દલિત યુવક ત્રણ દિવસથી ગુમ હતો, ચોથા દિવસે ઝાડ સાથે લટકતી લાશ મળી
એક ગામમાં દલિત યુવક ત્રણ દિવસથી ગુમ હતો, પરિવાર સહિત સૌ કોઈ તેને શોધી રહ્યા હતા. ચોથા દિવસે સીમમાં ઢોર ચરાવતા ભરવાડે તેની લાશ ઝાડ સાથે લટકતી જોઈ.
સાવ નાનકડા ગામમાં જ્યાં વાહનવ્યવહારની વ્યવસ્થા પણ માંડ હોય, લોકો ખેતી અને તેની સાથે જોડાયેલા પરંપરાગત ધંધામાં જોડાયેલા હોય, ગામની બહાર દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેના વિશે તેમને કશી પડી ન હોય, પોલીસનું તો નામ પડે ત્યાં જ લોકો ફફડી ઉઠતા હોય, એવા ગામની સીમમાં, જો ગામના જ ત્રણ દિવસથી ગુમ થયેલા એક યુવકની લાશ ઝાડ સાથે લટકતી મળી આવે તો કેવો ભયનો માહોલ પેદા થાય તેની કલ્પના કરી જુઓ. લોકો ઘરોમાં ભરાઈ જાય, બાળકો દિવસો સુધી બહાર ન નીકળે અને મહિલાઓ દિવસો સુધી એ ઘટનાની અલગ અલગ રીતે ચર્ચાઓ કરતી રહે.
આવી ચર્ચાસ્પદ અને શંકાસ્પદ ઘટના હકીકતમાં બની છે, જેમાં એક દલિત યુવકની ગામની સીમમાં એક ઝાડ સાથે શંકાસ્પદ હાલતમાં લટકતી લાશ મળી આવી છે. યુવક ત્રણ દિવસ પહેલા ગુમ થયો હતો અને તેનો પરિવાર તેને શોધી રહ્યો હતો.
ઘટના ઉત્તરપ્રદેશના ફતેહપુર બકેવર પોલીસ સ્ટેશનમાં આવતા ભૈંસૌલી ગામની છે. અહીં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા દલિત યુવકની ગામની સીમમાં શંકાસ્પદ હાલતમાં ઝાડ પર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાને લઈને નાનકડા આ ગામમાં જાતભાતની ચર્ચાઓ થઈ રહી છે. લોકોમાં આશંકાઓ અને ભયનો માહોલ છે. મૃતકના પરિવારજનોએ આ મામલે ઉંડાણપૂર્વકની તપાસની માંગ કરી છે.
મૃતક યુવકની ઓળખ મહેશ પાસવાન તરીકે થઈ છે અને તેની ઉંમર 37 વર્ષની છે. તેના પિતા રામસ્વરૂપ અને માતા દાનવતીનું વર્ષો પહેલા અવસાન થયું હતું. મહેશ ભાઈ-બહેનોના પરિવારમાં બીજા નંબરે હતો. તેની ત્રણ બહેનો છે. આ સિવાય તેના ત્રણ ભાઈઓ અમિત, અમન અને ચમન છે. મહેશના બે વાર લગ્ન થયા હતા અને બંને વખત છુટાછેડા થઈ ગયા હતા.
24 જુલાઈથી ગુમ હતો
આ પણ વાંચો: 'હું દરબાર છું, મને 'તું' કેમ કહે છે?' - ડીસાના ઝેરડા ગામે દરબારે દલિત યુવકને આંતરીને માર માર્યો
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મહેશ 24 જુલાઈને બુધવારના રોજ બપોરે બે વાગ્યા પછીથી ગુમ થયો હતો. લોકોએ આખા ગામમાં તેની શોધખોળ કરી જોઈ પણ કોઈ જગ્યાએ તેનો પત્તો મળ્યો નહોતો. પરિવારજનો તેને ફોન કરતા રહ્યા પણ તેણે ફોન ઉપાડ્યો નહોતો. જેના કારણે ચિંતા ઓર વધી ગઈ હતી.
શુક્રવારે બાજુના ગામ બિસરૌલીના કેટલાક ભરવાડોએ ઢોર ચરાવતી વખતે સીમમાં તેની લાશ લટકતી જોઈ હતી. જો કે, બીકના માર્યા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા અને કોઈને પણ તેની જાણ કરી નહોતી. એ પછી તેનો મૃતદેહ એ દિવસે પણ જેમની તેમ સ્થિતિમાં ઝાડ સાથે લટકતો રહ્યો.
બીજા દિવસે શનિવારે આ ઘટનાની ગામમાં ચર્ચા થવા લાગી અને વાત મૃતકના ભાઈ અમિત સુધી પહોંચી. એ પછી તે ગામના અન્ય લોકોને લઈને ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં ઓલરેડી લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.
આ પણ વાંચો: રૂપિયા પર આંબેડકરના ગ્રંથમાં સ્પષ્ટ દ્રષ્ટિ છે
અમિતે જોયું કે મહેશનું અડધું શરીર જમીન પર લટકતું હતું, ઝાડની ડાળી એકદમ પાતળી હતી, જેની સાથે તેનો મૃતદેહ લટકી રહ્યો હતો. મૃતકના શરીરમાં જીવડાં પડી ગયા હતા અને ભયંકર દુર્ગંધ મારતી હતી. જેના પરથી સમજાતું હતું કે તેનું મોત ઘણાં દિવસ પહેલા થઈ ગયું છે.
જ્યારે ફોરેન્સિકની ટીમ મૃતદેહની તપાસ કરી રહી હતી ત્યારે ખ્યાલ આવ્યો કે તેના એક પગમાં ચંપલ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મહેશ ગુમ થતા પહેલા ગામની એક દારૂની દુકાને ગયો હતો, જ્યાં કદાચ તેની કોઈની સાથે બબાલ થઈ ગઈ હતી. એ વિવાદના કારણે તેની હત્યા કરીને લાશ ઝાડ સાથે લટકાવી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. મૃતક મહેશ પાસવાનના પરિવારજનોએ ફોરેન્સિક તપાસની માંગ કરી છે અને હત્યાની આશંકા વ્યક્ત કરી છે.
પોલીસે ફરિયાદ નોંધીને તમામ એંગલોથી તપાસ શરૂ કરી દીધી છે. આ શંકાસ્પદ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે અને લોકો જાતભાતની ચર્ચાઓ કરી રહ્યાં છે. પોલીસ આ મામલાના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે અને જલ્દી જ સત્ય સામે આવશે તેવી આશા વ્યક્ત કરી રહી છે.
આ પણ વાંચો: બિમાર હોવાથી ઢોલ ન વગાડ્યો, ગામે વાલ્મિકી પરિવારનો બહિષ્કાર કર્યો