દલપત ચૌહાણ એટલે ગુજરાતી દલિત સાહિત્યના વકીલ

દિગ્ગજ દલિત સાહિત્યકાર દલપત ચૌહાણની નટુભાઈ પરમારે લીધેલી દીર્ઘ મુલાકાતના આ બીજા ભાગમાં લેખક દલિત સાહિત્યની વિસ્તારપૂર્વકની વ્યાખ્યા સહિતના પાસાઓ પર પ્રકાશ પાડે છે.

દલપત ચૌહાણ એટલે ગુજરાતી દલિત સાહિત્યના વકીલ
All Photos: Natubhai Parmar

'ગીધ' નામની નોંધપાત્ર નવલકથાથી જાણીતા દલિત સાહિત્યકાર દલપત ચૌહાણે માત્ર સાહિત્ય સર્જન જ નથી કર્યું પરંતુ ગુજરાતી ભાષામાં દલિત સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે પણ પ્રારંભથી જ સક્રિયતા દાખવી છે. ગુજરાતી ભાષામાં દલિત સાહિત્યને માન્યતા અપાવવાની ઐતિહાસિક ચળવળ પણ તેમણે ચલાવી છે.

દલિત સાહિત્ય એટલે શું?

દલપત ચૌહાણ અને એમના મિત્રોની આગેવાનીમાં ૧૯૭૮માં - દલિત સંજ્ઞાા હેઠળનું - પહેલ વહેલું દલિત કવિતા ઋતુપત્ર(સામયિક) પ્રકાશિત થયું ત્યારે દલિત સાહિત્યની વ્યાખ્યા, વિભાવના અને વિશિષ્ઠતાને ઉજાગર કરતી વિશદ્ સંપાદકીય નોંધમાં તેમણે લખ્યું: 'દલિતોના દુઃખદર્દો, અપમાન, અન્યાય, અત્યાચાર-અનાચાર, તિરસ્કાર - ઘૃણા, જુગુપ્સા, વેઠ-વૈતરું, અસ્પૃશ્યતા, હિંસા, ગરીબી, નિરાશા, લાચારી, શોષણ, ભેદભાવ, ઓરમાયાપણું, પૂર્વગ્રહ, લઘુતાગ્રંથિ અને તેની સામે એમનું ભોળપણ, સરળતા, સાલસપણું, દિલાવરી, સામાજિકતા, સ્વમાન, કૌશલ, સંસ્કાર અને અસ્મિતા એ સઘળાને વર્ષોથી ઝીલતાં વ્યક્ત થતું મૂક આક્રંદ એટલે દલિત કવિતા.'

બસ આ જ વ્યાખ્યા દલિત સાહિત્યની તમામ વિદ્યાઓને પણ લાગુ પડે છે. સાથે સાથે દલિત માનવકેન્દ્રી વિભાવનાઓ, ભોગવેલો યથાર્થ - તેની રચના સાથે પૂરેપૂરી વફાદારી અને તળબોલી - ભાષા સાથેનું દલિત સાહિત્યનું જોડાણ તેને વિશિષ્ટ બનાવે છે. ક્યારેક ઉપલક દૃષ્ટિએ લલિત સાહિત્યકાર દલિત સાથે જોડાયેલા જણાય ત્યારે પણ તેમનો પ્રથમ પ્રેમ તો લલિત સાહિત્ય જ હોય છે.

તે વિષાદ સાથે કહે છે કે, “દલિત સર્જકે દલિત સાહિત્યને પ્રતિબદ્ધ હોવું નિતાંત જરૂરી છે. કિન્તુ આ સમયમાં આ વાત મિથ્યા થતી જાય છે. જ્યાં લલિત સાહિત્યની ધસમસતી નદી વહેતી હોય તેની વચ્ચે ટાપુ સમાન લખાતું દલિત સાહિત્ય ક્યારે એમાં ડૂબી કે તણાઈ જશે, તે કહી શકાય તેમ નથી. માટે જ હું કહું છું કે દલિત સર્જકે દલિત યથાર્થ જીવન, વિડંબના, પરિવેશ અને સંસ્કારને અંકે કરી શકાય, તે ચિત્રિત કરી લેવું જોઈએ. સમાજ ઝડપથી બદલાતો હોય છે. એટલે દરેક સાહિત્ય પ્રવાહે પોતાના વિકાસનો માર્ગ શક્ય તે ઝડપે અંકે કરી લેવાનો રહે છે. સમયાંતરે સાહિત્યના સમયગાળા/ યુગ નબળા પડતા જાય છે, નવીનધારાઓ ઉદ્ભવતી જાય છે. જુઓને, દલિત સાહિત્યધારાનો આવિષ્કાર થયો ત્યાર પછી તેની સાથે બીજા કેટલા સાહિત્યઝરણાં ફૂટી નીકળ્યાં હતાં. (નારીવાદ, ગ્રામ્યચેતના, સબાલ્ટન સાહિત્ય વગેરે વગેરે). આજે દલિત ધારાના (આજના) ક્ષીણ પ્રવાહ સિવાય અન્ય ધારાનું સાહિત્ય અલપ-ઝલપ જ દેખાય છે.”


આમ છતાં આ કડવા સત્યની વચ્ચે આશા કે ધીરજ નહિ ગુમાવતા, તેઓ મક્કમપણે એમ માને છે કે, દલિત સાહિત્ય પ્રવાહની ધારાનું ઉઠમણું થવાનું નથી જ, સિવાય કે ગુજરાતી સાહિત્યનું બારમું થઈ જાય! કારણ કે સાહિત્યને સમયે-સમયે એના નવતર સાહિત્યની રચના કરનારા મળી જ રહે છે. જેઓ આવશે, તેઓ તેમના સમયને આકાર આપશે. આવનારા સમયમાં દલિતો પ્રત્યે સમાજ આજે જેવો વર્તાવ કરે છે, તેવો જ વર્તાવ જો કરતો રહેશે તો દલિત સાહિત્યકાર તેના યથાર્થ અને પ્રતિકારનું સાહિત્ય રચતો જ રહેશે. તેમાં કોઈ શંકા નથી.


તેમના મતે, આ સમય એવો છે કે દલિત સાહિત્યને દિલથી સ્વીકારનારા લલિત સાહિત્યકાર હોય કે ન હોય, તેની કોઈ તમા આજે ગુજરાતી દલિત સાહિત્યને છે જ નહિ. દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં જ નહિ પણ ભારતની અને જગતની અન્ય ભાષાઓમાં વત્તે-ઓછે અંશે જવા લાગ્યું છે, પોતાનું સ્થાન જમાવવા લાગ્યું છે અને એટલે જ એ ટકશે.


તેઓ પૂછે છે, “રાજકારણ અને તિકડમાજી કયા વિષયોમાં નથી? રસ્સાખેંચની રમત બધા જ ક્ષેત્રે છે. સાહિત્યનું ક્ષેત્ર પણ એમાં બાકાત નથી. એ હકીકત છે કે, કોઈપણ સાહિત્યધારાને રાતોરાત સ્વીકારવામાં આવતી નથી, તેમ તેને તાત્કાલિક નાબૂદ પણ કરી શકાતી નથી. સાહિત્યની નવીન ધારા ઉદ્ભવે ત્યારે જેમ જેમ તેની રચનાઓ પ્રકાશમાં આવતી જાય તેમ તેમ તે જાતે પોતાના સાહિત્યિક માપદંડ-માનદંડને અવતારે છે. આથી જ્યારે કોઈ સાહિત્યકાર દલિત કથાવસ્તુ લઈને લખવા પ્રેરાય ત્યારે તેને તેના માપદંડ વિશે વિચારવાનું હોતું નથી. કથાવસ્તુ પોતે જ એના માપદંડ લઈને અવતરે છે. એટલે દલિત રચના હોય કે લલિત રચના, તે તો પોતાની રીતે રચાતી જાય છે. એમાં જ્યારે દલિત-લલિતની ભેળસેળ જો થઈ જાય છે તો આખી રચના જ અળપાઈ જતી જોવાય છે. તે નથી દલિત રહેતી કે નથી લલિત રહેતી!”


'ગુજરાતી સાહિત્યના ઈતિહાસકારોએ દલિત સાહિત્યની ઘટનાઓની ખાસ નોંધ લીધી નથી. પરિણામ એ આવ્યું કે દલિત સાહિત્યમાં થયેલ ખરેખરા કાર્યની અવગણના થતી રહી, અને જ્યારે જ્યારે દલિત સાહિત્યની વાત કરવામાં આવી ત્યારે વાંચ્યા વિનાના - અધકચરા અને બેહૂદા ટાંચણો રજૂ કરવામાં આવ્યા, ક્યારેક અન્ય ભાષાના દલિત સાહિત્ય વિશેના લેખને પ્રાધાન્ય આપ્યું. સરવાળે અનુઆધુનિક સાહિત્યની મજબૂત શાખા/ધારા એવા ગુજરાતી દલિત સાહિત્યને અન્યાય થયો' એમ જવાબદારીપૂર્વક અને સભાનપણે કહેતા, તેઓ કડવું અને અપ્રિય સત્ય કહેવા માટે પણ એટલા જ જાણીતા છે.


તેમણે કહ્યું: “બીજા વિશ્વયુદ્ધની અસર ગુજરાતી લેખકોને થતી નથી. ગાંધીવાદની થોડી અસર થાય છે, પણ ગાંધીના મૃત્યુ પછી તેનોય અસ્ત થઈ જાય છે. ભારત-પાકિસ્તાન ભાગલા વખતે રાષ્ટ્રની તમામ ભાષાઓ હચમચે છે, સિવાય ગુજરાતી ભાષા. ૧૯૫૬ થી ૧૯૬૦ સુધી ચાલેલી મહાગુજરાત ચળવળ, ૧૯૬૨ ચીન સાથે અને ૧૯૬૫ - ૧૯૭૧માં પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધો, ૧૯૫૬ થી ૧૯૬૦ અને ૧૯૭૪ના રોટી રમખાણો, ૧૯૬૯ના કોમી તોફાનો, બધામાં ગુજરાતી કવિ/લેખક મહદ્અંશે ચૂપ છે. પણ કટોકટીકાળમાં કવિ/લેખકો કકળી ઊઠે છે. મોટાં માથાં જેલમાં જાય એ જોઈ શકતા નથી. સ્થાપિતો, મૂડીપતિઓ, ઉચ્ચ મધ્યવર્ગોને દુઃખ પડે તે તેમને કેમ પોસાય? કેવળ ઉચ્ચ વર્ગોને જ માનવીય ગરીમા હોય, એવું કવિ/લેખકોએ સાબિત કર્યું. રાજકીય બૂમાબૂમ એમને ગમે છે. ગરીબ તરફી તો કાંઈ થવાતું હશે?!”

“દલિત સાહિત્ય એ ગુજરાતી ભાષાના ઈતિહાસનું પરિશિષ્ટ નથી, પરંતુ આગળ વધતો ઈતિહાસ છે.' એવી સ્પષ્ટ ચેતવણી આપે છે. દલિત સાહિત્યની ગામઠી-જાનપદી ભાષા, નર્યા અત્યાચાર - શોષણની વાતોથી તેને બીબાઢાળ કે નીરસ-એકસૂત્રી ગણીને, તેને ભાષા કલા-સૌંદર્યના દૃષ્ટિકોણથી માપી, તેનો છેદ ઉડાડવા મથતા દલિત સાહિત્યના વિરોધીઓને વળતો પ્રત્યુત્તર આપી, એમ કહેવાનું પણ ચૂકતા નથી કે, 'દલિત સાહિત્યે ગુજરાતી ભાષાને ક્યારેય નુકશાન પહોંચાડયું નથી. નવી વિભાવના - નવા શબ્દ - નવા પ્રતીક અને નવસંધાન સાથે દલિત સાહિત્યે નવી ધારાનો આવિષ્કાર કર્યો છે. તેનો ઋણ સ્વીકાર તો ક્યારેય ન થયો. (ભલે તેમ થાઓ!) પણ (સમજી લેજો!) આથી આ કામ અટકતું નથી. અટકશે પણ નહિ.”

તેઓ બુલંદ સ્વરે કહે છે: “દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્ય છે. ગુજરાતી સમાજના અધુરા ચિત્રને તે પૂર્ણ કરે છે. દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્યથી સહેજ પણ દૂર નથી. અળગું નથી. તે એક વિશિષ્ટ સાહિત્ય છે.”


ગુજરાતી દલિત સાહિત્યના સતત ને સાતત્યપૂર્ણ સર્જન દ્વારા પ્રારંભથી માંડી આજદિન સુધી તેઓ સક્રિય રહ્યા છે. ગુજરાતમાં દલિત સાહિત્ય વિશે, ક્યાંયથી પણ જો કોઈ વિરોધનો સૂર ઉઠયો છે, તો તેનું સૌ પ્રથમ ખંડન કરનારા કોઈને તમે જો જોશો તો તે અવશ્યપણે દલપત ચૌહાણ જ હશે! 

અહીં યાદ આવે ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર 'પરબ'ના ઓક્ટોબર-૨૦૦૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલો તેમનો પત્ર: જે છેક ૧૯૩૩માં લખાયેલા અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (હાલની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી-પાટણ)માં અભ્યાસક્રમમાં સ્વીકારાયેલા ઉમાશંકર જોષીના એકાંકી સંગ્રહ 'સાપના ભારા' માંના એક એકાંકી સામે દલિતો દ્વારા થયેલા વ્યાપક વિરોધ સંદર્ભે તેમણે લખેલો. એ નાટકના શિર્ષકથી તો ખરો જ, તેમાંના Contentથી પણ ભણનારા અને ભણાવનારા દલિત વિદ્યાર્થીઓ/પ્રોફેસરો સહિતના બહુમતિ દલિતો નારાજ હતા, અને તેને અભ્યાસક્રમમાંથી રદ કરવાની માંગણી કરતા હતા. અગાઉના વર્ષોમાં જે તે સમાજ વિશે ઘસાતો ઉલ્લેખ હોય એવી નામાંક્તિ સર્જકોની એકથી વધુ કૃતિઓ તે સમાજનો વિરોધ થવાને કારણે યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાંથી રદ કરાઈ હોવાનો હવાલો આપીને એ પત્રમાં દલપતભાઈએ બહુ જ પાયાના પ્રશ્ન ઉઠાવેલા અને લખેલું; “લેખક તો ગમે તે લખવા સ્વતંત્ર છે, પણ શું ભણાવવું એ વિદ્વાનોએ નક્કી કરવાનું હોય. આવા વિવાદો થાય ત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસક્રમનો નિર્ણય લેતા વિદ્વાનોએ અને સાહિત્ય પરિષદે તમામ પાસાંઓનો વિચાર કરી, સંબંધિત સમાજ, સમાજસેવકો અને સંસ્થાઓનો મત મેળવીને વિવાદનું નિરાકરણ લાવવાનું હોય.”


એ દિવસોમાં એ એકાંકીનો દલિતોએ ન માત્ર વિરોધ - એ પુસ્તકની માર્ગદર્શિકાની જાહેર હોળી પણ કરેલી. સફાળી જાગેલી સાહિત્ય પરિષદે દલિતોના વિરોધ સામે આંધળુંકીયું કરી દલિતોની વિરોધમાં ઠરાવ પસાર કર્યો! ત્યારે પત્રમાં તેમણે સવાલો ઉઠાવ્યાઃ 'શું આ સાહિત્ય પરિષદ દલિતો અને દલિત સાહિત્યકારોના વિરોધ કરવાનું જ કામ કરે છે? અગાઉ આવા વિવાદો થયા ત્યારે 'પરિષદ' અને સાહિત્યકારો કેમ ચૂપ રહેલા?'


દલિતો વિરોધી ઠરાવ પસાર કર્યો ત્યારે સાહિત્ય પરિષદના પ્રમુખ ગાંધીજીના ખોળામાં રમેલા એક ગાંધીવાદી લેખક હતા. આ નાટક છપાયું ત્યારે જ (૧૯૩૩માં) ડૉ. બાબાસાહેબ આંબેડકરના સાથીદાર ગુજરાતના પી. જી. સોલંકીએ વિરોધ નોંધાવેલો, તેનો પણ એ પત્રમાં દલપતભાઈએ ઉલ્લેખ કરેલો.

ઈતિહાસ સાક્ષી છે. રાજ ગુજરાતમાં પણ વહીવટની ભાષા મરાઠી! તેથી આપણા આદ્યકવિ દલપતરામ તો ફાર્બસ સરને લઈ પહોંચ્યા ખંડેરાવ ગાયકવાડના રાજ દરબારે ને બુલંદ સ્વરે સંભળાવ્યુંઃ 'દાખે દલપતરામ, ખુદાવિંદ ખંડેરાવ!/ રૂડી ગુજરાતી રાણી વાણીનો વકીલ છું!'

દલિત સાહિત્યના પાયામાં જ અત્યાચારની વેદના ધરબાયેલી છે

હા. આ ગુજરાતી દલિત વાણી (સાહિત્ય) પાસેય તેનો એક વકીલ છે - દલપત ચૌહાણ! જોકે મને એમને ગુજરાતી દલિત સાહિત્યના પ્રવક્તા કહેવાનું વધુ પસંદ પડે છે!

'ગુજરાતી દલિત સાહિત્ય એ ગુજરાતી સાહિત્યનો હિસ્સો છે, શાખા છે, ગુજરાતી સાહિત્યથી અલગ પાડીને તેની માપણી કરવી યોગ્ય નથી. હા, તેના માનદંડ - માપદંડ જુદા હોઈ શકે અને આ માપદંડો રચાઈ આવેલા સાહિત્યમાંથી આવકારવા કે સ્વીકારવા જોઈએ'...' દલિત સાહિત્ય એ ફક્ત નકાર કે વિદ્રોહનું સાહિત્ય નથી. દલિત સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં ઉમેરણ કરે છે, સંવર્ધન કરે છે, ઉપરાંત તે ગુજરાતી સાહિત્યનું અવિભાજ્ય અંગ છે. દલિત સાહિત્ય એ યથાર્થનું સાહિત્ય છે. યથાર્થનું સાહિત્ય જીવન જેવું છે એવું જ એને ચિતરે છે, આલેખે છે' એમ અદલિત સાહિત્યકારોને તે કહી શકે છે, તેમ જન્મે દલિત અને લલિત ધારામાં ફંટાઈ ગયેલા પોતાના સર્જકોનેય સાચી વાત કહેવાનું ચૂકતા નથી.

  
“આપણે એક વાત સ્વીકારવી પડે કે, મરાઠી કે હિન્દી સાહિત્યમાં જેઓ દલિત સાહિત્ય લખતા થયા તેમણે દલિત સાહિત્યને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. જ્યારે ગુજરાતી દલિત સાહિત્યમાં તદ્દન વિપરિત પરિસ્થિતિ સામે આવી. જૂની પેઢીના કેટલાક દલિત સાહિત્યકારો એવા છે, જે લલિત સાહિત્ય લખતા હતા અને હવે દલિત ધારામાં આવ્યા તે દૂધમાં અને દહીંમાં હાથ રાખે છે. એટલે કે તેમને દલિત સાહિત્ય પ્રત્યે પૂર્ણ પ્રતિબદ્ધતા નથી. ઉપરાંત કેટલાક દલિત સાહિત્યકાર એવા છે, જેમને પ્રતિબદ્ધતા જાળવવી નથી છતાં પોકારી પોકારીને પોતાનો દાવો રજૂ કરતા રહ્યા છે. તેમની વિચારપ્રણાલી, ધારણાઓ બહુ જ જટિલ અને ન સમજાય તેવી છે. તેમની વિચારધારા પ્રગતિશીલ, આંબેડકરવાદી, ગાંધીવાદી અને કલાવાદીઓનો ખીચડો છે. તેઓ લખવા ખાતર લખે છે. બીજી વાત ખાસ જાણવા જેવી છે કે ગુજરાતી દલિત સાહિત્યની આવનાર પેઢીઓમાં દલિત સાહિત્યકાર જણાતા નથી. અર્થ એનો એવો નથી કે દલિત સમાજમાં સાહિત્યકાર પેદા થવા બંધ થઈ ગયા છે. જરૂર સારા કવિ, વાર્તાકાર, નવલકથાકાર આવી રહ્યા છે, પણ તેઓ પોતાને મુખ્ય ધારાના સાહિત્યકાર તરીકે ઓળખાવે છે. તેમને ક્યારેક સમાજ યાદ આવી જાય તો લખવાની આવડતનો ઉપયોગ કરી, એકાદ વાર્તા - કવિતા લખે પણ ખરા, પછી જાણે દલિત સાહિત્ય પર ઉપકાર કર્યો હોય એમ પોતાના શ્રેષ્ઠત્વની ડંફાસો હાંકતા ફરે છે.”


“કેટલાક પોતાને દલિત સાહિત્યકાર કહેવડાવે ખરા, પરંતુ તેઓ પચીસ ટકા દલિત સાહિત્ય અને પંચોતેર ટકા અદલિત સાહિત્ય લખતા નજરે પડે છે. હવે તેમની અને તેમના સાહિત્યની મૂલવણી થાય કેમની? તેમની કૃતિઓમાં દલિત સાહિત્ય કેટલા અંશે પામી શકાય? તેમની કૃતિઓમાં અદલિત વિભાવનાઓ અવિનાભાવે જોડાયેલી હોય છે. કેટલાક દલિત સાહિત્યકારો કલાની અવધારણાઓ, માનદંડ લઈને જ સાહિત્ય રચે છે. તે કૃતિઓને મૂલવીએ તો શું પરિણામ આવે?! પ્રતિબદ્ધતા વિનાનો સાહિત્યકાર કાયમ અવઢવમાં જ હોવાનો.”


તેઓ કહે છે:  'જે સાહિત્યકારો (જન્મે દલિત) શિષ્ટ પ્રવાહમાં હતા અને તે પછી દલિત સાહિત્ય ધારામાં આવ્યા, તે સાહિત્યકારોએ તેમનું બધું સાહિત્ય દલિત સમાજ/વિભાવના/ પરિવેશને ધ્યાનમાં રાખીને લખ્યું નથી. તેમણે જ્યારે જે લાગ આવ્યો તે લખ્યું, પરિણામે તેમનું બધું સાહિત્ય દલિત સાહિત્યને નામે ચઢાવવામાં આવે, તે બરાબર નથી. આનો વિગતે ફોડ પાડવો જોઈએ.'

ગુજરાતમાં દલિત સાહિત્યનો જુવાળ આવ્યો. ખૂબ લખાયું, નોંધપાત્ર લખાયું, ચર્ચાયું, પુરસ્કૃત થયું, વિદ્યાલયો - મહાવિદ્યાલયોમાં સ્થાન પામ્યું ને હવે - જેના આરંભના પૂરા પચાસ વર્ષ પણ નથી થયા ત્યાં તેનો વેગ ઘટતો જતો હોવાની - પ્રવાહ મંદ પડી રહ્યો હોવાની ચિંતા થવા લાગે, એ ગુજરાતી દલિત સાહિત્ય માટે સારા સમાચાર નથી. 


જેમના ઉલ્લેખ વિના ગુજરાતી દલિત સાહિત્યની ચર્ચા થઈ નથી શકતી, તેવા દલિત સાહિત્યના પીઢ - ઘેઘુર વડલા સમા આ સાહિત્યકારના સર્જનકર્મની કૃતિલક્ષી ચર્ચાને સહેતુક - સભાનપણે મેં ટાળી છે. એ તો અન્યત્ર પણ વાંચી શકાશે.
 

મોજ, આનંદ કે માન-મરતબો મેળવવાના નહિ કિન્તુ વર્ણાશ્રમ - જાતિવાદના પાપે એક વિશાળ માનવસમુદાયને થઈ રહેલા અન્યાય, અત્યાચાર, અપમાન સામે પ્રતિબદ્ધતા - ફરજ - જવાબદારી સાથે કલમ ઉપાડી, આવા શોષિતોનો અવાજ બની તેમનામાં જાગૃતિ - ચેતના આણવાના આશયને દલિત સાહિત્યના મૂળભૂત સિધ્ધાંત રૂપે ઓળખી કાઢવામાં આવ્યો છે ત્યારે, ગુજરાતમાં એક યા બીજા કારણે દલિત સાહિત્યથી વિમુખ થયેલા, પ્રવર્તમાન સમયમાં સર્જનકાર્ય કરી રહેલા અને નવા આવનાર દલિત સર્જકોએ તેમની આ ચિંતાને પારખીને તેમણે કહેલ શબ્દોને ગંભીરતાથી લેવા પડશે.

 
મરાઠી દલિત સર્જકો મોટે ભાગે સીધી રીતે આંદોલન સાથે જોડાયેલા હોય છે, તેવું ગુજરાતમાં પણ છે કે કેમ? તેવા મારા સવાલના પ્રત્યુત્તરમાં તેમણે કહ્યું: “આ સાહિત્યકારોની મહત્તા તેની પ્રજા, સ્વીકાર કરનારાઓ પર અવલંબે છે. મરાઠી સર્જકને પ્રેમ-પ્રશંસા ને પૈસા મળે છે, જ્યારે ગુજરાતનો દલિત સર્જક ગાંઠના રૂપિયા ખર્ચીને પોતાનું સાહિત્ય છપાવે છે. છતાં હું એટલું જરૂર કહીશ કે નવલકથા, વાર્તામાં ગુજરાતી દલિત સાહિત્યનું જે ગજું છે, તે ભારતમાં ગમે તે ભાષા સાથે ખભેખભા મેળવી ઊભું રહી શકે તેવું છે. તેમાં બે-મત નથી.”


તેમણે કહ્યું: “આપણા ગુજરાતમાં આજ સુધીના જે દલિત સર્જકો છે તેમણે દલિત અત્યાચારને આલેખિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે. દલિતો પર થયેલા નાનામાં નાના અત્યાચારથી માંડી મોટી હોનારતોને દલિત સાહિત્ય નજર અંદાજ કરતું નથી. દલિત સર્જક અને દલિત અત્યાચારને જુદા પાડી શકાય નહિ. દલિત સાહિત્યના પાયામાં જ અત્યાચારની વેદના ધરબાયેલી છે. જેને જુદી પાડી શકાય નહીં.”


દલિત સાહિત્યજગતને કોઈ સંદેશ?! તો તેઓ બોલ્યા: “જ્યારે સમાજમાં પત્ર વ્યવહાર (પોસ્ટકાર્ડ)નો જમાનો હતો ત્યારે દલિત સમાજના લોકો પત્રના અંતે લખતા, 'વાંચનાર સુખી રહો, સાંભળનાર સુખી રહો!' મારેય કહેવું છે કે, દલિત સાહિત્ય લખનાર સુખી રહો!... પણ મારા અંતરની ઈચ્છા છે કે, દલિતો પરના આ સમગ્ર અત્યાચાર બંધ થાય, જેથી દલિતોએ દલિત સાહિત્ય જ લખવું ન પડે. 'એ' પણ ફૂલોની કવિતા લખે. એ અર્થમાં એ સુખી રહે.

...અને છેલ્લે, એમની સાથેની મારી લંબાણ બેઠકોમાં મને એય જાણવા મળ્યું કે, ગુજરાતી દલિત સાહિત્યનો પૂરો ઇતિહાસ જાણતા દલપતભાઈ, તેમની ખુદની પંદર પેઢીનો પૂરો ઈતિહાસ પણ જાણે છે! એમના વહીવંચા બારોટો પાસેથી એમણે એમના દાદા-પરદાદાઓના નામો જાણ્યા છે, તદ્અનુસાર તેમની તેરમી પેઢીએ દાદા રાજસ્થાનના ક્ષત્રિય રાજપૂત હતા. તેઓ ક્યારે વટલાયા અને દલિત થયા તેની સિલસિલાવાર વિગતો પણ અલબત તેમની પાસે ઉપલબ્ધ છે! તેરમી પેઢીના પરદાદા માલોસિંહના દીકરા ઝેહોસંગ, તેમના પુત્રો-પ્રપોત્રો કમોસંગ, ખેંગારજી, ભીખુસંગ, પદમસંગ, અરજણ સંગ તે છેક નીચે ઉતરતી પેઢીએ દલપતભાઈના પિતા ધૂળાભાઈ સુધીના વંશવેલાનો ઇતિહાસ(પેઢીઆંબો) પણ દલપતભાઈએ જતનથી જાળવ્યો છે.

મૂર્ધન્ય સર્જક - ઇતિહાસકાર - સંશોધનકાર કે. કે. શાસ્ત્રી પણ કહી ગયા છે કે આજના દલિતો એક સમયના ક્ષત્રિયો છે ત્યારે આપણે પણ દલપત ચૌહાણને દલસંગ ચૌહાણ તરીકે ઓળખીએ તો કેમ?!

(દલપત ચૌહાણ સાથે લેખક નટુભાઈ પરમારે કરેલી વાતચીત આધારે. ભાગ-2)

આ પણ વાંચો (દલપત ચૌહાણ ભાગ-1) અમે હોળીના છાણાં નાખવા ન ગયા, ને હોળીના જ દિવસે સવર્ણોએ વાસ પર સામૂહિક હુમલો કર્યો - દલપત ચૌહાણ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.