અસલી સ્ત્રી સશક્તિકરણઃ વાલ્મિકી સમાજની 4 દીકરીઓ ઝાડુ-વાળુ છોડી સ્વરોજગાર તાલીમમાં જોડાઈ
સ્ત્રી સશક્તિકરણની વાતો કરવી અને ખરેખર તેના માટે કામ કરવું એ બંને અલગ બાબતો છે. અમદાવાદના બે સામાજિક કાર્યકરોએ વાલ્મિકી સમાજની ચાર દીકરીઓને દરરોજ સફાઈકામ કરતી અને સાંજે વાળુ માંગવા જતી બંધ કરાવીને સ્વરોજગાર તાલીમમાં જોડી છે.
દલિત સમાજમાં મહિલા શિક્ષણનું પ્રમાણ ધીમી પણ મક્કમ ગતિએ વધી રહ્યું છે. છતાં વાલ્મિકી સમાજની પરિસ્થિતિ હજુ જેમની તેમ છે. સદીઓની ગુલામી માનસિકતા, ગરીબી, અંધશ્રદ્ધા, કુરિવાજોથી ઘેરાયેલા વાલ્મિકી સમાજમાં જ્યાં પુરુષોની જ આ દશા હોય ત્યાં સ્ત્રીઓ અને દીકરીઓની તો વાત જ શું કરવી? આઝાદ ભારતના 75માં વર્ષે પણ વાલ્મિકી સમાજની મહિલાઓના માથેથી સફાઈ કરવી, વાળુ માગવા જવું, ઝાડુ મારવું જેવા કામોનો ભાર ઉતરતો નથી. કાયમ ગુલામ અને ઉતરતી કક્ષાના માણસ તરીકેનું દુઃખ વેઠતા આપણા વાલ્મિકી સમાજની મહિલાઓ-દીકરીઓ માટે જો કે હાલમાં જ એક આશાના કિરણ જેવી ઘટના બની છે.
અમદાવાદના સામાજિક કાર્યકરો કાંતિભાઈ પરમાર અને કિરીટભાઈ રાઠોડે અમદાવાદના ચાંગોદર અને નારણપુરામાં રહેતી 4 દીકરીઓને સફાઈકામ અને વાળુ માંગવાનું છોડાવીને સિવણ ક્લાસ તથા બ્યૂરી પાર્લરની તાલીમમાં જોડી છે. હાલ આ ચારેય દીકરીઓ સાણંદ નજીક નાની દેવતી ખાતે આવેલા દલિત શક્તિ કેન્દ્રમાં તાલીમ લઈ રહી છે. સ્ત્રી સશક્તિકરણની ખરી મિસાલ સ્થાપિત કરતી આ દીકરીઓ હજુ ગયા અઠવાડિયા સુધી દરરોજ સવારે સફાઈકામ કરતી અને સાંજ પડ્યે વાળુ માગવા જતી હતી. પણ હવે તેઓ સંચો અને હેર બ્રશ ચલાવી રહી છે.
આ મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમાર કહે છે, “અમદાવાદમાં અમે નિયમિત રીતે દલિત વસ્તીઓમાં જતા હોઈએ છીએ. એ દરમિયાન નારણપુરામાં રહેતા બબુબહેન ગરીયલ, ચાંગોદરમાં રહેતી ત્રણ દીકરીઓ ગીતા વાઘેલા, વૈશાલી વાઘેલા અને સુમન વાઘેલા અમારા ધ્યાનમાં આવી હતી. આ તમામ દીકરીઓ સફાઈકામ કરવા જતી અને સાંજે વાળુ માગવા જતી હતી. અમે તેમને માણસ તરીકેની ગરિમાનું હનન કરતી કામગીરી છોડાવી તેમનું આત્મસન્માન જળવાય તેવું કંઈક કામ અપાવવા ઈચ્છતા હતા. એ દરમિયાન નવર્સજન ટ્રસ્ટમાં વિવિધ કોર્ષની ભરતી પણ ચાલતી હોવાથી અમે આ ચારેય દીકરીઓને તેમની આવડત પ્રમાણે બ્યૂટી પાર્લર અને સિવણ ક્લાસની તાલીમ માટે નાની દેવતી ખાતે આવેલા દલિત શક્તિ કેન્દ્રમાં પ્રવેશ અપાવ્યો. હવે આ દીકરીઓ અહીં તાલીમ મેળવીને ખરા અર્થમાં આત્મનિર્ભર બનશે તો અમારી મહેનત લેખે લાગી ગણાશે.”
વીરમગામના સામાજિક કાર્યકર કિરીટભાઈ રાઠોડ કહે છે, “18 થી 23 વર્ષની આ દીકરીઓએ પ્રાથમિક શાળા સુધીનું શિક્ષણ મેળવ્યું છે. એ પછી પરિવારને મદદ કરવા માટે તેઓ સફાઈકામ કરવામાં અને સાંજે વાળુ માગવા જેવા કામોમાં જોડાઈ હતી. અમે તેમને માણસ તરીકેની ગરિમાનું હનન કરતા આ કામો છોડીને આત્મનિર્ભરતા તરફ વાળવાનું નક્કી કર્યું હતું. જેમાં હવે સફળતા મળતી જણાય છે. આગળ જતા આ દીકરીઓ સમાજની અન્ય દીકરીઓનો પણ સફાઈકામ, વાળુ માગવા જેવા પરંપરાગત કામો છોડીને પોતાનો ધંધો-રોજગાર શરૂ કરવા માટે પ્રોત્સાહન પુરું પાડશે. નારણપુરાના બબુબહેન વિધવા છે, તેમના પતિ સફાઈકામ કરતા હતા અને મૃત્યુ પામ્યા હતા. ઘરની જવાબદારી તેમના માથે હોવાથી તેઓ પણ નજીકની ઓફિસો, એપાર્ટમેન્ટમાં સફાઈકામ કરવા જતા હતા. પણ તેનાથી ઘર ચાલે તેમ નહોતું. આ સિવાય આત્મસન્માન જળવાતું નહોતું તે પ્રશ્ન સૌથી મોટો હતો. હવે તેઓ સીવણની તાલીમ લઈને કોઈને ઓશિયાળા ન રહે તે અમારે જોવાનું છે.”
ચારેય બહેનોને સંપૂર્ણ ફી માફી અપાઈ
કાંતિભાઈના જણાવ્યા પ્રમાણે આ દીકરીઓએ ઝાડુ અને વાળુ માંગવાનું છોડવાની ખાતરી આપી છે. સાથે જ તેઓ દલિત સમાજની આ ચળવળમાં સ્વયંસેવક તરીકે જોડાવાના હોવાથી તેમની સંપૂર્ણ ફી માફ કરી દેવામાં આવી છે. તેઓ તાલીમ લીધા પછી સ્થાનિક બાળકોને ભણાવશે, પોતાના વિસ્તારમાં યથાશક્તિ નાનકડી લાઈબ્રેરી શરૂ કરશે, સમાજ ઉત્થાનના કાર્યક્રમોમાં નેતૃત્વ લેશે અને વાલ્મિકી સમાજની બીજી દીકરીઓ તથા મહિલાઓને પણ માનવ ગરિમાનું હનન કરતા ઝાડુ અને વાળુ માગવાના કામો છોડવા પ્રોત્સાહિત કરશે.
દલિત શક્તિ કેન્દ્ર ખાતે અપાય છે સ્વરોજગારની સાથે સમાજલક્ષી તાલીમ
આ ચારેય દીકરીઓને નવર્સજન ટ્રસ્ટ દ્વારા સંચાલિત દલિત શક્તિ કેન્દ્ર નાની દેવતી ખાતે તાલીમ આપવામાં આવી રહી છે. અહીં દલિત સમાજની દીકરીઓ સમાજમાં ગૌરવપૂર્ણ રીતે જીવન જીવી શકે તે માટે વિવિધ કોર્ષ ચાલે છે. દીકરીઓને અહીં સ્વરોજગારની તાલીમની સાથે દલિત સમાજના ઉત્થાન માટે જરૂરી એવી બંધારણ, માનવ અધિકાર, કાયદો અને સામાજિક વ્યવસ્થાની સમજણ અપાય છે. આ સિવાય ભેદભાવ, અસમાનતા, અત્યાચાર સામે કેમ અવાજ ઉઠવવો, સ્ત્રીઓના માન અને સન્માનની તાલીમ, તાલીમ બાદ બહેનો દલિત ચળવળમા ખભે ખભો મિલાવી જોડાય, સામાજિક લડાઈમા પોતાનું યોગદાન આપે, સ્થાનિક લેવલે ગામમાં ધંધો રોજગાર સાથે લાયબ્રેરી શરૂ કરે, બાળકોને માર્ગદર્શન પૂરું પાડે, દલિત ચળવળના કાર્યક્રમોમાં ભાગ લે, ભીમશાળાના બાળકોને અઠવાડિયામા બે દિવસ અભ્યાસ કરાવે તેની તાલીમ પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં અનેક દીકરીઓ અહીં સ્વરોજગાર તાલીમ લઈને આર્થિક અને સામાજિક રીતે પગભર થઈ ચૂકી છે.
તમે પણ દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત લઈ શકો છો
જો કોઈ વ્યક્તિ કે ગ્રુપ દલિત શક્તિ કેન્દ્રની કામગીરીને જોવા-સમજવા માંગતી હોય તો તેઓ નાની દેવતી ખાતે આવેલા સંસ્થાના કેમ્પસની રૂબરૂ મુલાકાત લઈ શકે છે. તેના માટે સંસ્થાનો સંપર્ક કરીને જાણ કરશો તો વિસ્તારથી માહિતી મળી જશે. આપ ચાહો તો સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારને 9727745386 પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો. દર મહિનાની 15મી તારીખે સવારના 10 થી સાંજના 5 વાગ્યાં સુધી એડમિશન પ્રક્રિયા ચાલુ હોય છે. સંસ્થાના કાર્યકરોનું માનવું છે કે દલિત ચળવળ મહિલાઓની ભાગીદારી વિના આગળ વધી શકે નહીં. તેમની સંખ્યા 50 ટકા જેટલી છે, તેઓ ચળવળમાં જોડાય તે માટે તેમનું સશક્તિકરણ થવું જરૂરી છે અને જો તે સ્વરોજગાર તાલીમ મેળવીને પોતાના પગ પર ઉભી રહેશે તો તેનાથી સમાજને ઘણો લાભ મળશે.
આ પણ વાંચોઃ જે હોટલમાં દલિતોને પ્રવેશવા નહોતા દીધા, એમાં જ બેસાડીને મીઠાઈ ખવડાવવી પડી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.