રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન પોતાના ઘરે કરાવ્યા
આભડછેટ-જાતિવાદને તોડતી ઘટના. આખું ગામ દીકરીના લગ્નમાં સહભાગી થયું. દરેકે કોઈને કોઈ ભેટસોગાદો આપી.

રાજસ્થાન તેની જાતિવાદી માનસિકતા અને મહિલા અત્યાચારો માટે કુખ્યાત છે. મહિલાઓ માટે રીતસર નર્ક મનાતા આ પ્રદેશમાં એક મજાની ઘટના બની છે. જાતિવાદી માનસિકતા ધરાવતા આ રાજ્યમાં જાતિવાદ અને આભડછેટના છોતરાં કાઢી નાખતી એક ઘટના ઘટી છે, જ્યાં એક વાલ્મિકી પરિવારની દીકરીના લગ્ન ગામના રાજપૂત પરિવારના ઘરે થયા હતા. દીકરીના લગ્નથી માંડીને તમામ રીતિરિવાજો રાજપૂત પરિવારના ઘરમાં થયા હતા. લગ્નનો તમામ ખર્ચ રાજપૂત પરિવારે ઉપાડી લીધો હતો અને સમગ્ર ગામ આ લગ્નમાં સહભાગી થયું હતું અને દીકરીને યથાશક્તિ ભેટ પણ આપી હતી. જ્યારે રાજપૂત પરિવારના આંગણામાંથી દલિત દીકરીની ડોલી ઉઠી ત્યારે સૌ કોઈની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.
રાજસ્થાનના બાલોતરાના નાગાણા ગામની ઘટના
ઘટના બાડમેર પાસેના બાલોતરા જિલ્લાના નાગાણા ગામની છે. જ્યાં એક વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન ગામના રાજપૂત પરિવારે પોતાના ઘરે યોજ્યા હતા. આ ઘટના એટલા માટે મહત્વની છે કેમ કે, રાજસ્થાનમાં આજે પણ અનેક ગામોમાં દલિત વરરાજાને ઘોડી પર બેસીને પરણવા જવા માટે પોલીસ સુરક્ષા માંગવી પડે છે, નજીવી બાબતમાં દલિતોને માર મારવામાં આવે છે, હત્યા પણ થઈ જાય છે. આવી મોટાભાગની ઘટનાઓમાં કથિત ઉચ્ચ જાતિના લોકો સામેલ હોય છે. ત્યારે આ ઘટનાએ સૌને સુખદ આંચકો આપ્યો છે. અહીં રાજપૂત પરિવારે દલિત દીકરીના લગ્ન પોતાના આંગણે યોજીને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું જેની પહેલની ચોતરફ પ્રશંસા થઈ રહી છે.
સજ્જનસિંહે લગ્નનો તમામ ખર્ચ ઉપાડ્યો
મળતી માહિતી મુજબ, નાગાણા ગામના સજ્જનસિંહ રાવલે પોતાના ઘરે દલિત દીકરીના લગ્ન કરાવ્યા હતા. આ સમગ્ર લગ્નનો ખર્ચ પણ સજ્જન સિંહે ઉઠાવ્યો હતો. આ લગ્નમાં રાજપૂત પરિવાર સાથે આખું ગામ સામેલ થયું હતું. અહીં વાલ્મિકી સમાજના જસારામ વાલ્મિકીની પુત્રી કુસુમલતાના બે દિવસ પહેલા લગ્ન થયા હતા. કુસુમલતા સાથે લગ્ન કરવા આવેલો વર સંજય કુમાર નાગૌરનો રહેવાસી છે અને જાન પણ નાગૌરથી જ આવી હતી.
સજ્જનસિંહે અને તેમના પત્નીએ કન્યાદાન કર્યું
ગામના રાજપૂત સજ્જન સિંહે કુસુમલતાના પરિવારને વિનંતી કરી હતી કે તેઓ તેના લગ્ન પોતાના ઘરે કરવા પરવાનગી આપે. જેને કુસુમલતાના પરિવારે ખુશીથી સ્વીકારી લીધો હતો. ત્યારપછી લગ્નની તમામ વિધિ સજ્જન સિંહના ઘરે જ થઈ હતી. એટલું જ નહીં, તેમણે અને તેમના પત્નીએ દીકરીના લગ્નનની તમામ વિધિ કરી હતી. સજ્જનસિંહે દીકરીના પરિવાર સાથે કન્યાદાન પણ કર્યું હતું.
રાજપૂત પરિવારે વરરાજાને જાતે ઘોડી પર બેસાડી ઓવારણાં લીધાં
નાગૌરથી આવેલી જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વરરાજાને ઘોડી પર બેસાડીને તોરણ વંદન કરાવવામાં આવ્યું હતું. એટલું જ નહીં રાજપૂત પરિવારની મહિલાઓ-દીકરીઓએ વરરાજાનું સ્વાગત કરી ઓવારણાં પણ લીધાં હતા.
સજ્જન સિંહ કહે છે, "મારા ઘરે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન થયા એ સૌભાગ્યની વાત છે. અસ્પૃશ્યતાનો ત્યાગ કરવો જોઈએ અને સમગ્ર દેશમાં પરસ્પર ભાઈચારો અને સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવું જોઈએ."
અજમેરમાં પણ આવી સુખદ ઘટના બની હતી
અગાઉ અજમેરમાં પણ આવી જ પહેલ કરવામાં આવી હતી. જ્યાં એક દલિત દીકરીના લગ્ન દરમિયાન રાજપૂત સમાજ દ્વારા ઘોડી પર બિંદૌલી કાઢવામાં આવી હતી. રાજપૂત સમાજના પ્રબુદ્ધ લોકોએ દલિત દીકરીની ઘોડીની લગામ પકડી રાખી હતી. હવે પશ્ચિમી રાજસ્થાન, જે ભારે જાતિવાદી વિસ્તાર ગણાય છે ત્યાં એક રાજપૂતના ઘરે દલિત દીકરીના લગ્ન થવાથી એક નવો ચીલો ચાતરાયો છે.
આ પણ વાંચો: કલોલના ચરાડુ ગામના ઠાકોર સમાજે વાલ્મિકી સમાજની દીકરીનું મામેરું ભર્યું