આપ તો મુખ્યમંત્રી સે ઉપર હો, આપ કહોગે તો હમારા કામ હો જાયેગા

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું સરકારમાં કશું ઉપજતું નથી તેવી વાતો સંભળાય છે, હવે તેનો પુરાવો પણ સામે આવ્યો છે.

આપ તો મુખ્યમંત્રી સે ઉપર હો, આપ કહોગે તો હમારા કામ હો જાયેગા
image credit - Google images

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનું તેમની જ સરકારમાં કોઈ સાંભળતું નથી, તેવો બળાપો એકથી વધુ ધારાસભ્યો કાઢી ચૂક્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં અબડાસાના ધારાસભ્યે રાજ્યપાલને વિનંતી કરવી પડી છે. કચ્છમાં થર્મલ પ્લાન્ટમાંથી ૩૫૦ કર્મચારીઓને અચાનક જ છૂટા કરી દેવાતાં અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને રજૂઆત કરી હતી. તેમનો સ્પષ્ટ સૂર એવો હતો કે, મુખ્યમંત્રી તો ઠીક, મંત્રીઓ પણ ધારાસભ્યની રજૂઆતને ગંભીરતાથી લેતા નથી. 

મામલો શું હતો?

કચ્છમાં લખપત વિસ્તારમાં છેર નાની ગામે આવેલાં જીએમડીસી સંચાલિત એટીપીએસ થર્મલ પ્લાન્ટમાં આશરે ૩૫૦ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવાયા છે. મોટાભાગના કર્મચારીઓ લાંબા સમયથી નોકરી કરતાં હતાં તેમ છતાંય તેમને જાણ કર્યા વિના છૂટા કરી દેવાયા છે. સરહદી વિસ્તાર હોવાથી સ્થાનિકો માટે નોકરી એક માત્ર રોજગારી છે.  નોકરી છિનવાઇ જતાં ૩૫૦ કર્મચારીઓ છેલ્લાં ૨૦ દિવસથી ધરણાં કરીને વિરોધ કરી રહ્યા છે. આમ છતાંય હજુ સુધી કોઇ ઉકેલ આવી શક્યો નથી. કોઇ અધિકારીએ ધરણાં સ્થળની મુલાકાત સુધ્ધાં લીધી નથી.

આ પણ વાંચો: ભાજપ નેતાએ આદિવાસી ખેડૂત પર ટ્રેક્ટર ચડાવી દીધું, ઘટના સ્થળે જ મોત

અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આ મામલે મુખ્યમંત્રીથી માંડીને મંત્રીને આ મામલે રજૂઆત કરી હતી તેમ છતાંય પ્રશ્ન હલ થઇ શક્યો નહીં. આ કારણોસર નાછૂટકે ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા પહોંચ્યા હતાં. 

ધારાસભ્યે રાજ્યપાલને આજીજી કરવી પડી

ધારાસભ્ય પ્ર્રદ્યુમનસિંહે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કહ્યું કે, 'આપ તો મુખ્યમંત્રી સે ઉપર હો. આપ કહોગે તો હમારા કામ હો જાયેગાં.' આ સાંભળીને એક તબક્કે રાજ્યપાલને પણ નવાઈ લાગી હતી. આ ઘટના પરથી એટલું સમજાય છે કે, રાજ્ય સરકારમાં ભાજપના ધારાસભ્યનું કોઇ સાંભળનાર નથી. તેથી જ તેઓ પ્રજાના પ્રશ્નો માટે હવે રાજ્યપાલને ફરિયાદ કરવા માંડ્યા છે.

એકબાજુ વાયબ્રન્ટ ગુજરાત, બીજી બાજુ બેરોજગારી

ગુજરાતમાં છેલ્લાં ત્રણ દાયકાથી ભાજપનું સાશન છે. એ દરમિયાન એક તરફ વાયબ્રન્ટ ગુજરાતના તાયફાં કરીને ગુજરાતીઓને રોજગારી મળશે તેવા બણગાં ફુંકવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિકોની રોજીરોટી છીનવાઈ રહી હોવા છતાં રાજ્ય સરકારના જ ધારાસભ્યની રજૂઆતને કોઈ સાંભળનાર નથી. ઉદ્યોગો સ્થાનિકોને રોજગારી આપવા તૈયાર નથી. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યુ છે તેમ છતાંય સરકાર મૌન ધારણ કરીને બેઠી છે.

ધારાસભ્ય શું કહે છે?

ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનું કહેવુ છે કે, 'સરહદી વિસ્તાર કચ્છમાં ખેતી પર્યાપ્ત નથી. ગામડાઓમાં સ્થાનિકો નોકરી પર જ નિર્ભર છે. હવે તેમને નોકરીમાંથી હાંકી કાઢ્‌યા છે ત્યારે તેઓની રોજગારી છિનવાઈ ગઈ છે. એવામાં નાછૂટકે સ્થાનિકોને સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે. આ સંજાગોમાં સરકારે આ મામલે તાકીદે નિર્ણય લઇને સ્થાનિકોને નોકરીમાં પરત લેવા કંપનીને આદેશ કરવો જોઈએ.'

આ પણ વાંચો: સસ્તા અનાજની દુકાને રેશન લેવા ગયેલા ખેડૂતને ભાજપનો સભ્ય બનાવી દીધો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.