આંધ્રપ્રદેશમાં માત્ર 99 રૂપિયામાં ઉચ્ચ ગુણવત્તાનો દારૂ મળશે
ગાંધી જયંતિના દિવસે જ આંધ્રપ્રદેશ સરકારે નવી દારૂ નીતિની જાહેરાત છે, જેમાં દારૂડિયા માટે ખાસ ઓફર જાહેર કરી છે.

આંધ્ર પ્રદેશની ચંદ્રાબાબુ નાયડુની સરકારે નવી દારૂ નીતિ જાહેર કરી છે. બરાબર ગાંધી જયંતિના દિવસે સામે આવેલી આ જાહેરાતમાં ખાનગી રિટેલરોને પણ હરિયાણા અને અન્ય રાજ્યોની જેમ દારૂ વેચવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી રાજ્ય સરકારને રૂ. 5,500 કરોડની આવક થવાની અપેક્ષા છે.
અન્ય રાજ્યો પર આધારિત આબકારી નીતિમાં સંપૂર્ણ ફેરફાર કરતા રાજ્ય સરકારે દારૂના છૂટક વેચાણનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લીધો છે, જેના માટે રાજ્યભરમાં 3,736 છૂટક દુકાનોને સૂચિત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ નવી પોલિસી 12 ઓક્ટોબર 2024થી લાગુ થશે. આ નીતિની સાથે સરકારનું લક્ષ્ય ઓછી આવકવાળા દારૂડિયાઓને સસ્તામાં સારી ગુણવત્તાનો દારૂ આપવાનો વિકલ્પ છે. આંધ્ર પ્રદેશ સરકારે 99 રૂપિયા કે તેનાથી ઓછી કિંમત પર સસ્તો દારૂ આપવાની વાત કરી છે. જેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર દારૂની માંગને રોકવાનો છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં પીએમ આવાસ યોજનાના મકાનમાં દારૂની દુકાન ખોલી નાખી
મીડિયા અહેવાલો અનુસાર, રાષ્ટ્રીય સપ્લાયર્સને પણ આ કિંમતે તેમની બ્રાન્ડ્સ ઓફર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. કંપનીઓ અને નિષ્ણાતોને ટાંકીને અહેવાલ અપાયો છે કે, નવી લિકર પોલિસી છેલ્લાં પાંચ વર્ષમાં વેચાણમાં થયેલા ઘટાડાને પાછો ખેંચી લાવશે તેવી અપેક્ષા છે, સાથે જ તે રાજ્યને ટોચના ત્રણ બજારોમાં લઈ જશે.
પોલિસીનો સમયગાળો બે વર્ષનો હશે, જે દારૂના માર્કેટમાં સ્થિરતા લાવીને ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાનો દારૂ સસ્તા ભાવે ખરીદવા માટે પ્રોત્સાહન આપશે. તેનાથી રિટેઈલરો તેમાં વધુ ભાગીદારી માટે પ્રોત્સાહિત થશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં આંધ્રપ્રદેશનું દારૂનું બજાર કિંમતોમાં સતત વધારો અને સ્થાનિક ખેલાડીઓને મહત્વ આપવાને કારણે અડધુ થઈ ગયું છે. ભારતના બીયર ઉદ્યોગ એકમે કહ્યું કે તેને રાજ્યમાં હજાર કરોડ રૂપિયાના રોકાણની આશા છે. દરેક દારૂની ભઠ્ઠીનો ખર્ચ 300 કરોડ રૂપિયાથી 500 કરોડ રૂપિયા વચ્ચે હોય છે.
આ પણ વાંચો: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટને લોકોનો મોળો પ્રતિસાદ