રૂપિયા પર આંબેડકરના ગ્રંથમાં સ્પષ્ટ દ્રષ્ટિ છે
પ્રસ્તુત લેખ અમેરિકાની જ્યોર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન ઈચે અંગ્રેજી અખબાર 'ધ ઈન્ડિયન એક્સપ્રેસ'માં પ્રગટ કરેલા લેખનો મયૂર વાઢેરે કરેલો ગુજરાતી અનુવાદ છે.
અનુવાદ: મયૂર વાઢેર
એક સદી પહેલા ઈ.સ. 1923ની ગ્રીષ્મ ઋતુમાં એક યુવાન ધારાશાસ્ત્રીએ લંડનની ગ્રેઈઝ ઈન યુનિવર્સિટીમાંથી કાનૂનશાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કરીને બૉમ્બે હાઈકોર્ટમાં પ્રવેશ કર્યો; તે યુવાન વકીલ હતા બી. આર. આંબેડકર, પછી તેઓ તુરંત બાબાસાહેબ તરીકે ખ્યાતિપ્રાપ્ત થઈ ગયા હતા. તેમણે ખેડેલી કાનૂની અને રાજકીય સફર જગતભરના દલિત કર્મશીલો અને બંધારણના સિદ્ધાંતકારો માટે પ્રેરણાની વિરાસત બની ગઈ.
પરંતુ તે જ 1923નું વર્ષ આંબેડકરના સાવ નોખા-અનોખા અને પ્રમાણમાં ઓછા ઉજાગર થયેલા તેમના આર્થિક ઈતિહાસકાર અને નાણાકીય સુધારક તરીકેના પાસા માટે ઉચ્ચતમ કક્ષાએ અંકિત થયું હતું. જ્યારે ડૉ. આંબેડકર બૉમ્બે આવ્યા ત્યારે 32 વર્ષની વયે ભારતીય નાણાતંત્રનાં મહત્ત્વના ઈતિહાસનો ગહન અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. તેમનો આ અભ્યાસ સામ્રાજ્યવાદી બ્રિટિશ રાજતંત્રના નાણાકીય ગેરવહિવટની ઉગ્ર આલોચનાની બૌદ્ધિકતાથી તરબોળ છે.
તેમનો ‘રૂપિયાની સમસ્યા: ઉદ્ભવ અને ઉકેલ’ શીર્ષક ધરાવતો ગ્રંથ ડિસેમ્બર, 1923માં લંડન ખાતે પ્રગટ થયો હતો. અને તે ગ્રંથ ભારતના નાણાકીય ચલણ અને બેન્કિંગ ક્ષેત્રે જગતના અગ્રગણ્ય નિષ્ણાંતોમાં ડૉ. આંબેડકરને માનવંતુ સ્થાન આપાવે છે.
લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અર્થશાસ્ત્રી એડવિન કેનનનાં માર્ગદર્શન હેઠળ ઈ.સ. 1923માં સંશોધનપત્રના રૂપમાં તૈયાર થયા પછી તુરંત જ આ ગ્રંથની ભારત અને બ્રિટન સહિત અમેરિકામાં વ્યાપકરીતે સમીક્ષા કરવામાં આવી હતી. તેના પરિણામે ડૉ. આંબેડકર ઈ.સ. 1925માં ભારતીય ચલણ અને બેંન્કિંગ માટે રચાયેલા રોયલ કમિશનના ધ્યાને આવ્યા.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ડૉ. આંબેડકરે કોલંબિયા યુનિવર્સિટી માટે ભારતીય જાહેર નાણાકીય વહિવટનાં પ્રાંતિય વિકેન્દ્રીકરણ પર તેમનો અન્ય સંશોધનગ્રંથ પૂર્ણ કરી લીધો હતો. પણ તે સંશોધનગ્રંથ યુનિવર્સિટીને સુપ્રત કરે તે પહેલા તેને ગુમાવી દેવાનો વારો આવ્યો. કારણ કે તેઓ ભારત પરત ફરતા હતા ત્યારે તેમનો સામાન જે થોમસ કૂક જહાજમાં આવતો હતો તે જહાજને જર્મન નૌસેનાની તોપે નષ્ટ કરી દીધું હતું. જેમાં ડૉ. આંબેડકરના પ્રસ્તુત સંશોધનગ્રંથે પણ જળસમાધિ લઈ લીધી હતી.
ડૉ. આંબેડકરે હવે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સને સુપ્રત કરવાનો સંશોધનગ્રંથ તૈયાર કરતી વેળાએ તેના (પ્રાંતિય વિકેન્દ્રીકરણનાં) બદલે રૂપિયાના અવમૂલ્યન પર તેમનું ધ્યાન કેન્દ્રીત કર્યું. તેમનો ગ્રંથ ‘રૂપિયાની સમસ્યા’ અઢારમી સદીથી આરંભાયેલા ભારતીય ચલણના વ્યાપક ઈતિહાસને માત્ર રેખાંકિત જ નથી કરતું પણ તે સમકાલિન ભારતના નાણાકીય શોષણના બિહામણું ચિત્ર આબાદરીતે ઝીલે છે.
તેમણે ઈન્ડિયા ઓફિસ અને તેના તત્કાલિન નેતાઓ સમક્ષ ભારતની નાણાકીય દશાની હકીકત મોઢામોઢ જણાવી દીધી હતી. તેમણે ભારતીય ચલણ અંગે બ્રિટિશતંત્રનો બચાવપૂર્વક ખુશામત કરનારા પુસ્તકના લેખક જોન મેનાર્ડ કેઈન્સને પડકાર્યા હતા.
અલબત્ત, બ્રિટિશરોના નાણાકીય ગેરવહિવટ અંગે ભારતના લોકોની સમકાલિન પીડા તેમના ગ્રંથ ‘રૂપિયાની સમસ્યા’માં પ્રકટ થઈ એ તેમનું બીજુ સૌથી અદભૂત પરાક્રમ હતું. તેમાં સમગ્ર બ્રિટિશ સંસ્થાનનાં માધ્યમથી ઓગણીસમી સદીમાં થયેલા સતત વિઘાતક નાણાકીય સુધારાઓમાં ભારતીય રૂપિયો કેવી રીતે ધરી બન્યો હતો તેનો અસરકારક ચિતાર ઝીલાયો છે.
પ્રસ્તુત પુસ્તકમાં રજૂ થયેલો નાણાનો વ્યાપક ઇતિહાસ નાણાકીય સુધારણા માટે ચિંતનાત્મક દરખાસ્ત રજૂ કરે છે. ડૉ. આંબેડકર ભારતીય ઉપખંડમાં વિસ્તરેલા સુવર્ણ ધોરણનો અંત લાવીને જ ભારતીય રૂપિયાને બ્રિટિશ અને ઉજળિયાતો બંનેના આધિપત્ય સામે મજબૂત રીતે રક્ષણ આપી શકાય તેમ આશ્વર્યજનક વણાંક આપીને પુસ્તકનું સમાપન કરે છે. સુવર્ણ ધોરણે બ્રિટિશ સત્તાના ઉદયમાં બ્રિટનને સધિયારો આપ્યો હતો અને તેણે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ઈ.સ. 1920ના આરંભમાં સમગ્ર જગતમાં ઉગ્ર નાણાકીય વર્ચસ્વને પૂર્વવત કર્યું હતું.
પરંતુ ‘રૂપિયાની સમસ્યા’ પુસ્તક સુવર્ણ ધોરણ અને નાણાકીય નિયંત્રણની સહજતાનો રૂઢિચુસ્ત બચાવ કરતું નથી પણ તેમાં વ્યાવહારુ રાજકીય તર્ક પ્રગટ થયો છે.
ડૉ. આંબેડકર બ્રિટિશરોની ભારતમાં હિંસા ધ્યાને લેતી વખતે બ્રિટિશ નાણાકીય ખ્યાલના ઉત્કટ સિદ્ધાંતોને તપાસે છે. તેઓ પુસ્તકનું સમાપન કરતા કહે છે, જ્યાં સુધી ભારત પોતાની રીતે શાસન કરતું ન થાય ત્યાં સુધી તેને અબાધિત સત્તા આપી દેવાને બદલે સંસ્થાનિક રાજ્ય સાથે જોડાયેલુ રાખવું વધારે બહેતર રહેશે.
ડૉ. આંબેડકર ઈ.સ. 1947માં ‘રૂપિયાની સમસ્યા’નો મુદ્દો ફરીથી હાથ ધરે છે. પુસ્તકની નવી પ્રસ્તાવનામાં તેઓ બીજા ગ્રંથમાં પ્રસ્તુત વિષયવસ્તુનું વિસ્તૃત અને અદ્યતન સંસ્કરણ પ્રગટ કરશે તેમ વચન વ્યક્ત કર્યું હતું. પરંતુ આ લખાણ લખ્યા પછી એક જ સપ્તાહમાં ભારત આઝાદ થઈ ગયું હતું. ડૉ. આંબેડકર બંધારણ ઘડતરના ગંજારવ કાર્ય અને તેમના પ્રખર રાજકીય અભિયાનમાં ડૂબી ગયા હતા. જાહેર જીવનમાં તેમની સઘન વ્યસ્તતાના પરિણામે, આપણે તે બીજા ગ્રંથથી વંચિત રહી ગયા. તે ગ્રંથમાં તેમણે લોકતાંત્રિક બંધારણીય ઉપલક્ષમાં સુવર્ણ ધોરણને બદલે જાહેર નાણાકીય નીતિ અંગે કેવો ખ્યાલ બાંધ્યો હોત તેનાથી આપણે અવગત થઈ શક્યા હોત.
-સ્ટીફન ઈચ (લેખક અમેરિકાની જ્યાર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર અને ‘ધ કરન્સી ઓફ પોલિટિક્સ’ પુસ્તકના સર્જક છે.)
આ પણ વાંચોઃ RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?