હવામહેલના ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે ફરિયાદ, પિતા દલિત યુવક પર થૂક્યાં, છાતી પર લાત મારી

બાલમુકુંદાચાર્ચ અને તેના પિતા પર આરોપ છે કે તેમણે એક દલિત વ્યક્તિને માર મારી, જાતિસૂચક ગાળો આપીને અપમાનિત કર્યા હતા.

હવામહેલના ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે ફરિયાદ, પિતા દલિત યુવક પર થૂક્યાં, છાતી પર લાત મારી

હવામહેલના નવા ચૂંટાયેલા ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્મા અને તેના ધારાસભ્ય પિતા પુરૂષોત્તમ શર્મા સામે અહીંના કરઘણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બાલમુકુંદાચાર્ચ અને તેના પિતા પર આરોપ છે કે તેમણે એક દલિત વ્યક્તિને માર મારી, જાતિસૂચક ગાળો આપીને અપમાનિત કર્યા હતા. આ ઘટના બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્માના ધારાસભ્ય બન્યા પહેલાની છે.

કરઘણી પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆર મુજબ અહીંના પીથાબાસ હાથોજ ગામના સૂરજમલ રેગરે આરોપ લગાવ્યો હતો કે ગત 10 ઓગસ્ટ 2023ના રોજ તેઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. એ વખતે આરોપી બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્મા અને તેના ધારાસભ્ય પિતા પુરુષોત્તમ શર્મા (ગામ હાથોજ, જિલ્લો-જયપુર) કેટલાક શખ્સો સાથે તેમના ખેતર પર આવ્યા હતા, અને આવતાની સાથે જ બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્માએ ફરિયાદીની છાતીમાં લાત મારી હતી અને તેમને જાતિસૂચક શબ્દો બોલીને અપમાનિત કરી તેમની સાથે મારામારી, ગાળાગાળી કરી હતી. સાથે જ “તેં અમારી સામે કરઘણી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાવી છે તેનાથી અમારું કશું બગાડી નહીં શકે, અમારી પહોંચ છેક ઉપર સુધી છે, તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું” એમ ધમકી આપી હતી. આરોપ છે કે ધારાસભ્યના પિતા પુરૂષોત્તમ શર્મા ફરિયાદીના મોં પર થૂંક્યા હતા અને તેમને થપ્પડ મારી હતી.

એફઆઈઆર મુજબ, હોબાળો થતા જિતેન્દ્રસિંહ નામની વ્યક્તિ સહિત કેટલાક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદને બચાવ્યા હતા. એ પછી આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જતા જતા તેમણે ફરિયાદીની જમીન પર ગેરકાયદે કબ્જો કરવાની ધમકી આપી હતી. ફરિયાદીનો આરોપ છે કે, બાલમુકુંદાચાર્ય તેને અને તેના પરિવારને જ્યારેને ત્યારે જાતિસૂચક શબ્દોથી અપમાનિત કરતા રહે છે અને તેની જમીન પર ગેરકાયદે કબ્જો જમાવવાનો પ્રયત્ન કરે છે.

30 જુલાઈએ પણ આપી હતી ફરિયાદ

ફરિયાદી દલિત સૂરજમલ રેગરે 30 જુલાઈ 2023 એ પણ આરોપી બાલમુકુંદાચાર્ય અને તેના પિતા વિરુદ્ધ કરઘણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી. તેના કારણે આરોપીઓની હિંમત વધી ગઈ હતી. પોલીસ કાર્યવાહી ન થતા આરોપીઓ સમયાંતરે ફરિયાદી અને તેના પરિવારને ધમકાવતા રહેતા હતા અને જાતિસૂચક શબ્દો બોલીને અપમાનિત કરતા હતા.

8 ઓગસ્ટ 2023ની ઘટનાને લઈને પીડિતે આરોપી બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્મા વિરુદ્ધ કરઘણી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપી હતી. પણ પોલીસે આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની મનાઈ કરી દીધી હતી. આખરે પીડિતે નાછુટકે કોર્ટનો સહારો લેવો પડ્યો હતો.

કોર્ટના આદેશ પર પોલીસે આરોપી ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય ઉર્ફે સંજય શર્મા અને તેના પિતા પુરુષોત્તમ શર્મા વિરુદ્ધ કલમ 341, 323 આઈપીસી અને કમલ3(1)(R)(S), 3(2) (V) (A) SC/ST એક્ટ અંતર્ગત પ્રાથમિક ફરિયાદ નોંધીને ઝોટવાડા જયપુર પશ્ચિમના આરએસપી એસીપી સુરેન્દ્રસિંહ રાણાવતને તપાસ સોંપી છે. ઉલ્લેખનીય છે કે, આ એજ આચાર્ય બાલમુકુંદાચાર્ય છે જેમનો ધારાસભ્ય બન્યાના બીજા જ દિવસે નોનવેજની દુકાનો બંધ કરાવવા મામલે વીડિયો વાયરલ થયો હતો.

 આ પણ વાંચો :આઝાદીના 76 વર્ષ બાદ પહેલી વાર દલિત વરરાજા ઘોડી પર ચઢ્યાં

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.

અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.