ગરીબીએ ભણવા ન દીધી, કુલી દલિત મહિલાએ પોતાની શાળા શરૂ કરી

એક દલિત મહિલા ગરીબીમાં જન્મી, સાસરિયે કુલી તરીકે કામ કરવું પડ્યું, પછી શિક્ષિકા બની પોતાની શાળા શરૂ કરી, આજે તે સ્કૂલ પર તેના નામની તક્તિ છે.

ગરીબીએ ભણવા ન દીધી, કુલી દલિત મહિલાએ પોતાની શાળા શરૂ કરી
image credit - Google images

દલિત બહુજન સમાજને તેમના હક અને અધિકારો અપાવવા માટે અનેક મહાનુભાવોએ લડત આપી છે. સૌથી પહેલા બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ આવે છે. એ પછી બીજા અનેક એવા નામી-અનામી મહાનુભાવો થઈ ગયા જેમણે દલિતો માટે રાતદિવસ જોયા વિના તેમના હક અધિકારો અપાવવા માટે કામ કર્યું. આવું જ એક નામ એટલે જયબાઈ ચૌધરી.

જયબાઈ ચૌધરીનું નામ અજાણ્યું લાગે. શક્ય છે બહુમતી લોકોએ તેમનું નામ પહેલીવાર સાંભળ્યું હોય, આવું શક્ય છે, કેમ કે ઈતિહાસમાં તેમના કામની ભાગ્યે જ નોંધ લેવાઈ છે. દલિત સમાજના મહાન સમાજ સુધારક અને લેખક જયબાઈ ચૌધરીનો જન્મ 1892માં નાગપુર શહેરથી લગભગ પંદર કિલોમીટર દૂર ઉમરેર ગામમાં દલિત મહાર જાતિમાં થયો હતો.

1896માં દુષ્કાળને કારણે તેમનો પરિવાર નાગપુર આવ્યો અને તેમણે પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂરું કર્યું. 1901માં નાની ઉંમરે, તેણીના લગ્ન બાપુજી ચૌધરી સાથે થયા. તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે જયબાઈએ કુલી તરીકે પણ કામ કર્યું. પરંતુ એક દિવસ મિશનરી નન ગ્રેગરી સાથે તેમની મુલાકાત થઈ, જેમનો સામાન ઉપાડીને જયબાઈ જઈ રહ્યા હતા. એ મુલાકાત પછી મધર ગ્રેગરીએ જય બાઈને દર મહિને 4 રૂપિયાના પગારે તેમની શાળામાં શિક્ષક તરીકે ભણાવવાની ઓફર કરી અને જય બાઈએ તેને સ્વીકારી લીધી.

જય બાઈ અછૂત ગણાતી મહાર જાતિના હતા. એટલે જ્યારે હિંદુઓને ખબર પડી કે તેમના બાળકોને એક અસ્પૃશ્ય સ્ત્રી ભણાવે છે, ત્યારે તેમણે શાળાનો બહિષ્કાર કર્યો. જેના કારણે જય બાઈને શાળા છોડવી પડી.

આ પણ વાંચો: મનુ આજે પણ કાર્યરત છે, આ દેશમાં પણ અને આ દેશવાળા જ્યાં જ્યાં ગયા છે તે વિદેશોમાં પણ

આ ઘટનાની જયબાઈ પર એટલી ઘેરી અસર થઈ કે તેમણે અસ્પૃશ્યતા અને જાતિ પ્રથા સામે લડવાનો અને અસ્પૃશ્ય છોકરીઓ અને સ્ત્રીઓને શિક્ષિત કરવાનો સંકલ્પ કર્યો અને 1922માં તેમણે સંત ચોખોમેલા કન્યા શાળાનો પાયો નાખ્યો.

નાગપુરમાં 8 થી 10 ઓગસ્ટ 1930 દરમિયાન યોજાયેલા અખિલ ભારતીય દલિત કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં દલિત મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા જયાબાઈ ચૌધરીએ કહ્યું હતું કે, છોકરાઓની જેમ છોકરીઓને અભ્યાસ કરવાની તમામ તકો પૂરી પાડવી જોઈએ. એક છોકરીના ભણતરથી આખો પરિવાર શિક્ષિત થઈ જાય છે.

એકવાર 1937માં ઓલ ઈન્ડિયા વુમન્સ કોન્ફરન્સ દરમિયાન ઉચ્ચ જાતિની મહિલાઓ દ્વારા જયબાઈએ જાતિ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. આ કોન્ફરન્સમાં તેમને ડાઇનિંગ એરિયાથી અલગ બેસવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી, 1938ના રોજ જયાબાઈએ દલિત મહિલાઓની એક વિશાળ સભા બોલાવી અને ઉચ્ચ જાતિની મહિલાઓની અસ્પૃશ્યતા અને અસ્પૃશ્યતા પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો. 

જયબાઈ જુલાઈ 1942માં આયોજિત ઓલ ઈન્ડિયા દલિત મહિલા પરિષદના સભ્ય પણ હતા. આ સંમેલનમાં બાબાસાહેબ પોતે પણ હાજર રહ્યા હતા. આ પરિષદમાં મહિલાઓની જાગૃતિ જોઈને બાબા સાહેબે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ પરિષદમાં મોટી સંખ્યામાં મહિલાઓની ભાગીદારી જોઈને હું સંતુષ્ટ અને ખુશ છું કે અમે પ્રગતિ કરી છે.જયાબાઈએ 1922માં શરૂ કરેલી શાળા હવે ઉચ્ચ માધ્યમિક શાળા બની ગઈ છે. છેલ્લું વાક્ય વાંચીને આપણને સૌને ગર્વ થશે. હવે આ શાળાનું નામ બદલીને જયબાઈ ચૌધરી જ્ઞાનપીઠ કરવામાં આવ્યું છે. એક દલિત કુલી મહિલા શિક્ષક બને, સંઘર્ષ કરે, જાતે સ્કૂલ શરૂ કરે અને આજે એ જ સ્કૂલ પર તેના નામની તક્તી લાગેલી હોય તેની પાછળ કેટલો મોટો સંઘર્ષ રહેલો હશે તેની કલ્પના કરો?

આ પણ વાંચો: દેખાતો નહોતો પણ અમીન સાહેબ ની પીઠ પાછળ સાવરણી અને ગળામાં કુલડી વળગેલા હતા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.