ભાજપનો કાર્યકર યુવતીને ભગાડી જતાં લોકોએ ધારાસભ્યની ઓફિસને ઘેરી
સૌરાષ્ટ્રના એક ગામમાં ભાજપનો એક કાર્યકર ગામની જ યુવતીને ભગાડી જતા ગામલોકોએ ધારાસભ્યની ઓફિસને ઘેરીને હોબાળો મચાવ્યો હતો.
ગુજરાતમાં સત્તાધારી ભાજપની હાલ માઠી દશા ચાલી રહી હોય તેમ લાગે છે. એકબાજુ કેન્દ્રમાં મોદી સરકાર સાથીપક્ષોની કાંઘખોડી સરકાર ચલાવવા મજબૂર છે, બીજી તરફ અહીં દરરોજ ભાજપના કોઈને કોઈ નેતા, આગેવાન કે કાર્યકર દ્વારા કૌભાંડ, છેતરપિંડી કે દાદાગીરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. અમદાવાદમાં એક કાર્યકરે 400 જેટલી ગાડીઓ કમલમમાં ભાડે મૂકવાનું કહી અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી. બીજી તરફ સૌરાષ્ટ્રમાં એક યુવતી સાથે ભાજપના બે નેતાઓએ રેપ કર્યાનો મામલો ચગ્યો છે.
આ ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં હવે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં ઓટાળા ગામમાંથી ભાજપનો આગેવાન ગામની યુવતીને ભગાડી જતાં ગામલોકોએ એકઠા થઈને મોરબીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની ઓફિસે હંગામો મચાવ્યો છે. આ મામલે પોલીસ ફરિયાદ ના લેતા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
મળતી માહિતી પ્રમાણે ઓટાળા ગામની યુવતીના પરિવારજનો, ગામની મહિલાઓ તેમજ લોકો ગઈકાલે મોરબી રવાપર ચોકડી આવેલી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના કાર્યાલયે દોડી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
આ પણ વાંચો: કમલમમાં ગાડીની જરૂર હોવાનું કહી ભાજપ કાર્યકરે 400 ગાડીઓ પચાવી પાડી
ગામલોકોએ દેખાવો કરતા આક્ષેપ કર્યો હતો કે, ભાજપના રાજમાં દીકરી સલામત નથી અને ભાજપનો આગેવાન જ અમારી દીકરીને ભગાડી ગયો છે, જેથી પોલીસ તેને પકડતી નથી.
ગામલોકોએ કહ્યું હતું કે, ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા પરિવારની દીકરીને તે જ ગામમાં રહેતો ભાજપનો આગેવાન બેચર ઘોડાસરા ભગાડી ગયો છે. એ પછી દીકરીનો પરિવાર નામજોગ ફરિયાદ કરવા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગયો હતો પરંતુ
પોલીસે પરિવારની ફરિયાદ લઈને દીકરીને શોધવા અને આરોપીને પકડવા માટેની કામગીરી કરી ન હતી અને માત્ર અરજી લઈને તપાસ કરવામાં આવી રહી છે.
ગામલોકોનો આક્ષેપ છે કે, ત્રણ દિવસમાં દીકરીનો કોઈ પત્તો લાગ્યો નથી. જેથી ભોગ બનેલા પરિવારની સાથે ૫૦૦થી વધુ ગ્રામલોકોએ મોરબીની રવાપર ચોકડી પાસે આવેલી ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની ઓફિસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો અને ભાજપનો આગેવાન ગામની દીકરીને ભગાડી ગયો હોવાથી પોલીસ ફરિયાદ લેતી નથી તેવો આક્ષેપ કર્યો હતો.
આ મામલે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે "બેચર ઘોડાસરા નામનો કથિત ભાજપનો કાર્યકર ગામની જ દીકરીને લઈ ગયો છે. તેની સામે પગલાં લઈને તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. દીકરીને તાત્કાલિક શોધી કાઢવા માટે ભોગ બનેલા પરિવારના લોકોની હાજરીમાં મેં એસપી અને ડીવાયએસપી સાથે ટેલીફોનીક વાત કરી છે અને ઘટતી કાર્યવાહી કરવાની સાથે આ શખ્સનાં જે કોઈ સાગરીતો છે તેની સામે પણ કાર્યવાહી કરવા માટેની સૂચના આપી છે."
આ પણ વાંચો: આટકોટમાં ભાજપના બે આગેવાનોએ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું