દલપત ચૌહાણની નોંધ ગુજરાતી સાહિત્ય જગતમાં કઈ રીતે લેવાઈ છે?

દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણની પૂર્વ સંયુક્ત માહિતી નિયામક અને વરિષ્ઠ પત્રકાર નટુભાઈ પરમારે લીધેલી સુદીર્ઘ મુલાકાતની ત્રીજી કડી અહીં પ્રસ્તુત છે. જેમાં દલપતભાઈના સર્જનની ગુજરાતી સાહિત્ય જગતમાં લેવાયેલી નોંધ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા છે.

દલપત ચૌહાણની નોંધ ગુજરાતી સાહિત્ય જગતમાં કઈ રીતે લેવાઈ છે?
Photo By Google Images

ગુજરાતી ભાષાના સાહિત્યમાં દલિત સાહિત્યને અપેક્ષા પ્રમાણે સ્થાન અને આદર મળી શક્યા નથી પરંતુ એ વાત પણ હકીકત છે કે દલિત સાહિત્યકાર દલપત ચૌહાણના સર્જનમાં રહેલી સબળતા-સર્જકતાને કારણે તેમના સાહિત્યની ગુજરાતી વિવેચકો અને સમીક્ષકોએ નોંધ લીધી છે.

તેમની નવલકથાઓ આઝાદીકાળના દલિતોની દયનીય સ્થિતિ, અન્ય સવર્ણ સમાજ દ્વારા પહોંચાડાયેલ યાતના - પીડાનો દસ્તાવેજ છે. 'મલક' દલિત પુરુષના સવર્ણ સ્ત્રી સાથેના સંબંધોને કારણે આખા દલિત સમાજ પર આવી પડતી આફત અને અંતે કરવી પડતી હિજરત અને માનવતાના મુદ્દે મુઠી ઊંચેરા પુરવાર થતા દલિતોની કથા છે. નવલકથા 'ગીધ' મહેનતકશ દલિત યુવાન ઈસાને શારીરિક રીતે પામવા મથતી સવર્ણ દિવાળી જ્યારે બીજા કોઈ પુરુષનું પડખે સેવે છે ત્યારે તેનું આળ તો ઈસા પર જ આવે છે. સાવ નિર્દોષ હોવા છતાં જાતિવાદના કારણે ઈસો હોમાઈ જાય છે. 'ભળભાંખળું' નવલકથામાં જેના પર એમની હથોટી છે અને જે જીવન એમણે જોયું છે - અનુભવ્યું છે તે ગ્રામજીવનને તેમણે તાદૃશ્ય ખડું કર્યું છે. નાનકડી એવી દલિત કન્યા મણિને સ્કુલ જવું છે પણ ગામ આખાનો વિરોધ છે. અહીં પણ દલિતોના સામાજીકજીવનની અનેક યાતનાઓ - વિટંબણાઓને યથાતથ વર્ણવી છે. 'રાશવા સૂરજ' અને હવે આવી રહેલી 'બપોર' નવલકથાના કથાતત્વની અછડતી વાત હું આગળ કરી ચૂક્યો છું.

તેમના પાંચ વાર્તાસંગ્રહોમાંની સાઈઠ ઉપરાંતની વાર્તાઓ તમામ દલિત ચેતના જગવતી વાર્તાઓ છે. તેમની પોતાની જ નહિ તમામ દલિતવાર્તાકારોની વાર્તાઓ સંદર્ભે તેમણે કહ્યું છેઃ 'ગુજરાતી સાહિત્યમાં આધુનિકવાદના વાદળ એવા છાયા હતા કે, વાર્તા બિચારી, બાપડી, રાંક થઈ ગઈ હતી, તેને સંજીવની પાઈ છે દલિત વાર્તાઓએ. આજે અનુઆધુનિક સાહિત્ય પ્રવાહમાં દલિતવાર્તાઓ ધસમસતી વહી રહી છે.' તેમની વાર્તાઓ વિશે ડૉ. ભરત મહેતાએ પણ કહ્યુંઃ 'દલિત સાહિત્યના મહત્વના સર્જક તરીકે નીવડી આવી ગુજરાતી સાહિત્યની મુખ્યધારાને રળિયાત કરનારા સર્જકોમાંના એક દલપત ચૌહાણ છે'.(વાર્તા 'મુંઝારો' નિમિત્તે)

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો

લેખકની સાથે ઉત્તમ વક્તા
સ્વયંમાં ગુજરાતી દલિત સાહિત્યની એક જંગમ વિદ્યાપીઠ સમા દલપત ચૌહાણ પ્રસંગોપાત, સમય અનુકૂળતાનુસાર ને નિમંત્રણ મળે સેમિનારો, સમારંભો, અકાદમી- પરિસંવાદોમાં ન માત્ર પોતાની કૃતિઓ વિશે, સમગ્ર દલિત સાહિત્યના પક્ષમાં તેમનો વિદ્વત મત રજૂ કરતા રહ્યા છે. વિવિધ યુનિવર્સિટીઓ, સાહિત્યિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રોમાં તેમને વક્તવ્ય માટે નિમંત્રણ મળતા રહ્યા છે. તેમના આવા વક્તવ્યો / પ્રવચનો પર એક નજર કરી એ તો, 'દલિત કવિતા તરફ એક નજર (મુંબઈ યુનિ.), 'દલિત પથ અને દલિત પ્રશ્નો' (દ. ગુ. યુનિવર્સિટી), 'આધુનિકોત્તર કવિતા' (એમ. એસ.યુનિવર્સિટી), 'દલિત સાહિત્યના લીમડાની 'મેંઠી' ડાળ' (ભાવનગર યુનિવર્સિટી), 'સાંપ્રત સંદર્ભે દલિત સાહિત્યની યથાર્થતા' (બી.એડ્. કોલેજ - મેઘરજ), 'આંબેડકર અને દલિત પીડિતોનું સાહિત્ય' (ગુજરાત યુનિવર્સિટી આંબેડકર ચેર), નવલકથા 'ભળભાખળું' વિશે ('અધિકાર'ના ઉપક્રમે), 'ગોવર્ધનરામ ત્રિપાઠી મારી દૃષ્ટિએ' (સાહિત્ય અકાદમી - દિલ્હીના ઉપક્રમે, અમદાવાદમાં), 'ઉપક્રમ - ગુજરાતી વાર્તાના ભાષાંતરનો' (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), 'ટૂંકી વાર્તાઃ સ્વરૂપ અને સર્જન' (મુંબઈ યુનિવર્સિટી), 'આદિવાસી સમાજ એ હિન્દુ સમાજનો ભાગ છે?' (ભાષા કેન્દ્ર, આદિવાસી અકાદમી, તેજગઢ), 'અવતાર અંગુલીમાનનોઃ એકવીસમી સદીનું ગુજરાતી સાહિત્ય' (મુંબઈ યુનિવર્સિટી), 'મલક' (નવલકથા) અને 'હરિફાઈ' (એકાંકી)માં 'દલિત ચેતના' (દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી), 'નવલકથામાં દલિત ચેતના' (આર્ટસ કોલેજ - તલોદ), '૧૯૮૦ પછીના ગુજરાતી સાહિત્યમાં સ્ત્રી સર્જકોનું પ્રદાન' (એસ. એન. ડી. ટી. કોલેજ - મુંબઈ), 'ગુજરાતી દલિત સાહિત્ય' (એસ. એન.ડી. ટી. કોલેજ - મુંબઈ), 'ગુજરાતી દલિત સાહિત્ય' (કલિંગ યુનિવર્સિટી - ભુવનેશ્વર) પ્રમુખ છે.

દલપત ચૌહાણના સર્જન અંગે સંશોધન
દલિત સાહિત્ય, લલિત સાહિત્ય કે તે બે વચ્ચેની તુલના - અંતર તથા તેવી કૃતિઓને સમગ્રપણે - દલિત સર્જકની દૃષ્ટિએ તપાસવાની નિપુણતા - ક્ષમતા ધરાવતા દલપત ચૌહાણનો મત લલિત અને દલિત સાહિત્યમાં અત્યંત આધારભૂત લેખવામાં આવે છે. આવા સર્જક આ ઉંમરે પણ આપણી વચ્ચે એમની પૂરી શખ્શિયત સાથે અડીખમ ઊભા છે, તે પણ ગુજરાતી દલિત સાહિત્યના અહોભાગ્ય.

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો

દલિત સાહિત્યના સર્વસંગ્રહકોષ સમા, અભ્યાસુ સર્જક દલપત ચૌહાણના સાહિત્ય સર્જન પર અનેક વિદ્યાર્થીઓ એમ.ફિલ-પીએચ.ડી. કરી રહ્યા છે, કરી ચૂક્યા છે. એ પણ આનંદજનક છે કે, યુનિવર્સિટીઓ/મહાવિદ્યાલયોમાં હવે દલિત સાહિત્યને સંશોધનના એક વિષય તરીકે સ્વીકારનારા છાત્રો/પ્રોફેસરોની સંખ્યા વધી છે. આવા નિબંધોની સંખ્યા ૧૦૦ ઉપરની થવા જાય છે. દલપત ચૌહાણ પરના મહાનિબંધો જોઈએ તો 'દલપત ચૌહાણઃ વ્યક્તિત્વ અને વાંગ્મય' (રમેશ સોનારા- હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી,૨૦૧૫), 'ગુજરાતી દલિત સાહિત્યમાં દલપત ચૌહાણનું પ્રદાન' (એલ.પી. વણકર - ગુજરાત યુનિવર્સટી, ૨૦૨૦), 'ગુજરાતી સાહિત્યમાં દલપત ચૌહાણઃ સમીક્ષાત્મક અભ્યાસ' (ડૉ. રાજેન્દ્ર પરમાર - એમ. એસ. યુનિવર્સિટી, ૨૦૨૧), 'દલપત ચૌહાણનું ગુજરાતી દલિત સાહિત્યમાં ઐતિહાસિક પ્રદાન - ૧૯૪૦ - ૨૦૦૨' (વૈશાલી આનંદ - ગુજ. યુનિ.). ઉપરાંત દલપતભાઈની સાથે અન્ય એક કે બે દલિત સર્જકોના સર્જનકર્મનો સાથે (મહાનિબંધ માટે) અભ્યાસ થયો હોય, તે સંખ્યા (મહાનિબંધોની) પણ ૧૦ જેટલી છે અને કેટલાક તુલનાત્મક અભ્યાસ થયા છે. 

તેમની કેટલીક વાર્તાઓ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (પાટણ) અને મુંબઈ યુનિવર્સિટીમાં, 'મલક' (નવલકથા) અને 'હરિફાઈ' (એકાંકીસંગ્રહ) નર્મદ યુનિવર્સિટી (સુરત)માં, 'ગીધ', 'મલક' નવલકથાઓ ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ) અને એમ.એસ.યુનિવર્સિટી (વડોદરા)માં ભણાવાઈ છે. ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (દિલ્હી)માં કવિતાઓ અભ્યાસક્રમમાં છે. તેમનું પુસ્તક 'દલિત સાહિત્યના ઈતિહાસની કેડીએ' યુનિવર્સિટીઓમાં રેફરન્સ બુક તરીકે ભણાવાય છે. 

પુરસ્કૃત કૃતિઓ

ગુજરાતી દલિત સાહિત્યમાં તેમની કૃતિઓ સૌથી વધુ પુરસ્કૃત થઈ છે. (૧) ઈસ્કસ એવોર્ડ (૧૯૮૩ કવિતા) (૨) અખિલ ભારતીય રેડિયો નાટય લેખન પ્રતિયોગીતા પુરસ્કાર (૧૯૮૭ 'પાટણને ગોંદરે') અને (૩) (૧૯૮૯-૯૦ 'અનાર્યાવર્ત') (૪) ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (દ્વિતિય) - ('અનાર્યાવર્ત') (૫) ગુજરાતી સાહિત્ય પરિષદનું બટુભાઈ ઉમરવાડિયા પારિતોષિક ૧૯૯૮-૯૯ (પ્રથમ) - ('દીવાલો' એકાંકી), (૬) ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (પ્રથમ) - (૨૦૦૩ - 'હરિફાઈ' એકાંકી) (૭) સંતોકબા સુવર્ણ ચંદ્રક - ૨૦૦૦ ('ગીધ' નવલકથા) (૮) ગુજરાત સરકારનો 'દાસી જીવણ' શ્રેષ્ઠ દલિત સાહિત્ય પુરસ્કાર - ૨૦૦૫/૦૬ ('ભળભાંખળું') (૯) ગુજરાતી સાહિત્ય પરિષદનો 'પ્રિયકાન્ત પરીખ' નવલકથા પારિતોષિક (ભળભાંખળું') (૧૦) ગુજરાતી સાહિત્ય પરિષદનો 'દોલત ભટ્ટ પારિતોષિક - ૨૦૦૪' ('ભળભાંખળું') (૧૧) ગુજરાત સાહિત્ય અકાદમીનો 'શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક - ૨૦૦૪' (પ્રથમ) ('ભળભાંખળું') (૧૨) ગુજરાત સાહિત્ય અકાદમીનો ૨૦૦૨નો શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક (દ્વિતિય)- ('ક્યાં છે સૂરજ' (કાવ્યસંગ્રહ) (૧૩) 'તાદર્થ્ય વાર્તા પુરસ્કાર (પ્રથમ) ૧૯૯૫' ('બાનું મૃત્યુ' વાર્તા) (૧૪) જલારામદીપ વાર્તા પુરસ્કાર ૨૦૦૮ (દ્વિતિય) ('ભેલાણ' વાર્તાસંગ્રહ) (૧૫) કવિ નરસિંહ મહેતા દલિત સાહિત્યકાર પુરસ્કાર -૨૦૦૧/૦૨ (દલિત સાહિત્ય સર્જન અને સેવા) (૧૬) ગુજરાત દલિત સાહિત્ય અકાદમીનો શ્રી ઈબ્રાહીમ સરવૈયા પુરસ્કાર - ૨૦૦૯ (શ્રેષ્ઠ દલિત સાહિત્યકાર) (૧૭) ધૂમકેતુ વાર્તા પુરસ્કાર - ૨૦૦૯ ('ડર' વાર્તાસંગ્રહ) (૧૮) 'ગુજરાત સમાચાર વાર્તા હરિફાઈ પુરસ્કાર' (વાર્તા 'દરબાર') (૧૯) સયાજી વિદ્યાર્થી આશ્રમ સાહિત્ય પુરસ્કાર, જેવા પુરસ્કારો - સન્માનો ગુજરાતી દલિત સાહિત્યના આ હરફનમૌલા - ઓલરાઉન્ડર સર્જક દલપત ચૌહાણના પ્રતિબદ્ધ સર્જકકર્મની સાહેદી પૂરે છે.

(દલપત ચૌહાણની તેમના મિત્ર અને સિનિયર પત્રકાર - લેખક નટુભાઈ પરમારે લીધેલી મુલાકાત, ભાગ-3)

આગળ વાંચોઃ અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ

આ પણ વાંચોઃ દલપત ચૌહાણ એટલે ગુજરાતી દલિત સાહિત્યના વકીલ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.