માતા રમાબાઈને ડૉ. આંબેડકરનો હૃદયસ્પર્શી ઐતિહાસિક પત્ર
આજે ત્યાગમૂર્તિ માતા રમાબાઈની પુણ્યતિથિ છે ત્યારે અહીં ડૉ. આંબેડકરે તેમને લખેલો એ ઐતિહાસિક પત્ર શેર કરીએ છીએ.
લંડન, 30 ડિસેમ્બર 1930
રામુ! તું કેમ છે, યશવંત કેવો છે, તે મને યાદ કરે છે? રામુ, તેની ખૂબ કાળજી રાખજે. આપણાં ચાર બાળકો આપણને છોડી ગયા. હવે યશવંત તારા માતૃત્વનો આધાર છે. તે ન્યુમોનિયાથી પીડિત છે, આપણે તેની સંભાળ લેવી પડશે, તેને ભણાવવો પડશે અને તેને સારી રીતે ઉછેરવો પડશે.
હું મોટી સમસ્યાઓ, અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છું. માનવીય ધાર્મિક ગુલામી, આર્થિક અને સામાજિક અસમાનતા પાછળના કારણોની તપાસ કરવી પડશે. ગોળમેજી પરિષદમાં જ્યારે હું મારી ભૂમિકા વિશે વિચારું છું, ત્યારે દેશના કરોડો શોષિત પીડિતોની દુનિયા મારી આંખ સામે દેખાય છે. હજારો વર્ષોથી આ ગરીબ લોકો દુ:ખના પહાડ નીચે દટાયેલા છે અને હું તેમને બહાર લાવવાનો માર્ગ શોધી રહ્યો છું. આવા સમયે, જો મારા ધ્યેયથી મારું ધ્યાન ભટકાવવા માટે કંઈપણ થાય, તો મારું મન પ્રજ્વલિત થઈ જાય અને એવી જ્વાળાથી દાઝીને મેં તે દિવસે યશવંતને નિર્દયતાથી માર માર્યો.
પછી તેં પ્રેમાળ લાગણીઓ સાથે કહ્યું, 'તેને મારશો નહીં...તે નિર્દોષ છે. તેની હજી નાસમજ છે' પછી મેં યશવંતને મારા ખોળામાં લીધો. પણ રામુ! હું ક્રૂર નથી. હું ક્રાંતિ સાથે જોડાયેલો છું, અગ્નિ સામે લડતો રહ્યો છું, સામાજિક ન્યાય ક્રાંતિની આગ સામે લડતો લડતો હું પોતે અગ્નિ બની ગયો છું. આ આગના તણખા ક્યારે તને અને યશવંતને સળગાવવા માંડે છે તેની મને પણ ખબર નથી. રામુ, મારી કઠોરતા અને અસભ્યતા સમજો. તારી ચિંતાનું આ જ કારણ છે. તું ગરીબ મા-બાપની દીકરી છો. તેં માતા-પિતાના ઘરે પણ દુ:ખ સહન કર્યું અને ગરીબીમાં અટવાયેલી રહી. ત્યાં પણ હું પૂરતું ખાઈ શકતી નહોતી, સખત મહેનત કરતી રહી અને મારી દુનિયામાં પણ તારે આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: નારીમુક્તિ-નારીશક્તિના જ્યોતિર્ધર ડૉ બાબાસાહેબ આંબેડકર
તું ત્યાગી છો, સ્વાભિમાની છો. તે સાબિત કર્યું કે સુબેદારની વહુ કેવી હોવી જોઈએ. તને કોઈની દયા પર જીવવું ગમતું નથી, તું માતા-પિતાના ઘરેથી પ્રેમ વહેંચવાનું શીખી છો, તું ક્યારેય લેવાનું શીખી નથી. તેથી જ રમા! મને તારા સ્વાભિમાન પર ગર્વ છે.
એક વખત હું પોયબાવાડીના ઘરે ઉદાસ બેઠો હતો. ઘરની સમસ્યાઓથી પરેશાન હતો. એ સમયે તેં મને હિંમત આપી અને કહ્યું હતું, 'હું અહીં છું. હું મારા પરિવારની સંભાળ રાખવા માટે તમામ સમસ્યાઓ દૂર કરીશ. ઘરના દુ:ખને હું તમારા માર્ગમાં અવરોધ નહીં બનવા દઉં. હું ગરીબની દીકરી છું, મને તકલીફો સાથે જીવવાની આદત છે. ચિંતા કરશો નહીં, તમારા મનને નબળું ન પાડો, હિંમત રાખો. જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આ સંસારનો કાંટાળો તાજ ઉતરવો જોઈએ નહીં.'
રામુ! ક્યારેક વિચારું છું કે તું મારી જિંદગીમાં ન આવી હોત તો શું થાત. જો હું એવી સ્ત્રીને મળ્યો હોત જે માને છે કે દુનિયા ફક્ત આનંદ માણવા માટે છે, તો તે મને ઘણાં સમય પહેલા છોડી દેત. મુંબઈ જેવી જગ્યાએ ખાલી પેટે જીવવું, શેરીઓમાં ગાયનું છાણ ભેગું કરવું, છાણાં થાપવા અને પછી છાણાં વેચીને પરિવારનું ગુજરાન ચલાવવું. આવું કોને ગમે?
આ પણ વાંચો: શશિ થરૂરનું પુસ્તક 'Ambadkar: A Life'- કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ
વકીલની પત્ની કપડાં સીવીને તેની ફાટેલી દુનિયાને સાંધીને ક્યારેય જીવવા ન ઇચ્છે. પરંતુ આ બધી મુશ્કેલીઓ સહન કરીને તેં તારા પતિની દુનિયાને પૂરી ક્ષમતા અને સ્વાભિમાન સાથે આગળ લઈ ગઈ. જ્યારે મને કોલેજમાં પ્રોફેસરની નોકરી મળી ત્યારે તેં મને કહ્યું હતું. “હવે આપણાં બધાં દુ:ખ દૂર થઈ જશે.” એ ખુશીમાં જ મેં તને લાકડાની બે પેટીઓ આપી, એટલું જ અનાજ, તેલ, મીઠું અને લોટ. અને આ સાથે એવું પણ કહ્યું હતું કે આપણે બધાનું ધ્યાન રાખીને આમાં ટકી રહેવાનું છે."
તેં સહેજ પણ આનાકાની કર્યા વિના સમગ્ર પરિવારની સંભાળ લીધી. ક્યારેય નિસાસો ન નાખ્યો. રામુ! તેં મારી હાજરીમાં અને મારી પાછળ જે કર્યું તે કરવાની શક્તિ બીજા કોઈમાં નથી. મને તારા જેવી જીવનસાથી મળી, તેનાથી શક્તિ મળતી રહી. મારા સપનાને પાંખો મળી. મારી ઉડાન નિર્ભય રહી. મને હિંમત રહી.
મારું મન ઘણા સમયથી ભરાઈ ગયું હતું. ઘણી વખત તારી સાથે બેસીને ચર્ચા કરવાનું મન થયું, પણ સામાજિક પ્રવૃતિઓ, લેખન, વાંચન, હરવા-ફરવા અને મળવાના કારણે સમય ન મળ્યો. વિચારો મનમાં જ રહી ગયા. કેટલીય વાર હૈયું ભરાઈ આવ્યું હતું, પણ તારી સામે કંઈ બોલી શક્યો નહોતો.
આજે મને લંડનમાં થોડો શાંતિપૂર્ણ સમય મળ્યો અને હું મારા મનના બધા વિચારો ઠાલવી રહ્યો છું. મારું મન અશાંત થઈ ગયું છે તેથી હું મારા અશાંત મનને સાંત્વના આપવાનો પ્રયત્ન કરું છું.
આ પણ વાંચોઃ આંબેડકર તમે આવા ય હતા?
રમા, મારા મનના દરેક ખૂણામાં તું હાજર છે. મને તારી મુસીબતો, તારા શબ્દો, પહાડ જેવડી વેદના અને તારી બધી ગૂંગળામણ યાદ છે. મારા શ્વાસને પકડીને, હાથમાં કલમ લઈને મનને સમજાવવાનો પ્રયત્ન કરું છું.
રામુ! મારી ચિંતા કરતી નહીં. તારા બલિદાનની શક્તિ અને તેં સહન કરેલી મુશ્કેલીઓ મારી તાકાત છે. આ ગોળમેજી પરિષદમાં માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના દલિત લોકોની વ્યથા મને શક્તિ પ્રદાન કરી રહી છે. હવે તું તારી ચિંતા કર.
રામુ તું બહુ ગૂંગળામણમાં રહે છે. મારા પર તારા અનેક ઉપકાર છે જેનો બદલો ક્યારેય હું વાળી નહીં શકું. તું સંઘર્ષ કરતી રહી, કમજોર પડતી રહી, ઓગળતી રહી, સળગતી રહી, પીડાતી રહી અને મને આગળ વધાર્યો. તું બીમારીથી પણ ખૂબ પરેશાન છો. પરિવારની ચિંતા કરતી વખતે ક્યારેય તારા સ્વાસ્થ્યની ચિંતા નથી કરી, પરંતુ હવે તારે આમ કરવું પડશે. યશવંતને તેની માતાની જરૂર છે અને મને તારા સાથની જરૂર છે, રમા.
બીજું વધારે શું લખું? મારી ચિંતા કરતી નહિ, મેં તને આ વાત ઘણી વાર કહી પણ તું સાંભળતી નથી. ગોળમેજી પરિષદ પૂરી થતાં જ હું જલદી આવીશ… બધું સારું થશે!
તમારો
ભીમરાવ
ભવતુ સબ મંગલમ… સૌ સ્વસ્થ રહે
આ પણ વાંચો: માતા રમાબાઈઃ એ મહિલા જેમના ત્યાગે 'ભીમા' ને ડો. ભીમરાવ આંબેડકર બનાવ્યા