સંકલ્પ ભૂમિ વડોદરાથી સચિવાલય ગાંધીનગર સુધી આભડછેટ મુક્ત ભારત યાત્રા યોજાશે

આઝાદીના 75 વર્ષ પછી પણ ભારતને આભડછેટ મુક્ત કરી શકાયું નથી. દેશનું ભાગ્યે જ એવું કોઈ ગામ હશે જ્યાં દલિતો સાથે અસ્પૃશ્યતા પાળવામાં ન આવતી હોય. દેશનું બંધારણ કહે છે કે, ભારતમાં સૌ સમાન છે, પણ જમીની હકીકત સાવ જુદી છે. આભડછેટ મુદ્દે આજથી બરાબર 95 વર્ષ પહેલા 2 માર્ચ 1930ના રોજ ડૉ. આંબેડકરે નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ માટે આંદોલન કર્યું હતું. હવે ફરી આભડછેટ મુક્ત ભારત માટે સંકલ્પભૂમિ વડોદરાથી સચિવાલય ગાંધીનગર સુધી યાત્રા યોજાવા જઈ રહી છે. વાંચો આ રિપોર્ટ.

સંકલ્પ ભૂમિ વડોદરાથી સચિવાલય ગાંધીનગર સુધી આભડછેટ મુક્ત ભારત યાત્રા યોજાશે
પ્રતિકાત્મક તસવીર

ગુજરાત સહિત દેશભરમાં આઝાદીના 75 વર્ષ પછી પણ જાતિવાદ, આભડછેટ સહિતના ભેદભાવો મિટાવી શકાયા નથી ત્યારે આગામી 4 માર્ચના રોજ સંકલ્પ ભૂમિ વડોદરાથી સચિવાલય ગાંધીનગર સુધીની આભડછેટ મુક્ત ભારત સ્વમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાનતામાં માનતા ગુજરાતના તમામ સંગઠનો, સંસ્થાઓ, કર્મશીલો, સામાજિક કાર્યકરો, આગેવાનો જોડાશે.

આભડછેટ મુક્ત ભારત યાત્રાની તૈયારીઓ વખતની મીટિંગોની તસવીર


આ કાર્યક્રમની રૂપરેખા મુજબ વડોદરા સ્થિત કમાટી બાગ ખાતે આવેલ ડૉ. બાબાસાહેબની સંકલ્પભૂમિથી વાહનો સાથે આ સ્વમાન યાત્રાનો પ્રારંભ થશે. ત્યાંથી ગાંધીનગર સચિવાલય સામે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમા સામે પહોંચી પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ હાલમાં જ્યાં દલિતો પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો હતો તે બિલેશ્વરપુરા પહોંચી ત્યાં સભા યોજીને પૂર્ણ થશે.


સ્વમાન યાત્રાનું સમયપત્રક
આભડછેટ મુક્ત ભારતની નેમ સાથે શરૂ થઈ રહેલી આ સ્વમાન યાત્રાના કાર્યક્રમ મુજબ, તા. 4 માર્ચના રોજ સવારે 10.30 કલાકે સંકલ્પભૂમિ વડોદરા ખાતેથી તેની શરૂઆત થશે. ત્યાંથી 11.30 વાગ્યે અલકાપુરી, ગોત્રી, ઉમેટા, આંકલાવ, આણંદ થઈને બપોરે 1.30 કલાકે નડિયાદ પહોંચી ત્યાં ભોજન લેશે.

યાત્રાના રૂટમાં આવતા ગામોમાં મીટિંગની તૈયારીઓની તસવીરો (તસવીરો - કાંતિલાલ પરમાર, ઈંદુબહેન રોહિત)


ત્યાંથી યાત્રા આગળ વધીને મહેમદાવાદ-ખાત્રજ ચોકડીથી અમદાવાદ સીટી, હીરાપુર ચોકડી થઈને 3.00 વાગ્યા આસપાસ લાલગેબી ચોકડી હાથીજણ સર્કલ થઈને રામોલ રિંગ રોડ, ઓઢવ પહોંચશે, જ્યાં પામ હોટલ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી 3.40 વાગ્યે સધીમા ચોકડી નવા નરોડા અને ત્યાંથી 4.00 વાગ્યે સુતરના કારખાને પહોંચશે. આ બંને જગ્યાએ યાત્રાનું સ્વાગત થશે. અહીંથી યાત્રા આગળ વધીને નરોડાથી નાના ચિલોડા, કોબા સર્કલ, ચ રોડ થઈને વિધાનસભા સામે આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચશે. અહીં 5.00 વાગ્યા આસપાસ બંધારણના ઘડવૈયાની પ્રતિમાને ફૂલહાર કરીને યાત્રા બિલેશ્વરપુરા પહોંચશે, અહીં સાંજના 6.00 વાગ્યે એક જાહેર સભા યોજાશે, જેમાં ભારતને 14મી એપ્રિલ 2024 સુધી આભડછેટ મુક્ત રાષ્ટ્ર જાહેર કરવાની અપીલ કરવામાં આવશે.


યાત્રાના આયોજકો પૈકીના એક સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે આપેલી વિગતો પ્રમાણે, 2 માર્ચ 1930ના દિવસે ડૉ. આંબેડકરના માર્ગદર્શન હેઠળ કાલારામ મંદિરમાં 15,000 દલિતોનો પ્રવેશ રોકવા અંગ્રેજ સરકારે કલમ 144 લાદી હતી. 2024માં કલમ 144 ન હોવા છતાં હિન્દુધર્મી દલિતો મંદિરમાં પ્રવેશ કરી શકતા નથી. અન્ય ધર્મોમાં પણ નાત-જાતના ભેદભાવ અકબંધ છે. ડો.આંબેડકરે ઘડેલા ભારતીય બંધારણે તમામ ભારતીય નાગરિકોને સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ગેરંટી આપી હતી. આ ગેરંટી જાળવી રાખવાની બંધારણીય ફરજ સરકારની હોવા છતાં સરકાર તેની ચર્ચા પણ કરતી નથી. કોઈ એક ધર્મના આધારે રાષ્ટ્ર બનાવવાની વાત સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના પાયા પર ઘડાયેલ ભારતના બંધારણને ખતમ કરવાનું કાવતરું છે.


શીખ ધર્મના સ્થાપક ગુરુદેવ નાનક દેવે કહેલું કે, પહેલા પંગત પછી સંગત. 22 જાન્યુઆરીએ મોડેલ રાજ્ય ગુજરાતના ગામોમાં સામુહિક ભોજનના કાર્યક્રમમાં દલિતો માટે ભોજનની અલગ વ્યવસ્થા થઈ. આ કાર્યક્રમમાં સામૂહિક ભોજન માટે રૂપિયા 50,000 દાન આપનાર દલિત ભાઈને પણ છેટો બેસાડી જમાડ્યો હતો. પૂજા બાદ પ્રસાદ પહેલા બાળકોને આપવાની ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ, અલગ ભોજન વ્યવસ્થાથી દલિત-બિનદલિત બાળકોને શીખવવામાં આવ્યું કે તમે સમાન નથી. બાળકોને અપાતા આવા શિક્ષણથી ભારત ખંડિત રાષ્ટ્ર બને કે અખંડિત? શું સરકાર ‘આભડછેટ’ ટકાવી રાખવાની ગેરંટી આપવા માંગે છે? દલિતોને પોતાનું અપમાન પસંદ નથી. એમને ધર્મ કરતા બંધારણ વધુ વહાલું છે.

આ પણ વાંચોઃ દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.