રાજુ સોલંકી લિખિત ‘માનવ અધિકારના મશાલચી: વીર મેઘમાયા’ પુસ્તકનું વિમોચન થયું
એક્ટિવિસ્ટ, વિચારક, લેખક રાજુ સોલંકી લિખિત પુસ્તક ‘માનવ અધિકારના મશાલચીઃ વીર મેઘમાયા’ના વિચોમનનો કાર્યક્રમ ગઈકાલે ગાંધીનગરમાં યોજાઈ ગયો. જેમાં મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમી બહુજનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પુસ્તકમાં લેખક રાજુ સોલંકીએ વીર મેઘમાયા વિશેનો ઇતિહાસબોધ સાથે વીર મેઘમાયાને સમગ્ર દલિત-બહુજન સમાજના નાયક તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે. શા માટે વીર મેઘમાયા સમગ્ર દલિત-બહુજન સમાજનું પ્રતિનિધિત્વ કરે છે? તે અંગે વાત કરતાં રાજુ સોલંકી કહે છે કે, “વીર મેઘમાયા એ મેઘ કે મેઘવાળ જ્ઞાતિમાંથી આવે છે. ભારતમાં મેઘ કે મેઘવાળ એક મહાજાતિ છે. જે ભારતના અનેક રાજ્યો જેવા કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં જોવા મળે છે. 11મી સદીમાં મેઘવાળ કાપડ વણવાનું, ચર્મકામ અને ઢોલ વગાડવાનું કામ કરતાં હતા. આ સમયમાં વણકર, રોહિત નાડિયા, સેનમા, તૂરી, તિરગર, ગરો, વાલ્મીકિ વગેરે ન હતા. પરંતુ બધા અછૂત, અત્યંજ, મેઘ અને મેઘવાળ જ હતા, એટલે જ વીર મેઘમાયા એ સમગ્ર દલિત-બહુજન સમાજના નાયક છે અને તેમને કોઈ એક પેટાજ્ઞાતિ પૂરતા સીમિત ન કરવા જોઈએ.
”પુસ્તકમાં આ સિવાય પણ બીજી અનેક બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જેમ કે, વીર મેઘમાયાની હત્યા થઈ હતી કે સ્વેચ્છાએ બલિદાન આપ્યું હતું? વિશ્વ અને ભારતમાં જોવા મળતી બલિપ્રથા વિશે ઐતિહાસિક સંદર્ભો, સિદ્ધરાજ જયસિંહ અને જસમા ઓડણની કથા, નરસિંહ મહેતા વિ. માકરા મેઘવાળ, બામણ પરંપરા વિ. માતંગ પરંપરા, મહાજનની સંસ્કૃતિ સામે બહુજનની સંસ્કૃતિ વગેરેનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, વીર મેઘમાયાના બલિદાન સામે દલિતો તરફી મુક્તિ અનેક માંગણીઓ લોકસ્મૃતિમાં(Oral Tradition) સચવાઇ છે. અનેક માંગણીઓમાંથી એક માંગણી એટલે દલિતો માટે ‘વહીવંચા’ની. ‘વહીવંચો’ એ દ્વિજ જાતિઓની સામાજિક મૂડી છે. વીર મેઘમાયાએ દલિતોની ‘સામાજિક મૂડી’ ઊભી કરવા ‘વહીવંચા’ની માંગણી કરી હતી. વહીવંચા દ્વારા વંશપરંપરાગત ઇતિહાસ સાચવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આજે દલિતોની પેઢીગત જાણકારી ‘વહીવંચા’ (Caste Genealogy) દ્વારા પ્રાપ્ત થાય છે.લેખક પોતાનું ઉદાહરણ આપીને કહે છે કે તેમના પરિવારે 600 વર્ષ પહેલાં પાટણથી અમદાવાદ સ્થળાંતર કર્યું હતું તે અંગેની જાણકારી ‘વહીવંચા’ દ્વારા પ્રાપ્ત થઈ હતી.
લેખક દલિત ઇતિહાસ લેખન દ્વારા ઉપેક્ષિત સમાજનાં મુક્તિની વાત કરે છે. વીર મેઘમાયા એ દલિત-બહુજનો માટે શહાદતનું પ્રતિક છે. દલિત-બહુજન સમાજ માટે વીર માયાનું વાસ્તવિક કે તાર્કિક સ્વરૂપ ક્યું? દલિતો-બહુજનો માટે માનવ અધિકારની માંગણી કરી રહેલા ‘ક્રાંતિકારી’- વીર મેઘમાયા કે તથાસ્તુની મુદ્રામાં બેઠેલ ‘ધાર્મિક’ મેઘમાયા? એ પ્રશ્ન ઉભો થાય છે. પ્રસ્તુત પુસ્તક દલિત-બહુજનો માટે Alternative History નું પ્રતિક છે. તેમજ સમાનતા માટે બલિદાન આપનાર યુદ્ધાની ગાથા રજૂ કરતું એક ઉત્તમ પુસ્તક બની રહેશે.
આ પ્રસંગે ડો. રાજેશ લકુમ, ડો. વિજય ઉત્સવ અને ડો. ગૌતમ વેગડાએ બહુજન નેરેટિવ પર એમના વિચારો તેમણે કહ્યું કે, આપણે મનુવાદી ઇતિહાસ સામે આપણો બહુજનોનો પેરેલલ ઇતિહાસ લખવાનો છે. આપણું પોતાનું નેરેટિવ ઉભુ કરવાનું છે. ડો. બાબાસાહેબ આંબેડકર આપણા પાયોનીયર છે. માર્ગદર્શક છે.
આ પ્રસંગે રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે, ”મેં આ પુસ્તક ગુજરાતના 50 લાખ દલિતોને એક કરવા માટે લખ્યું છે અને આ પુસ્તક સમાજને એક કરીને રહેશે. કબીરવડમાં વડવાઈઓ મોટી થાય એટલે પોતાને વડ માનવા માંડે અને થડને ભૂલી જાય છે. મેઘમાયા આપણો કબીરવડ છે અને આપણે તે ભૂલી ન જઈએ તેના માટે આ પુસ્તક છે.” આ પ્રસંગે વાલ્મીકિ સમાજની ત્રણ બહેનોને પુસ્તકો ભેટ આપીને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું.
અહેવાલઃ ડો. રાજેશ લકુમ
આ પણ વાંચો:શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?