં આવી હતી, આયોજકોને માર મારવામાં આવ્યો હતો અને બુદ્ધ તથા બાબાસાહેબની તસવીરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
80 થી 100 લોકોના ટોળાએ હુમલો કરી દીધો
પોલીસમાં નોંધાયેલા ફરિયાદ મુજબ 5 જૂનથી કથા ચાલી રહી હતી. 8 જૂનને શનિવારના રોજ પોલીસ સુરક્ષા વચ્ચે કથા શરૂ થવાની તૈયારીમાં હતી, ત્યાં જ શાહપુરના 80 થી 100 બ્રાહ્મણ-ક્ષત્રિયોનું ટોળું બુદ્ધ કથાના સ્થળે પહોંચી ગયું હતું અને ગાળાગાળી કરતું લાકડીઓ અને દંડા લઈને તૂટી પડ્યું હતું.
આ પણ વાંચો: બ્રાહ્મણોની સાંસ્કૃતિક ગુલામીમાંથી બહુજનોને કેવી રીતે બચાવી શકાય?
તેમાનાં ઘણાં પાસે ધારદાર હથિયારો પણ હતા. આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આયોજકો પૈકીના એક નન્હેલાલે પોલીસને ગામના નરેશ તિવારી, રામપ્રસાદ તિવારી, આશિષ દુબે, અભિષેક શુક્લા અને રણજીત સિંહ સહિત 80 થી 100 લોકોને આરોપીએ ગણાવ્યા છે.
હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
નન્હેલાલનું કહેવું છે કે, બુદ્ધ કથા હજુ તો શરૂ પણ નહોતી થઈ, એ પહેલા જ આરોપીઓએ હુમલો કરી દીધો હતો. તેનો વીડિયો પણ અમારી પાસે છે, અને સોશિયલ મીડિયામાં પણ તે વાયરલ થયેલો છે. આનાથી મોટા કોઈ પુરાવાની જરૂર પણ નથી. છતાં અમે પોલીસને બીજા પણ વધારાના પુરાવા આપ્યા છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે તેમ જણાવે છે.
આ પણ વાંચો: બુદ્ધ અને મહાવીર વેદો અને ઈશ્વરને નકારતા હોવા છતાં આસ્તિક વિચારકો હતા
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Amrutlal Maganlal ParmarSC par atyachar atkavava harek village ma bhim sena taiyar Karvi join...