દલિત મહિલાને જાતિવાદી તત્વોએ ગામલોકો સામે નિર્વસ્ત્ર કરી માર માર્યો
મહિલા અને તેના પરિવારજનો પર ધારદાર હથિયારોથી હુમલો કરી હાથમાં ગંભીર ઈજા પહોંચાડી. આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા ફરાર થઈ ગયા.

બટેંગે તો કટેંગે ફેઈમ ઉત્તરપ્રદેશમાં દલિત મહિલા પર અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. અહીંના પીલીભીતમાં એક 29 વર્ષીય દલિત મહિલાને માથાભારે જાતિવાદી તત્વો દ્વારા શેરડીના ખેતરમાં ગ્રામજનોની સામે કથિત રીતે નગ્ન કરવામાં આવી હતી. લુખ્ખા તત્વો મહિલાના ભાઈ પર નજીવી બાબતે હુમલો કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં મહિલા તેના ભાઈને હુમલાખોરોથી બચાવવા માટે વચ્ચે પડી હતી. જેનાથી ઉશ્કેરાયેલા લુખ્ખા તત્વોએ મહિલાને ગામલોકોની હાજરીમાં જ નિર્વસ્ત્ર કરી હતી. ઘટનાથી હતપ્રભ થયેલી મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છ લોકો સામે કેસ નોંધ્યો છે.
મહિલા ખેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગામની રહેવાસી છે. તેણે આરોપ લગાવ્યો છે કે હુમલાખોરોએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેના કારણે તેના જમણા હાથમાં ઊંડા ઘા પડી ગયા હતા. મહિલાને બચાવવાનો પ્રયાસ કરનાર અન્ય એક પુરુષ પર આરોપીઓએ દંતાળીથી હુમલો કરતા તેની ડાબા હાથની આંગણી કપાઈ ગઈ હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી અને ગુરુવારે FIR નોંધવામાં આવી હતી.
સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં કલમ 191(2): રમખાણો, કલમ 191(3): ઘાતક હથિયારથી ઇજા પહોંચાડવી રમખાણો કરવા કલમ 115(2): સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવું, કલમ 352: શાંતિનો ભંગ કરવાના ઈરાદાથી ગુસ્સે ભરાઈને અપમાનજનક કૃત્ય કરવું, કલમ 76: સ્ત્રીના કપડાં ઉતારવાના ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવો વગેરે કલમો સામેલ છે.
આ ઉપરાંત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (એટ્રોસિટી એક્ટ) ની જોગવાઈઓ પણ લાગુ કરવામાં આવી છે. એસએચઓએ વધુમાં જણાવ્યું કે આરોપીઓ હાલમાં ફરાર છે અને તેમને પકડવાના પ્રયાસો ચાલુ છે.
આ જઘન્ય ઘટનાથી સમગ્ર વિસ્તારમાં આક્રોશ ફેલાયો છે અને સ્થાનિકો ઝડપી ન્યાય અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અધિકારીઓએ આ કેસની સંપૂર્ણ તપાસ કરવાની અને પીડિત મહિલા અને તેના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો: આદિવાસી મહિલાઓને ઝાડ સાથે બાંધી ‘જય શ્રી રામ’ના નારા લગાવડાવ્યા