કમલમમાં ગાડીની જરૂર હોવાનું કહી ભાજપ કાર્યકરે 400 ગાડીઓ પચાવી પાડી
અમદાવાદમાં ભાજપના એક કાર્યકરે પોતાને ગાંધીનગર કમલમમાં ગાડીઓ મૂકવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને 400 જેટલી ગાડીઓ પચાવી પાડી છે.
અમદાવાદમાં ભાજપના એક કાર્યકરે પોતાને ગાંધીનગર કમલમમાં ગાડીઓ ભાડે મૂકવાનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહીને અનેક લોકો પાસેથી 400 જેટલી ગાડીઓ પચાવી પાડી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. કાર માલિકોને પોતાની કાર કે ભાડું બે માંથી એકેય નહિ મળતા આખરે આ કૌભાંડ સામે આવ્યું હતું. જો કે શરૂઆતમાં પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે મામલો ઉગ્ર બન્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ધરણા કરવાની ચીમકી આપતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય શંકાસ્પદની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે અફવાઓ પર વિશ્વાસ ના કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે કેટલાક લોકો તપાસને અલગ રંગ આપવાનો પ્રયાસ કરી શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અસારવા વિસ્તારમાં રહેતા પ્રિન્સ મિસ્ત્રી અને તેના પિતા કનુભાઈ મિસ્ત્રીએ પોતાના વિસ્તારના અમુક લોકોને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તેમને ગાંધીનગર કમલમ ખાતે ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી 400 જેટલા લોકોએ પ્રિન્સ મિસ્ત્રીને પોતાની ગાડી ભાડે આપી હતી. શરૂઆતના બે થી ત્રણ મહિના પ્રિન્સ દ્વારા ગાડી માલિકોને યોગ્ય રીતે વળતર આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી વળતર નહીં મળતા કાર માલિકો તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેના પિતાએ પ્રિન્સ ઘરે નહીં આવતો હોવાનું અને તેની સાથે કોઈ સંબંધ નહિ હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ ગાડી માલિકોએ તપાસ કરતા તેમની ગાડીઓ અમુક વ્યક્તિઓ પાસે ગીરવે રાખી હોવાનો ખ્યાલ આવતા કાર માલિકોએ જે તે વ્યક્તિનો સંપર્ક કરતા સામે આવ્યું કે પ્રિન્સ દ્વારા આ બધી કાર ગીરવે રાખવામાં આવી છે. એ પછી કાર માલિકો પોલીસ સ્ટેશનને પહોંચતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.
જોકે પ્રિન્સની સાથે ક્રાઈમ બ્રાન્ચનો એક પોલીસ કર્મચારી પણ સામેલ હોવાનો આક્ષેપ જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો સોમવાર સુધીમાં આરોપીઓ પકડાશે નહીં તો તેઓ કલેક્ટર કે કમિશનર ઓફિસ બહાર ધરણા પર ઉતરશે.
આ પણ વાંચો: કેન્દ્રમાં બધા મંત્રીઓ સવર્ણ, ભાજપ દલિત વિરોધી પક્ષ છેઃ ભાજપ સાંસદ
બીજી તરફ કાર માલિકો પોતાની કાર અલગ અલગ રીતે શોધતા હતા અને અમુક કારમાં જીપીએસ લાગ્યું હતું જેના આધારે કાર માલિકોને ખ્યાલ આવ્યો કે તેમની કાર જ્યાં ગીરવે મુકાયેલી છે અને ત્યાં તેનો અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તેને લઈને પણ કાર માલિકોએ ક્રાઈમ બ્રાન્ચમાં રજૂઆત કરી સમગ્ર માહિતી આપી હતી.
કાર માલિકોએ જ્યાં પોતાની કાર ગીરવે રાખવામાં આવી છે તેમનો સંપર્ક કરતા કાર છોડાવવા માટે પૈસાની પણ માંગણી કરી હોવાનું કાર માલિકોએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જોકે પોલીસ દ્વારા પણ તમામ કાર માલિકોને ખાતરી આપવામાં આવી છે કે તેમની કાર કાયદાકીય રીતે પરત મેળવશે અને તાત્કાલિક ધોરણે આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવશે.
મહત્વનું છે કે જે રીતે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે જેની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાય છે, ત્યારેપ્રિન્સ મિસ્ત્રી દ્વારા કેટલી કાર ભાડે લેવાઈ હતી, કાર માલિકો અને જીગ્નેશ મેવાણીના આક્ષેપો મુજબ સમગ્ર કેસમાં કોઈ પોલીસ કર્મચારી સંડોવાયેલું છે કે કેમ આ સમગ્ર મુદ્દા ઉપર પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા
કમલમમાં ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી દ્વારા 400 જેટલી ગાડીઓ અમુક ચોક્કસ રકમ આપવાના કરાર કરી ભાડે રાખી હતી. આગળ જતા પ્રિન્સ મિસ્ત્રીએ માસિક ભાડાનો હપતો ચુકવ્યો નથી અને ગાડીઓ પણ મૂળ માલિકોને પરત કરી નથી. ભાજપના નેતાએ સુઆયોજિત રીતે એક કૌભાંડ આચરી રાજ્યના 300થી વધુ લોકોની ગાડીઓ પર ગેરકાયદેસર કબ્જો જમાવ્યો છે.પ્રિન્સ મીસ્ત્રીએ એક પોલીસ કોન્સ્ટેબલ સાથે મળીને ઠગાઇ આચરી હોવાની જિગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યો છે
વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, "લોકસભા ચૂંટણી 2024માં ભાજપના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે તેમ કહીને ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક કાર્યકર અને ડોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ બન્નેએ ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે અમદાવાદના નાગરિકો પાસેથી 400 ફોર વ્હીલર લીધી હતી. આ બન્નેએ અમદાવાદના નાગરિકોને એમ કહીને ગાડી મેળવી કે કમલમમાં ગાડીની જરૂર છે તો આપો મહિને 35 હજાર રૂપિયા ભાડુ આપીશું. 400 ગાડીઓ ભાજપના નેતાઓ ચાઉં કરી ગયા છે. આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ ગાડીઓનો ગેરકાયદેસર પ્રવૃતિઓમાં ઉપયોગ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
કમલમમાં ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા કાર્યકર્તા દ્વારા દ્વારા 400 જેટલી ગાડીઓ પર ગેરકાયદેસર કબ્જો કરી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પીડિતોને લઇને ભાજપના કાર્યકર્તા સામે ફરિયાદ નોંધાવવા માટે અમદાવાદ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા. ભાજપના કાર્યકર્તા સામે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો: કૉલેજેની ડિગ્રીથી કશું થવાનું નથી, પંચરની દુકાન ખોલો: ભાજપના ધારાસભ્ય