દલિતનો દીકરો મેયર ન બની જાય તે માટે સવર્ણ પાર્ટીઓ ત્રાગા કરે છે
દલિતોને જ્યારે કોઈ પદ આપવાનું થાય ત્યારે સવર્ણ પાર્ટીઓ કેવા કેવા પેંતરા રચતી હોય છે તેનું મોટું ઉદાહરણ હાલ દિલ્હીમાં મેયરની ચૂંટણીનો વિવાદ છે. વાંચો આ રિપોર્ટ.
દિલ્હી નગર નિગમમાં આ વર્ષે અનુસૂચિત જાતિ સમાજમાંથી મેયર ચૂંટાવાના હતા. પણ ભાજપે અનુસૂચિત જાતિ સમાજનો આ હક છીનવી લીધો હોવાનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે. થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે રાજીનામું ન આપતા અને જેલમાંથી સરકાર ચલાવવાની હઠને કારણે ઉભી થયેલી સ્થિતિનો હવાલો આપીને ભાજપે દિલ્હીના એલજી વી.કે. સક્સેનાને આ મામલામાં દરમિયાનગીરી કરીને નવા મેયર અપાવવાની માંગ કરી હતી. આમ ભાજપ અને આપ બંને દલિત સમાજનો દીકરો મેયર ન બની જાય તે માટે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યાં છે.
આમ આદમી પાર્ટીએ ઉપરાજ્યપાલ વીકે સક્સેના પાસે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી વહેલી તકે કરાવવાની માંગ કરી છે, જેથી દિલ્હીને એસસી સમાજમાંથી મેયર મળી શકે.
આ પણ વાંચોઃ તમામ લાયકાત ધરાવતા હોવા છતાં, ફક્ત દલિત હોવાને કારણે તેઓ કદી ટીમના કેપ્ટન ન બની શક્યા
કુલદીપ કુમારે પાર્ટી હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "દિલ્હીની જનતાએ MCDમાં 18 વર્ષના ભાજપના કુશાસનથી કંટાળીને તેને સત્તા પરથી હાંકી કાઢી હતી. જ્યારે આમ આદમી પાર્ટી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ છે. MCD ના DMC એક્ટ 1957 હેઠળ, પ્રથમ વર્ષે એક મહિલાને મેયર બનાવવામાં આવે છે, બીજા વર્ષે જનરલ કેટેગરીની વ્યક્તિને મેયર બનાવવામાં આવશે અને ત્રીજા વર્ષે મેયર પદ અનુસૂચિત જાતિ સમાજની વ્યક્તિ માટે અનામત છે. એ મુજબ આ વખતે 2024-25 માટે એસસી સમાજના વ્યક્તિને મેયર બનાવવાના હતા. આ તેમનો બંધારણીય અધિકાર છે. MCDમાં બહુમતી ધરાવતી આમ આદમી પાર્ટીએ દલિત સમાજમાંથી આવતા મહેશ ખીચીને મેયરના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. એ સ્પષ્ટ હતું કે, દિલ્હીના લોકોને આ વખતે પણ દલિત સમાજમાંથી મેયર મળવાના હતા. પરંતુ દુઃખની વાત એ છે કે 26મી એપ્રિલે મેયરની ચૂંટણી બાદ જ્યારે દલિત સમાજની વ્યક્તિને મેયર બનાવવાની હતી ત્યારે ભાજપે ચૂંટણી રદ કરી દીધી હતી. એ રીતે ભાજપે એક દલિત સમાજના દીકરાને મેયર બનતા અટકાવ્યો હતો."
આ પણ વાંચોઃ ગરીબીને કારણે ભણી ન શકી, પછી કુલીનું કામ કરતી દલિત મહિલાએ પોતાની શાળા શરૂ કરી
કુલદીપ કુમારે કહ્યું કે "ભાજપે માત્ર દલિતોનું જ અપમાન નથી કર્યું પરંતુ ડીએમસી એક્ટ 1957નું પણ ઉલ્લંઘન કર્યું છે, જે દલિત સમુદાયની વ્યક્તિને એક વર્ષ માટે મેયર બનવાનો અધિકાર આપે છે. ભાજપ અને તેના એલજી દિલ્હીના દલિત સમાજના લોકોના અધિકારો છીનવી રહ્યા છે. દલિત સમાજના દિકરા-દિકરીઓ આ પદ પર બેસીને પોતાના સમાજને આગળ લઈ જવા ઈચ્છે છે. તેમના કાર્યકાળના આ વર્ષના ચાર મહિના વીતી ગયા છે, છતાં ભાજપના એલજી મેયરની ચૂંટણી થવા દેતા નથી. દલિત વિરોધી ભાજપે દલિત સમાજ પાસેથી મેયર પદના ચાર મહિના છીનવી લીધા છે. ભાજપ અને એલજી સાહેબે દલિતોના હક્કો છીનવી લેવાનું બંધ કરવું જોઈએ અને દલિતના પુત્રને મેયર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ, જેથી મહેશ ખીંચી દિલ્હીના મેયર બની શકે."
કુલદીપ કુમારે કહ્યું કે, "દલિત વિરોધી ભાજપે અગાઉ પણ બાબાસાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાની વાત કરી હતી. તે બંધારણનો નાશ કરવા માંગતી હતી કારણ કે તે દલિતોના અધિકારોનું રક્ષણ કરે છે અને તેમને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર આપે છે. બાબા સાહેબ આંબેડકરે દલિતોના કલ્યાણ માટે બંધારણમાં કરેલી જોગવાઈઓને ભાજપના લોકો નફરત કરે છે અને તેથી તેઓ તેને ખતમ કરવા માંગે છે. હવે તેઓ આ DMC એક્ટનો પણ ભંગ કરી રહ્યા છે, જેના કારણે એક દલિતના દીકરાને મેયર બનવાની તક મળી છે. ભાજપે સમજવું જોઈએ કે જો તે દેશના બંધારણ અને ડીએમસી એક્ટ સાથે રમવાનો પ્રયાસ કરશે તો અમે ચૂપ નહીં રહીએ. ભાજપે ચાર મહિનાનો સમય વેડફ્યો છે. વહેલી તકે ચૂંટણી કરાવી દલિત સમાજના પુત્રને મેયર બનાવવો જોઈએ."
આ પણ વાંચોઃ અયોધ્યામાં રામના નામ પર જમીન કૌભાંડનો નવો અધ્યાય શરુ
દરમિયાન AAP ધારાસભ્ય રોહિત મેહરોલિયાએ કહ્યું કે, "ભાજપની માનસિકતા હંમેશા દલિત વિરોધી રહી છે. દેશના બંધારણ અને MCDના DMC એક્ટ દ્વારા દલિતો અને પછાત વર્ગોને આપવામાં આવેલા પ્રતિનિધિત્વની તકને અવગણીને 26 એપ્રિલે યોજાનારી મેયરની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ભાજપ દલિતોના અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી અને દેશની જનતા ભાજપનું દલિતો પ્રત્યે નકારાત્મક વલણ જોઈ રહી છે. અમે આ લડાઈ લડીશું અને દલિતોને તેમના પ્રતિનિધિત્વનો અધિકાર અપાવીશું."
AAPના મેયરપદના ઉમેદવાર મહેશ ખીચી, કે જેઓ પોતે દલિત સમાજમાંથી આવે છે, તેમણે કહ્યું કે, "મેયર પદ માટે 26 એપ્રિલે ચૂંટણી થવાની હતી. નિયમ મુજબ MCDની ત્રીજી ટર્મમાં દલિત સમાજના વ્યક્તિને મેયર બનાવવામાં આવે છે. ચૂંટણી પંચે ચૂંટણી યોજવાની પરવાનગી આપી હોવા છતાં ભાજપે ચૂંટણી યોજવા દીધી ન હતી. એલજીએ સીએમ તરફથી સૂચનો ન મળવાના બહાને ચૂંટણીના 3-4 કલાક પહેલા ચૂંટણી રદ કરી હતી. જ્યારે અગાઉ એલજીએ 10 કાઉન્સિલરોને નોમિનેટ કરવા અને પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂક કરવા માટે મુખ્યમંત્રીની સલાહ માંગી ન હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે ભાજપ અને એલજી સાથે મળીને દલિતો વિરુદ્ધ કામ કરી રહ્યા છે. તેઓ નથી ઈચ્છતા કે અમારા સમાજમાંથી કોઈ મેયર બને અને દલિત સમાજનું ભલું કરે."
આ પણ વાંચોઃ છેડતી કરનાર શખ્સને રાખડી બાંધવાનો ચૂકાદો આપનાર જજ ભાજપમાં જોડાયા
AAP પણ દૂધે ધોયેલી નથી
આ મામલે જો કે, અનુસૂચિત જાતિ સમાજનો બૌદ્ધિક વર્ગ આમ આદમી પાર્ટીને પણ ભાજપ અને કોંગ્રેસ જેમ સવર્ણોની પાર્ટીની પંગતમાં જ મૂકે છે. દિલ્હીના એક દલિત બૌદ્ધિક નામ ન આપવાની શરતે જણાવે છે કે, "ભાજપ, કોંગ્રેસની જેમ આપ પણ દલિત વિરોધ જ પાર્ટી છે અને તેનું મોટું ઉદાહરણ ગયા વર્ષે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી છે. એ વખતે આપે એક પણ દલિતને રાજ્યસભામાં મોકલ્યો નથી. પંજાબમાં દલિતોની વસ્તી 35 ટકા આસપાસ છે, પણ તેણે દલિત સમાજની વ્યક્તિને મુખ્યમંત્રી બનાવી નથી. આપ દલિતોને રાજી રાખવા માટે બાબાસાહેબનો ફોટો દરેક સરકારી કચેરીમાં રાખવા માટે આદેશ કરે છે, કેજરીવાલ તેમના ઘરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ સાથે તેમના ઘરની દિવાલ પર ટિંગાડેલા બાબાસાહેબ આંબેડકરના ફોટા પાસે તસવીર ખેંચાવીને માર્કેટિંગ કરી લે છે. પણ જ્યારે મલાઈદાર ખાતાઓની ફાળવણી કરવાની આવે ત્યારે તે પણ ભાજપ, કોંગ્રેસની જેમ રાઘવ ચઢ્ઢા જેવા લોકોને જ રાજ્યસભામાં મોકલે છે. એ રીતે આપ ભલે દાવો કરે, પરંતુ તે પણ ભાજપ જેવી જ દલિત વિરોધી પાર્ટી છે. કેજરીવાલ અને તેમના પક્ષના મોટાભાગના મહત્વના હોદ્દાઓ પર કથિત સવર્ણ જાતિના લોકો જ છે. તેમના મનમાં એવું છે કે, દલિતો માત્ર બાબાસાહેબના ફોટાં સરકારી ઓફિસોમાં જોઈને રાજી થઈ જતા હોય, તો તેમને હોદ્દા શું કામ આપવા? એટલે જ તેઓ મલાઈદાર ખાતાઓની વહેંચણી માત્ર સવર્ણ નેતાઓ વચ્ચે કરે છે અને દલિતોને માત્ર બાબાસાહેબના ફોટાથી રાજી રાખવા મથે છે. પણ તેમને એ ખબર નથી કે દલિતો હવે તેમની આ ચાલમાં ફસાય તેમ નથી. તેઓ આ બધાં નાટકો વર્ષોથી જોતા આવ્યા છે અને તેમને ખબર છે કે, તેના માટે કોણ સારું અને કોણ ખરાબ."
આગળ વાંચોઃ 'પંચાયત' વેબ સિરીઝમાં મહત્વના તમામ પાત્રો બ્રાહ્મણ જ કેમ છે?