અમદાવાદમાં 38 ગેમ ઝોનમાંથી 6 પાસે NOC, BU પરમીશન નથી
અમદાવાદ શહેરમાં ચાલતા 38 ગેમ ઝોનમાંથી 6 પાસે બીયુ પરમિશન નથી. આ છ પૈકી બે ગેમ ઝોન ભાજપના સિટીંગ અને પૂર્વ કોર્પોરેટરોની ભાગીદારીથી ચાલે છે.
રાજકોટ ગેમ ઝોનમાં આગની ઘટનામાં 25 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે AMC તંત્રએ અમદાવાદમાં આવેલા તમામ ગેમ ઝોનમાં ચેકિંગ કરતા 38 જગ્યાએ નાના-મોટા ગેમ ઝોન હોવાનું સામે આવ્યું છે. આ ગેમ ઝોનમાં નિયુક્ત કરવામાં આવેલી ત્રણ અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. SG હાઇવે પર છારોડી નજીક અને સિંધુભવન રોડ પર આવેલા ફન બ્લાસ્ટ ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલ અને ભાજપના એક ચાલુ કોર્પોરેટરની છૂપી ભાગીદારીમાં હોવાની ચર્ચા છે. ફન બ્લાસ્ટમાં રાતોરાત એક્ઝિટ ગેટ પણ બનાવી દેવામાં આવ્યો હતો.
ચાંદલોડિયામાં ડી માર્ટ પાસે આવેલા જોય એન્ડ જોય ગેમ ઝોન ચાલતો હતો. જે ગેમ ઝોન કોઈપણ પ્રકારની બીયુ પરમિશન કે ફાયર એનઓસી વિના ચાલતું હતું. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ટીમ અહીંયા આવેલી હતી. તેઓએ આ બીયુ પરમિશન વિનાના ચાલતા ગેમ ઝોનને તાત્કાલિક ધોરણે સીલ મારી દેવામાં આવ્યું હતું. ગોતાના વિશ્વાસ સિટી પાસે આવેલા Play planet ગેમ ઝોનમાં પણ ક્યાંય કોઈપણ પ્રકારની ફાયર NOC કે બીયુ પરમિશન જોવા મળી નહોતી. 4 થી 5 પ્રકારની અલગ અલગ ગેમ જોવા મળી હતી પરંતુ કોઈપણ પ્રકારની ફાયરના સાધનો ત્યાં જોવા મળ્યા નહોતા. હાલમાં આ ગેમ ઝોન બંધ હતું. જોકે આ ગેમ ઝોનમાં બીયુ પરમિશન પણ લેવામાં આવી નથી. આનંદનગર-પ્રહલાદનગર રોડ પર આવેલા સીમા હોલ પાસે પતરાના શેડમાં આખું ગેમ ઝોન ઊભું કરવામાં આવ્યું છે. ત્યાં પણ ફાયર એનઓસી કે કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવેલી નહોતી તેને સીલ કરી દેવામાં આવ્યું છે.
પતરાના શેડમાં ઉભા કરવામાં આવેલા જાળીવાળા આ ગેમ ઝોનમાં કાળા પ્લાસ્ટિક વડે અંદરની તમામ બાબતોને ઢાંકી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે શહેરમાં 38માંથી 34 જેટલા ગેમ ઝોન ઇન્ડોર બિલ્ડિંગમાં બનાવવામાં આવેલા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 6 જેટલા આઉટડોર બનેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 34 બિલ્ડિંગમાં બીયુ પરમિશન લેવામાં આવી હતી. 6 બિલ્ડિંગમાં બીયુ પરમિશન લેવામાં આવી નહોતી. બીયુ પરમિશન વિના કઈ રીતે 4 ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યા તેને લઈને હવે સવાલ ઊભા થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્વિમ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ આ બાબતે ઊંઘતા ઝડપાયા છે. 34માંથી કેટલાક ગેમ ઝોનમાં તો પોલીસ પરમિશન જ લેવામાં આવેલી ન હોવાનું સામે આવ્યું.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દરેક ગેમ ઝોનમાં નીતિનિયમ મુજબ ન હોવાનું સામે આવ્યું છે અને તેમાં ખામીઓ જણાઈ હતી. મોટાભાગે જે પણ ગેમ ઝોન આવેલા છે. તેમાં એન્ટ્રી-એક્ઝિટ ગેટ અલગ હોવા જોઈએ જે હતા નહી. તેમજ ઈમરજન્સી ગેટનો પણ અભાવ જોવા મળ્યો હતો. શહેરના સિંધુભવન રોડ ઉપર ભાજપના પૂર્વ કોર્પોરેટર એવા મહેન્દ્ર પટેલ અને ભાજપના ચાલુ કોર્પોરેટરની છૂપી ભાગીદારીમાં ચાલતા એવા આવેલા ફન બ્લાસ્ટ ગેમ ઝોનમાં રાતોરાત અલગ એક્ઝિટ ગેટ ઉભો કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયુક્ત કરવામાં આવેલી ત્રણ ટીમ દ્વારા શહેરમાં આવેલા વિવિધ જગ્યાના મેળા એમ્યુઝમેન્ટ પાર્ક અને અન્ય ગેમ ઝોનમાં ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ચાંદલોડિયા અને ગુમા વિસ્તારમાં આવેલા 4 ગેમ ઝોન બીયુ પરમિશન વિના અને ફાયર સેફ્ટી વિના ચાલતા હોવાનું સામે આવતા સીલ મારવામાં આવ્યા છે. શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા એક ગેમ ઝોનને પણ સીલ મારવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું.રવિવારે કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફા વન મોલમાં એક ગેમ ઝોનની જગ્યાએ 4 ગેમ ઝોન નીકળ્યા હતા. જેમાં 3 પાસે ફાયર એનઓસી ન હોવાનું અને પોલીસ પરમિશન ન હોવાનું સામે આવ્યું હતું. જ્યારે હિમાલયા મોલમાં ચેકિંગ દરમિયાન પણ ગેમ ઝોનમાં આવેલી રાઇડ્સમાં વાયરો ખુલ્લા જોવા મળ્યા હતા. બોલિંગ માટેની જે જગ્યા છે ત્યાં કોઈપણ એક્ઝિટ ગેટ જોવા મળ્યો નહોતો. જો આગ લાગે તો તેમાં કાચ તોડીને ધુમાડો બહાર કાઢવો પડે તેવી સ્થિતિ હતી. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેકસ મામલે વિવાદમાં SG હાઇવે પર થલતેજ નજીક આવેલા પેલેડિયમ મોલમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં તમામ પ્રકારની ફાયર સિસ્ટમ કાર્યરત હોવાનું સામે આવ્યું હતું. મોલ વર્ષ 2022માં જ ચાલુ થયો છે. તમામ પ્રકારના ઇલેક્ટ્રીક સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. તમામ પોલીસ વેરીફીકેશન પણ ચેક કરવામાં આવ્યું હતું. તમામ લાયસન્સ ચેક કરવામાં આવ્યુ હતું. એસજી હાઇવે ઉપર આવેલા ફન બ્લાસ્ટમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે ગત વર્ષે જ આ ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યા હોવાથી તેમાં ફાયર NOC અને અન્ય લાયસન્સ હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં જ ચાલુ વર્ષે નવા બનેલા ગોતા વિસ્તારમાં ન્યુ સાયન્સ સિટી રોડ ઉપર આવેલા ફન ગ્રિટો ગેમ ઝોન અને ચાંદખેડા SP રિંગ રોડ પર આવેલા સ્પાર્ક ગેમ ઝોનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: સાહેબ, ગુજરાતીઓની સહનશક્તિની હવે હદ આવી ગઈ છે....