ગઢડાના ઢસા વીશી ગામના સફાઈકર્મીઓનું આંદોલન 40માં દિવસમાં પ્રવેશ્યું

સફાઈકર્મીઓ છેલ્લાં 40 દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે છતા સત્તાધીશો તેમને મળવાની પણ તસ્દી લેતા નથી.

ગઢડાના ઢસા વીશી ગામના સફાઈકર્મીઓનું આંદોલન 40માં દિવસમાં પ્રવેશ્યું
પ્રતિકાત્મક તસવીર Image credit - google Images

નકામા કાર્યક્રમોમાં કરોડો રૂપિયાનું આંધણ કરી નાખતા અધિકારીઓ જ્યારે સફાઈકર્મીઓની પાયાની માગણીઓ સંતોષવાની આવે ત્યારે કઈ હદે આડોડાઈ કરતા હોય છે તેનો વધુ એક નમૂનો બોટાદના ઢસા વીશી ગામે સામે આવ્યો છે. અહીં સફાઈકર્મીઓ છેલ્લાં 40 દિવસથી પોતાની પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે છતા સત્તાધીશો તેમને મળવાની પણ તસ્દી લેતા નથી. એકબાજુ સરકાર દેશભરમાં સફાઈ અભિયાન ચલાવી રહી છે, નેતાઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધીના સૌ સાવરણાં લઈને સફાઈના નાટકો કરે છે, બીજી તરફ અસલી સફાઈકર્મીઓના પડતર પ્રશ્નોને સતત અવગણવામાં આવે છે.

ગઢડાના ઢસા વીશી ગામના સફાઈ કર્મચારીઓના વર્ષો જૂના પડતર પ્રાણપ્રશ્નો પ્રત્યે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવતો ન હોવાથી આંદોલન પર ઉતર્યા છે. ઢસા વીશી ગ્રામ પંચાયતના સફાઈકામદારોની હડતાળ ગઈકાલે ૪૦માં દિવસમાં પ્રવેશી હતી તેમ છતાં સત્તાધીશો હજુ આંખ આડા કાન કરી રહ્યા હોઈ સફાઈકર્મીઓમાં ભારે રોષ છે.

ઢસા વીશી  ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને કાયમી કરવા, યુનિફોર્મ આપવા, લઘુત્તમ વેતનધારા મુજબ પગાર અને બોનસ ચૂકવવા, સેફટીના સાધનો આપવા, તાજેતરમાં જાહેર કરાયેલ ૩૦ ટકા પગાર વધારો આપવા સહિતની માંગણીઓ હજુ સુધી પડતર રહેલ છે. જયારે ૫૦ ટકા પગાર કાપી નાખેલા કર્મીઓને ગત તા.૧ નવેમ્બર 2023નો પૂરો પગાર ચૂકવવો, સુપરવાઈઝર દ્વારા ખોટી રીતે કર્મચારીઓને થતી હેરાનગતિ અટકાવવી, જેવી વિવિધ માગણીઓ સાથે ગત 2 નવેમ્બર 2023થી શરૂ થયેલું આંદોલન ૪૦માં દિવસે પણ યથાવત રહ્યું હતું. તેમ છતાં કોઈ અધિકારી, જનપ્રતિનિધિ કે અન્ય જવાબદાર અધિકારીએ આંદોલનકારીઓની મુલાકાત લેવાની પણ તસ્દી લીધી નથી.

દુઃખની વાત એ કે તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્ય વગેરે હાલમાં જ ઢસા જંકશને વિકસીત સંકલ્પ યાત્રામાં આવ્યા હતા, તેમ છતાં તેમણે આંદોલનની છાવણીની મુલાકાત લીધી નહોતી.

ઢસા વીશીમાં ગંદકીનું સામ્રાજ્ય

સફાઈકર્મીઓના આંદોલનને પહલે ઢસા વીશી ગામમાં છેલ્લા એક મહિનાથી સફાઈની કામગીરી સંપુર્ણપણે બંધ થઈ ગઈ છે. જેના કારણે ગામમાં ચોતરફ કચરાના ઢગલાઓ ખડકાયા છે અને ગંદકીનું સામ્રાજય ફેલાયું છે. જો આજ સ્થિતિ આગળ ચાલું રહી તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતાને નકારી શકાતી નથી. ત્યારે સ્થાનિકો જિલ્લા વહીવટી તંત્ર સફાઈકર્મીઓની માગણીઓનો કાયમી ઉકેલ આવે તેવું ઈચ્છી રહ્યાં છે.

આ પણ વાંચો : હવામહેલના ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે ફરિયાદ, પિતા દલિત યુવક પર થૂક્યાં, છાતી પર લાત મારી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.

અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.