દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર ‘જનરલ’ સીટ પર ‘દલિત ઉમેદવાર’ને ટિકિટ ફાળવાઈ

લોકસભાની ચૂંટણીનો માહોલ ધીરેધીરે ગરમ થઈ રહ્યો છે ત્યારે પાટનગર દિલ્હીમાંથી દલિત સમાજ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. અહીં પૂર્વ દિલ્હીની જનરલ સીટ પર એક રાજકીય પક્ષ દ્વારા દલિત ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવી છે. કોણ છે એ ઉમેદવાર, કઈ પાર્ટીએ તેમને ટિકિટ આપી અને કેવું છે આ બેઠકનું રાજકીય ગણિત, વાંચો આ વિસ્તૃત રિપોર્ટમાં.

દિલ્હીમાં લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર ‘જનરલ’ સીટ પર ‘દલિત ઉમેદવાર’ને ટિકિટ ફાળવાઈ
image credit - Google images

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દરેક રાજકીય પક્ષોએ પોતપોતાની રીતે રાજકીય સોગઠાઓ ગોઠવવા માંડ્યા છે. સામાન્ય રીતે દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજના નેતાઓને કહેવાતા લોકશાહી દેશમાં આજે પણ જનરલ સીટો પર કદી ટિકિટ ફાળવવામાં આવતી નથી. વિકસિત ગણાતા ગુજરાતમાં પણ રાજકીય પક્ષોએ આ વર્ગના નેતાઓને કદી જનરલ સીટ પર ટિકિટ આપી નથી. પણ દેશની રાજધાની દિલ્હીમાં આ વણલખ્યો નિયમ તૂટ્યો છે. અહીં એક રાજકીય પાર્ટીએ પહેલીવાર જનરલ સીટ પર દલિત ઉમેદવારને લોકસભાની ટિકિટ ફાળવી છે.


મામલો પૂર્વ દિલ્હીનો છે, જ્યાં આમ આદમી પાર્ટીએ લોકસભાની જનરલ સીટ પર દલિત ઉમેદવારને  ટિકિટ આપી છે. કૉંગ્રેસ અને આપ વચ્ચે દિલ્હીની 7 લોકસભા સીટો વચ્ચે સમજૂતી થયેલી છે. જે અંતર્ગત 4 સીટો આપના ફાળે આવી છે, આ 4 સીટો પર આપે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં પૂર્વી દિલ્હીમાં દલિત ઉમેદવાર કુલદીપ કુમારને ટિકિટ આપવામાં આવી છે. તેઓ હાલમાં જ પૂર્વ દિલ્હીની કોંડલી વિધાનસભા સીટ પરથી આપની ટિકિટ પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને હવે તેમને લોકસભાની ટિકિટ મળી છે.


2020માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા
કુલદીપ કુમારને વર્ષ 2020માં આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી લડાવી હતી અને હવે તેમને લોકસભાની ટિકિટ આપી છે. તેમની રાજકીય કરિયરની વાત કરીએ તો ધારાસભ્ય બનતા પહેલા તેઓ કોર્પોરેટર હતા. તેઓ એક સફાઈ કર્મચારીના પુત્ર છે અને ગરીબ પરિવારમાંથી આવે છે. આમ આદમી પાર્ટીએ આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ તો તેમની જાતિવાદી માનસિકતા માટે જાણીતા છે, પણ આ મામલે તેમને ક્રેડિટ આપવી પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. તેમના આ નિર્ણયને દિલ્હીનો દલિત બૌદ્ધિક વર્ગ વખાણી રહ્યો છે.

https://twitter.com/ArvindKejriwal/status/1762439980192870764


આપના સંયોજક અને કેબિનેટ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, પૂર્વ દિલ્હીની લોકસભા સીટ જનરલ કેટેગરીની છે, જ્યાં કોંડલીથી આપના ધારાસભ્ય કુલદીપ કુમાર, જેઓ દલિત સમાજમાંથી આવે છે તેમને ટિકિટ આપીને ચૂંટણી લડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એક ઐતિહાસિક નિર્ણય છે, કદાચ દિલ્હીમાં પહેલીવાર સામાન્ય સીટ પર આ પ્રકારનું પગલું કોઈ પાર્ટીએ ઉઠાવ્યું છે.

kદિલ્હીના રસ્તાની સફાઈ કરતા કુલદીપ કુમારના પિતા


તમને જણાવી દઈએ કે પૂર્વ દિલ્હી લોકસભા સીટ દિલ્હીની 7 બેઠકો પૈકીની એક છે. આ મતવિસ્તાર 1996માં અસ્તિત્વમાં આવ્યો હતો. વર્ષ 2008માં સંસદીય મતવિસ્તારોના સીમાંકન પછી લગભગ 25 લાખની વસ્તી ધરાવતી આ લોકસભા બેઠકમાં દિલ્હી વિધાનસભાની 8 બેઠકો આવેલી છે. જેમાં કોંડલી, પટપડગંજ, લક્ષ્મીનગર, વિશ્વાસનગર, ક્રિષ્નાનગર, ગાંધીનગર, શાહદરા અને જંગપુરાનો સમાવેશ થાય છે. હાલ આ લોકસભા સીટ પરથી ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપના સાંસદ છે, કુલદીપ કુમાર તેમની સામે ચૂંટણી લડશે.


કોરોનાકાળમાં કુલદીપ કુમાર ચર્ચામાં આવ્યા હતા
કુલદીપ કુમાર કોરોનાકાળમાં ભારે ચર્ચામાં આવ્યા હતા. આજથી લગભગ ત્રણ વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના હાથરસકાંડના પીડિતોને તેઓ મળવા ગયા હતા. જેને લઈને તેમના પર મહામારી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે, તેઓ કોરોના પોઝિટીવ હોવા છતા પીડિતાના પરિવારને મળવા માટે પહોંચી ગયા હતા. આ કેસ હજુ ચાલી રહ્યો છે.

આપના આ નિર્ણયથી અન્ય પાર્ટીઓ પર દબાણ વધશે
રાજકીય વિશ્લેષકોના મતે આપ દ્વારા જનરલ સીટ પર દલિત ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હોવાથી દલિત સમાજ અન્ય પાર્ટીઓ પાસેથી પણ આ પ્રકારના નિર્ણયની અપેક્ષા રાખશે, અને જે પક્ષ દલિતોના આ અપેક્ષાને પૂર્ણ કરવામાં ઉણો ઉતરશે તેને રાજકીય નુકસાન થશે. અન્ય પાર્ટીઓ ખાસ કરીને ભાજપ, કૉંગ્રેસ જેવા પક્ષો પર જનરલ સીટ પર દલિત ઉમેદવારને ટિકિટ ફાળવવાનું દબાણ વધશે. દલિતોમાં જે રીતે પોતાના મતને લઈને જાગૃતિ વધતી જઈ રહી છે, એ જોતા આગામી સમયમાં રાજકીય પાર્ટીઓએ તેમની વાત સ્વીકારી પડે તે દિવસ દૂર નથી. ખાસ કરીને દલિત યુવા વર્ગ તેના મતની કિંમત સમજતો થયો છે. તેને હવે સમજાવા માંડ્યું છે કે, પોતાની સમાજના જેટલા વધુ ઉમેદવારો સત્તામાં હશે તેમ સમાજને વધુ ફાયદો થશે. હવે જ્યારે આપ પાર્ટી દ્વારા જનરલ સીટ પર દલિત ઉમેદવારને ટિકિટ ફાળવાઈ છે ત્યારે ગુજરાતમાં પણ આ પ્રકારની માંગણી ઉઠે તો નવાઈ ન પામવું જોઈએ.


પૂર્વ દિલ્હી સીટનું રાજકીય ગણિત

કુલદીપ કુમારને આમ આદમી પાર્ટીએ જ્યાંથી મેદાનમાં ઉતાર્યા છે તે પૂર્વ દિલ્હીની સીટ બિન અનામત છે. તેમ છતા આપ દ્વારા આ સાહસ કરવામાં આવ્યું છે. રાજકીય નિષ્ણાતોના મતે આમ આદમી પાર્ટીએ કુલદીપ કુમાર દ્વારા દલિત મતો અંકે કરવાનો પ્રયાસ કર્યો છે. અહીં દલિત સમાજ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મત આપે છે, પરંતુ બીજી તરફ લોકસભાની ચૂંટણીમાં આ મતો ભાજપને જાય છે. પૂર્વ દિલ્હી લોકસભા ક્ષેત્રમાં ચાર લાખથી વધુ વાલ્મિકી અને દલિત મતો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીએ અહીં સંજય ગેહલોતને મેદાનમાં ઉતાર્યા હતા. તે જ સમયે, એ ચૂંટણીમાં, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અલગ-અલગ ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. ભાજપે અહીંથી ગૌતમ ગંભીરને ટિકિટ આપી હતી, જેમને 6,96,158 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલા અરવિંદર સિંહ લવલીને 3,04,934 અને AAP તરફથી ચૂંટણી લડી રહેલા આતિશી માર્લેનાને 2,19,328 મત મળ્યા હતા. આ દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે તો આ બેઠક ભાજપ માટે જીતવી મુશ્કેલ બની ગઈ છે.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.