UPSCની શિક્ષિકાએ અકબરને રામ કરતા શક્તિશાળી રાજા ગણાવતા વિવાદ
સિવિલ સર્વિસના કોચિંગ ક્લાસની એક શિક્ષિકાએ મોગલ સમ્રાટ અકબરને રામ કરતા વધુ શક્તિશાળી ગણાવતા વિવાદ થયો છે. વાંચો શું છે આખો મામલો.
સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરાવતા એક કોચિંગ ક્લાસની શિક્ષિકાએ રામ અને અકબરની તુલના કરતા વિવાદ ઉભો થયો છે. શિક્ષિકા શુભ્રા રંજને કોચિંગ ક્લાસમાં ભણાવતી વખતે કથિત રીતે રામની તુલના અકબર સાથે કરી છે અને તેમાં અકબરને રામ કરતા શક્તિશાળી રાજા ગણાવતા વિવાદ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ તેમણે માફી માંગવી પડી છે.
સિવિલ સર્વિસ પરીક્ષાની દુનિયાની જાણીતી વ્યક્તિ શુભ્રા રંજન વિવાદોમાં ફસાઈ છે. ક્લાસમાં બાળકોને ભણાવતી વખતે શુભ્રાએ કથિત રીતે રામની તુલના મોગલ બાદશાહ અકબર સાથે કરી હતી અને તેમાં રામ કરતા અકબરને વધારે શક્તિશાળી રાજા ગણાવતા વિવાદ થયો છે. કોચિંગ ક્લાસના શિક્ષિકા શુભ્રા રંજનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના કારણે અનેક લોકો તેમની ટીકા કરવા લાગ્યા હતા. જેનાથી કંટાળીને હવે શુભ્રા રંજને પણ નિવેદન જારી કરીને આ મામલે સ્પષ્ટતા કરી છે.
શુભ્રા રંજને રામ અને અકબરની તુલના કરવા બદલ માફી માંગી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરતા તેમણે લખ્યું હતું કે, "મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો આવું થયું હોય તો હું તેના માટે માફી માંગુ છું. જો તમે આખો વિડિયો જોશો, તો તમે સમજી શકશો કે હું વિદ્યાર્થીઓને સમજાવવા માંગતી હતી કે રામનું રાજ્ય એક આદર્શ રાજ્ય હતું. વાયરલ થઈ રહેલો વીડિયો ક્લાસનો એક નાનકડો ભાગ છે. આ વાતચીત તુલનાત્મક અભ્યાસનો એક ભાગ હતી. આના કારણે થયેલી કોઈપણ ગેરસમજનો મને ખેદ છે."
આ પણ વાંચો: ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?
ઉલ્લેખનીય છે કે, શુભ્રા રંજનના ક્લાસનો એખ વીડિયો વાયરલ થયો છે, જેમાં શુભ્રા કહે છે કે "રામ શક્તિશાળી હતા પરંતુ તેઓ રીતિરિવાજો અને પરંપરાઓથી બંધાયેલા છે. બીજી તરફ અકબરે પોતાનો ધર્મ સ્થાપ્યો અને નૈતિકતાની નવી વ્યાખ્યા નક્કી કરી. આપણે તેને દીન-એ-ઈલાહી તરીકે જાણીએ છીએ. રામ નૈતિકતાનું પાલન કરતા રહ્યા, જ્યારે અકબરે પોતે પોતાની રીતે નૈતિકતાના ધોરણો સ્થાપિત કર્યા. એ રીતે જોઈએ તો બંનેમાં સૌથી શક્તિશાળી રાજા અકબર છે."
અહીં એ યાદ રાખવું જોઈએ કે, શુભ્રા રંજનનું નામ યુપીએસસીના પ્રખ્યાત શિક્ષકોમાં સામેલ છે. તેઓ શુભ્રા રંજન IAS કોચિંગ સેન્ટરના સ્થાપક છે. ઉત્તર પ્રદેશના સીતાપુરની રહેવાસી શુભ્રા રંજન દિલ્હી યુનિવર્સિટીની ટોપર રહી ચૂકી છે. જો કે તેમણે, ક્યારેય સિવિલ સર્વિસની પરીક્ષા આપી નથી. પરંતુ તેમના માર્ગદર્શનમાં દેશને ઘણા સક્ષમ અધિકારીઓ મળ્યા છે. 2015માં UPSC ટોપર બનેલી ટીના ડાભીને શુભ્રા રંજને જ ભણાવ્યા હતા. આ સિવાય 2022ની ટોપર ઈશિતાએ પણ શુભ્રા પાસેથી પોલિટિકલ સાયન્સનું શિક્ષણ લીધું હતું.
આ પણ વાંચો: UPSC ફાઈનલમાં ગુજરાતના 26 ઉમેદવારો ઝળક્યાં, ટોપ 100માં 4