જૂનાગઢમાં સસરાએ પુત્રવધુના બૌદ્ધ વિધિથી પુનઃ લગ્ન કરાવ્યા
ગુજરાતના દલિત-બહુજન સમાજમાં કદાચ આ પહેલો પ્રસંગ છે, જેમાં સાસરિયાએ પુત્રવધુના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેના બૌદ્ધવિધિથી પુનઃલગ્ન કરાવ્યા હોય.
અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી નીકળીને કંઈક નવો ચિલો ચાતરવો દરેકના હાથની વાત નથી. તેના માટે મક્કમ મનોબળ સાથે સમાજ સામે પડીને પ્રગતિશીલ વિચારને અમલમાં મૂકવા માટેની તૈયારી રાખવી પડે. ભારતમાં બાળકીઓને દૂધ પીતી કરી દેવી, સતી પ્રથા અને વિધવા વિવાહ નિષેધ જેવા કુરિવાજોએ વર્ષો સુધી સમાજમાં જડ ઘાલી દીધી હતી. પણ સમાજ સુધારકોએ તેનો વિરોધ કર્યો અને ધીરે ધીરે આ કુપ્રથાઓ બંધ થઈ. એ વાત જુદી છે કે, એકવીસમી સદીમાં બાળકીઓને દૂધ પીતી નથી કરાતી પરંતુ ગર્ભમાં જ મારી નાખવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. દીકરીઓ માટે સમાજના નિયમો વધુને વધુ કડક બનતા જાય છે. એમાં પણ પુત્રવધુ માટે તો તેણે શું ખાવું, પીવું, પહેરવું, ઓઢવુંથી લઈને કોની સાથે કેવી રીતે વર્તવું ત્યાં સુધીના બંધનો છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ સાસુ-સસરા તેમની પુત્રવધુના પુનઃલગ્ન કરાવે તો તમે શું માનો?
બહુજન સમાજને ગર્વ થાય તેવી ઘટના
પહેલીવારમાં માનવામાં ન આવે તેવી આ ઘટના જૂનાગઢજિલ્લામાં બની છે. અહીં એક દલિત-બહુજન પરિવારે તેમના એકના એક દીકરાનું અચાનક અવસાન થતા પુત્રવધુના ભવિષ્યને ધ્યાનમાં રાખીને રાજીખુશીથી તેના પુનઃલગ્ન કરાવ્યા હતા. એટલું જ નહીં તેનો તમામ ખર્ચ પણ પોતે ઉપાડ્યો હતો. આ ઘટનાએ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં દલિત-બહુજન સમાજનું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. ગુજરાતમાં કદાચ આ પહેલો એવો પ્રસંગ છે જેમાં કોઈ દલિત-બહુજન પરિવારે તેમની પુત્રવધુના લગ્ન કરાવ્યા હોય અને એ પણ બૌદ્ધ રીતિરિવાજોથી.
આ ઘટનાની મળતી માહિતી મુજબ જૂનાગઢના નાની ખોડિયાર ગામના વતની અને આરોગ્ય વિભાગમાં નોકરી કરીને નિવૃત્ત થયેલા કર્મચારી મનસુખભાઈ પરમારના એકના એક પુત્ર સુનીલનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું, જેના કારણે પરિવારનો માળો વેરવિખેર થઈ ગયો હતો. જો કે પ્રગતિશીલ વિચારો ધરાવતા મનસુખભાઈએ પ્રકૃતિને ગમ્યું તે ખરું તેમ માનીને યુવાનવયે વિધવા થયેલા પુત્રવધુના ભવિષ્યની ચિંતા કરીને તેમના પુનઃલગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું.
સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘટનાની નોંધ લેવાઈ
એ રીતે તેમણે ગત તા. 8 નવેમ્બર 2024ના રોજ તાલાળા તાલુકાના ચિત્રાવડ ગામના વતની અને સર્વ શિક્ષા અભિયાનમાં ફરજ બજાવતા પ્રકાશકુમાર આમલ સાથે પુત્રવધુ કિરણના બૌદ્ધ સંસ્કારથી પુનઃલગ્ન કરાવી સમાજમાં એક આગવો દાખલો બેસાડ્યો હતો. મનસુખભાઈએ નવદંપતીને આશીર્વાદ આપી જે રીતે બાપ દીકરીને સાસરે વળાવે તેમ કાળજે પત્થર મૂકી પોતાની પુત્રવધૂને સાસરે વળાવી હતી. ઉલ્લેખનીય છે કે, દલિત બહુજન સમાજમાં કદાચ આ પહેલો એવો પ્રસંગ છે, જેમાં કોઈ સાસરિયાએ તેમની વિધવા પુત્રવધુના પુનઃલગ્ન કરાવ્યા હોય.
હાલ માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના દલિત બહુજન સમાજમાં મનસુખભાઈ પરમાર અને તેમના પરિવારના સરાહનિય, હિંમતભર્યા અને પ્રેરણાદાયી નિર્ણયની પ્રશંસા થઈ રહી છે અને બહુજન સમાજ તેમને અભિનંદન પાઠવી રહ્યો છે.
સસરા મનસુખભાઈ શું કહે છે?
ખબરઅંતર.કોમ સાથે સમગ્ર મામલે વિસ્તારથી વાત કરતા ડૉ. મનસુખભાઈ પરમાર કહે છે, "મારું મૂળ વતન જૂનાગઢના મેંદરડા તાલુકાનું નાની ખોડીયાર ગામ છે અને હાલ જૂનાગઢના મધુરમ વિસ્તારમાં આવેલી એન્જલ પાર્ક સોસાયટીમાં રહું છું. વર્ષ 2022માં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આરોગ્ય વિભાગમાં વહીવટી ખાતામાં સર્વિસ કચેરી અધ્યક્ષ તરીકે સેવા નિવૃત્ત થયા બાદ ત્યાં ફરી ત્યાં જ કરાર આધારિત સેવા આપી રહ્યો છું. મારા પુત્ર સુનીલના વર્ષ 2011માં લગ્ન થયા હતા. તેનું 1-8-2022ના રોજ ડેન્ગ્યૂના કારણે અવસાન થયું હતું. તેને રૂહી નામની 8 વર્ષની દીકરી છે. સુનીલના પત્ની કિરણ બે વર્ષથી અમારી સાથે જ રહેતા હતા. પણ અમારાથી તેમનું દુઃખ જોવાતું નહોતું. મને સતત એવું લાગતું હતું કે, પુત્રના જવાથી અમારી જિંદગીથી બગડી છે, પણ પુત્રવધુની જિંદગી પણ અમે બગાડી રહ્યાં છે. આથી અમે તેમના માતાપિતા સાથે વાત કરી, પુત્રવધુ કિરણને વિશ્વાસમાં લઈને પુનઃલગ્ન માટે મનાવ્યા. એ પછી મેં તેમના માટે યોગ્ય પાત્રની શોધ શરૂ કરી. એમાંથી ચિત્રાવડના પ્રકાશકુમાર આમલનો સંપર્ક થયો. તેમના પત્નીનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. તેમની સ્થિતિ પણ અમારા જેવી જ હતી. તેમના પ્રગતિશીલ વિચારો અમારા પરિવાર સાથે અને પુત્રવધુ કિરણ સાથે સારા મેળ ખાતા હોવાથી આખરે અમે આ લગ્ન કરાવવાનું નક્કી કર્યું અને 8 નવેમ્બર 2024ના રોજ પુત્રવધુ કિરણના પ્રકાશકુમાર સાથે લગ્ન કરાવ્યા."
મનસુખભાઈ નાનપણથી બુદ્ધ-આંબેડકરને અનુસરે છે
પુત્રવધુના પુનઃલગ્ન કરાવનાર મનસુખભાઈ પરમાર જૂનાગઢમાં જાણીતું નામ છે. તેઓ નાનપણથી જ બુદ્ધ અને ડો. આંબેડકરના રસ્તે ચાલી રહ્યાં છે. તેમણે તેમના ભાઈના લગ્નમાં બ્રાહ્મણે કહ્યું હતું તેનાથી વિરુદ્ધનું સૌથી ખરાબ મૂહુર્ત પસંદ કરીને લગ્ન લેવડાવ્યા હતા અને એ રીતે મનુવાદ સામે જંગ છેડેલો. તેમના પિતા જૂનાગઢ શહેર સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે. મનસુખભાઈ પોતે અનેક સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. દર વર્ષે તેઓ બહુજન સમાજના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહન પુરું પાડે છે. આ સિવાય આરોગ્ય વિભાગમાં પણ તેઓ સક્રીય રીતે ગરીબ દર્દીઓને મદદરૂપ થાય છે.
બુદ્ધ, આંબેડકર જ બહુજનોનો ઉદ્ધાર કરી શકે છે
મનસુખભાઈ કહે છે, "બહુજન સમાજે મનુવાદી વિચારોને જેમ બને તેમ ત્યજીને ડો. આંબેડકર અને બુદ્ધના રસ્તે ચાલવાનું નક્કી કરી લેવું પડશે. મનુવાદ હાલ જે રીતે માથું ઉચકી રહ્યો છે, તે બહુજન સમાજ માટે ઘાતક છે. તે આપણને અંધશ્રદ્ધામાં ધકેલી મનુવાદીઓના ગુલામ બનાવી રાખે છે. તેમાંથી નીકળવા માટે બહુજન સમાજે એક થઈને શિક્ષણ પર ફોકસ કરવું પડશે, યુવાનોને વ્યસનો, ધાર્મિક મેળાવડાઓથી દૂર રહી રોજગારી મેળવવા તરફ પ્રેરવા પડશે. સમાજ એક થશે તો આવતા દિવસોમાં તેનું ફળ ચોક્કસ મળશે. બહુજન સમાજે પ્રગતિ કરવી હશે તો સાચો રસ્તો માત્ર ડો. આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધે જે માર્ગ અપનાવ્યો હતો તે જ દિશામાં છે."
આ પણ વાંચો: અમદાવાદના અમરાઈવાડીમાં 37 લોકોએ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી