ખુરશી પર બેસવા બદલ દલિત યુવકને જાતિવાદીઓએ ઝાડ સાથે બાંધી માર્યો
શાકભાજી વેચતા દલિત યુવકનું બાઈક ખરાબ થઈ ગયું હોવાથી ખુરશી પર બેઠો અને જાતિવાદી તત્વો જોઈ ગયા.

A Dalit youth was tied to a tree and beaten: કથિત સવર્ણ જાતિના લોકોને ક્યારે કઈ બાબતમાં અચાનક જાતિના ગર્વનો હુમલો આવી જાય તે કહી શકાતું નથી. તદ્દન સામાન્ય લાગતી બાબતમાં પણ તેઓ જાતિ શોધી કાઢે છે અને દલિતોને અપમાનિત કરી દે છે. ઘણીવાર તો નિર્જીવ વસ્તુનો ઉપયોગ કરવા કે તેને અડકવામાં પણ તેઓ અસ્પૃશ્યતા અનુભવે છે અને દલિત સમાજના લોકો સાથે મારામારી કરવા પર ઉતરી આવે છે.
શાકભાજી વેચતા દલિત યુવક સાથે બર્બરતા
આ ઘટના આવી જ છે. જેમાં એક શાકભાજી વેચતા દલિત યુવકનું અચાનક બાઈક ખરાબ થઈ જતા તે તેને ચાલુ કરતો હતો. અનેક પ્રયત્નો પછી પણ બાઈક ચાલું ન થયું તો તે થાકીને થોડે દૂર એક ઝાડ નીચે પડેલી ખુરશી પર જઈને બેસી ગયો. પણ તેને ક્યાં ખબર હતી કે આ કોઈ જાતિવાદી તત્વની ખુરશી હશે. થોડીવારમાં ખુરશીનો માલિક આવ્યો અને એક દલિત શાકભાજીવાળાને પોતાની ખુરશી પર બેસેલો જોઈને તે ગુસ્સે ભરાયો હતો અને તેણે યુવકને જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં તેને માર મારીને ઝાડ સાથે સાથે બાંધી દીધો હતો અને જાહેરમાં ફટકાર્યો હતો. આ મામલે યુવકે ફરિયાદ નોંધાવી છે, પણ પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.
યુપીના હરદોઈ જિલ્લાની ઘટના
ઘટના જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાના ચિરહોલા મજરા વિસ્તારનો છે. અહીં હિંદુનગરના અલાવલપુર ગામમાં ખુરશી પર બેસવાને લઈને એક દલિત યુવકને જાતિવાદી તત્વોએ ઝાડ સાથે બાંધીને માર માર્યો હતો. દલિત યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, પણ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી.
ખુરશી પર બેસવા બદલ દલિત યુવકને માર્યો
દલિત યુવક પ્રેમકુમારે અલાવલપુર ગામના પૃથ્વીરાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રેમકુમારનો આરોપ છે કે, થોડા દિવસ પહેલા તે શાકભાજી વેચવા માટે થઈ સવારે 11 વાગ્યા આસપાસ ગામમાં ફરી રહ્યો હતો. ત્યારે અચાનક ગામમાં તેનું બાઈક ખરાબ થઈ ગયું હતું. તેણે બાઈક ચાલું કરવા ઘણાં પ્રયત્નો કર્યા પરુંત સ્ટાર્ટ ન થયું. આખરે કંટાળીને તે રસ્તાથી થોડે દૂર આવેલા એક ઝાડ નીચે ગયો, જ્યાં એક ખુરશી પડી હતી, જેના પર તે આરામ કરવા માટે બેઠો.
ત્રણ શખ્સોએ ઝાડ સાથે બાંધીને માર્યો
થોડીવારમાં પૃથ્વીરાજ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને પ્રેમકુમારને ખુરશી પર બેઠેલો જોઈને તેણે તેને લાત મારી, જાતિસૂચક ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. પ્રેમકુમારે તેનો વિરોધ કરતા તેણે વધુ જોરથી તેને મારવાનું શરૂ કરી દીધું હતું. દેકારો થતા અન્ય બે શખ્સો પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ પણ પ્રેમકુમારને મારવા લાગ્યા હતા. એટલું જ નહીં, તેમણે પ્રેમકુમારને ઝાડ સાથે બાંધી દીધો હતો અને માર માર્યો હતો.
દલિત યુવકને શરીરે અનેક ઈજાઓ થઈ
મારમારીની આ ઘટનામાં પ્રેમકુમારને ઘણી ઈજાઓ પહોંચી હતી. જાતિવાદી પૃથ્વીરાજ અને તેના સાગરિતોએ પ્રેમકુમારને જાનથી મારી નાખવાની ધમકી આપી તાત્કાલિક ત્યાંથી રવાના થઈ જવા અને ફરીથી કદી ન ડોકાવા ધમકી આપી હતી.
હજુ સુધી કોઈની ધરપકડ નહીં
પ્રેમકુમારે આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મામલાની તપાસ હરિયાવાના સીઓને સોંપવામાં આવી છે. સીઓ સંતોષસિંહનું કહેવું છે કે, મામલો સામાન્ય મારામારીનો છે. તપાસ ચાલી રહી છે અને પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ બે વર્ષ સુધી દલિત કિશોરીનું શોષણ કર્યું, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવી દીધો