સસ્તા અનાજની દુકાને રેશન લેવા ગયેલા ખેડૂતને ભાજપનો સભ્ય બનાવી દીધો
ભાજપના સદસ્યતા અભિયાનને લઈને અનેક વિવાદો સામે આવી રહ્યાં છે ત્યારે તેમાં વધુ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.

BJP Membership Campaign: હાલ દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ભાજપના નેતાઓ, કાર્યકરોને ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે, આટલા સભ્યોને જોડવાના છે. તેના માટે પક્ષ દ્વારા કાર્યક્રમો પણ કરવામાં આવે છે, પરંતુ મોંઘવારી, બેરોજગારી, બેકારી જેવા પ્રશ્નોથી ત્રસ્ત પ્રજા કંટાળી ચૂકી હોવાથી ભાજપના કાર્યક્રમથી સતત દૂર થઈ રહી છે. એવામાં ટાર્ગેટ પુરો કરવા માટે નીચલા સ્તરે બેઠેલા કાર્યકરો જાતભાતના યુક્તિઓ અજમાવી રહ્યા છે.
સદસ્યતા અભિયાન શરૂ થયું ત્યારથી જ ભાજપ બળજબરીથી કે લોકોની જાણ બહાર લોકોને છેતરીને સભ્ય બનાવવાનાં આરોપોને લઈને વિવાદોમાં ઘેરાયેલું છે. ત્યારે ફરીથી ભાજપનું સદસ્યતા અભિયાન સામે પ્રશ્નો ઉભો થયાં છે. આ વખતે સસ્તાં અનાજની દુકાને અનાજ લેવા ગયેલાં એક ખેડૂતની જાણ બહાર તેને ભાજપનો સભ્ય બનાવી દેવાના કારણે હોબાળો મચ્યો છે.
જૂનાગઢ જિલ્લાના ચર ગામના જગમાલ પીઠિયા નામના ખેડૂત સસ્તાં અનાજની દુકાને અનાજ લેવા પહોંચ્યા હતાં. જ્યાં દુકાનધારકે ખેડૂતનો મોબાઈલ લઈ તેની જાણ બહાર ભાજપનો સભ્ય બનાવી દીધા હતા. ખેડૂતને જ્યારે મેસેજ મળ્યો ત્યારે તેને ખબર પડી કે, તે ભાજપનો સભ્ય બની ગયો છે. બાદમાં ખેડૂતે સભ્યપદ રદ્દ કરવા માટે ભાજપ કાર્યકરોને વારંવાર ફોન કર્યાં પરંતુ સભ્યપદ રદ્દ કરવામાં ન આવ્યું.
આ સમગ્ર મુદ્દે ભાજપના કાર્યકર્તા અને ખેડૂત વચ્ચેની વાતચીતનો ઓડિયો વાઈરલ થયો હતો, જેમાં ખેડૂતે કહ્યું કે, 'તમે કાલે દુકાને આવીને મારી પાસે ફોન લીધો ત્યારે તમારે મને પૂછવું જોઈએ કે નહીં કે, મારા ફોનમાંથી તમે મને ભાજપના સભ્ય બનાવી રહ્યાં છો? તમને કોઈએ સસ્તા અનાજની દુકાનમાં આવો ધંધો કરવાનું કહ્યું છે?' જો કે, વાઈરલ ઓડિયોમાં કાર્યકર દ્વારા ખેડૂતને કોઈપણ નક્કર જવાબ આપવામાં આવ્યો ન હતો.
આ વિશે ખેડૂતે જણાવ્યું કે, 'સભ્ય બનવાનો મેસેજ આવતા મેં કાર્યકરને ઘણાં ફોન કર્યાં પણ મારો એકપણ ફોન તેણે ઉપાડ્યો નહીં. ત્યારબાદ બીજા દિવસે મને સામેથી ફોન કર્યો. ત્યારે મેં કહ્યું કે, 'ભાઈ તમે દુકાનમાં આવીને મારો ફોન લઈ મને ભાજપનો સભ્ય બનાવી દીધો એ કેટલું યોગ્ય? મને તો એવું હતું કે, તમે સસ્તા અનાજની કુપન માટે કેવાયસી કરાવવા માટે ફોન લીધો હતો. તમે મને ભાજપનો સભ્ય કેમ બનાવી દીધો? હું કોંગ્રેસનો કે ભાજપનો માણસ નથી. મને કોઈ વસ્તુમાં રસ નથી. હું એક ખેડૂતનો દીકરો છું અને મને સભ્ય બનાવ્યો તેનું પણ મને દુઃખ નથી પણ મને જાણ તો કરવી જોઈએ ને? ખેડૂત સાથે આવું થાય તે વાજબી નથી.'
આ પણ વાંચોઃ સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું