શું ગાંધીજીના આગમન પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?
- પ્રો. અરૂણ વાઘેલા
ગુજરાતમાં અનેક દલિત જાતિઓ અને અંદાજે સાડા સાત ટકા દલિતો, જે ગુજરાતની કુલ વસતિના ૪૫ લાખ જેટલી થાય છે, છતાં રાષ્ટ્રનો સ્વતંત્રતા આંદોલન અને ગુજરાતના દલિત નેતાઓ જેવાં મહત્વપૂર્ણ સંશોધન ક્ષેત્રો લગભગ વણખેડાયેલાં રહ્યાં છે. પ્રસ્તુત લેખમાં આવી એક ખાલી જગ્યા પુરવાનો પ્રયત્ન છે. લેખનો પ્રધાન હેતુ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં દલિતોની ભૂમિકા સ્પષ્ટ કરવાનો તો છે જ, સાથે દલિત ઈતિહાસને દલિત દ્રષ્ટિકોણથી તપાસવાનો ઉપક્રમ પણ છે.
ભારતીય ઈતિહાસ સદીઓ પુરાણો છે અને તે ભારતીયોનો સહિયારો ઈતિહાસ છે. પ્રાચીન કાળથી અસ્તિત્વ ધરાવતા શુદ્રોમાંની કેટલીક જ્ઞાતિઓ કાળક્રમે દલિતની સંજ્ઞામાં મુકાઈ હતી. તેમના ઈતિહાસ નિર્માણનો સૌથી પહેલો પુરાવો વૈદિક સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. અંદાજે ઈ.સ પૂર્વે ૧૪૦૦ની આસપાસ થયેલા દશરાજ્ઞ(દશ રાજાઓ) યુદ્ધમાં મળે છે. જેમાં સુદાસ નામના શુદ્ર રાજાએ યુદ્ધનું નેતૃત્વ કર્યું હોવાનું પ્રમાણ મળે છે. (see for Detail : B.R.Ambedakar, who were Shudras) સમયના અંતરાલ પર ભારતીય દલિતોએ ઇતિહાસના નિર્માણમાં વૈવિધ્યસભર ભૂમિકા ભજવી હતી. જેમાં રાજકીય ઘટનાઓની સાથે સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં પણ તેમની ભૂમિકા રહી હતી.
ભારતના પશ્રિમ કાંઠે સ્થિત ગુજરાત દલિત વસતિના સંદર્ભે મહત્વપૂર્ણ રાજ્ય છે. મધ્યકાળથી ગુજરાતમાં સંતો અને ભક્તોની ભવ્ય અને ગૌરવશાળી પરંપરા રહી છે. એટલે જ ‘વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે’ ના સર્જક આદિકવિ નરસિંહ મહેતા જુનાગઢના હરિજનવાસમાં ભજન ગાવા જતાં હતાં. તે પછી પણ દાસી જીવણ, ખીમ સાહેબ જેવા અનેક દલિત સંતોએ ગુજરાતી સાંસ્કૃતિક પરંપરાને નવી ઊંચાઈ આપી હતી, જેમનો ગાઢ પ્રભાવ આજે પણ ગુજરાતી સાહિત્ય પરંપરામાં જળવાઈ રહ્યો છે. વાસ્તવમાં આ સંતો ગુજરાતનાં સાંસ્કૃતિક ઇતિહાસનું અમુલ્ય ઘરેણું છે.
19મી સદીમાં દલિતોની સ્થિતિ
૧૯મા સૈકામાં ભારતમાં અંગ્રેજી શાસન સ્થપાયું હતું. બ્રિટીશ શાસન ભારતમાં સદીઓથી થયેલા શાસન કરતાં તદ્દન નવતર અને તેથી ભારતીય સમાજજીવનને ધરમૂળથી બદલનારું હતું. બ્રિટીશ શાસનમાં વાહન અને સંદેશા વ્યવહાર, છાપકામના સાધનો અને શિક્ષણ વગેરેનો વ્યાપક વિકાસ થયો હોવા છતાં દલિતોની સામાજિક સ્થિતિમાં વિશેષ તબદીલી આવી ન હતી. જેની જીકર બાબાસાહેબ આંબેડકરે પણ તેમના લખાણોમાં કરી છે. ગુજરાતના દલિતો અને ૧૯મા સૈકામાં તેમની સ્થિતિ બાબતે ઘણા ઈતિહાસકારોએ તેમની કલમ દ્રારા તેમની દારુણ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે.
૧૯મા સૈકામાં દલિતો અપમાનજનક સ્થિતિમાં જીવતા હતા. અસ્પૃશ્યતા, સમાજના ઉચ્ચ વર્ગો સાથે મર્યાદિત સામાજિક વિનિમય વગેરે દલિતો ભોગવતા હતાં. તેનો પુરાવો સુરતમાં મળે છે: ૧૮ ફેબ્રુઆરી ૧૮૪૩ના રોજ સુરતમાં એક વાલ્મિકી સમાજના વ્યક્તિ એ ત્યાંના પ્રસિદ્ધ સમાજ સુધારક શ્રી દુર્ગારામ મહેતાજીને ટોણો માર્યો હતો કે તમે મુસલમાનોને અડકો છો તો અમને કેમ નહિ? આ સમયે દલિતોનો શાળા પ્રવેશ તો નિષેધ હતો જ પણ અકસ્માતે કોઈ દલિતને શાળામાં પ્રવેશ અપાય તો બીજી જ્ઞાતિના વિદ્યાર્થીઓ શાળા છોડી જતાં. એક સંસ્થાએ અમદાવાદના હીરાબાગમાં પ્રીતિભોજન યોજેલું તેમાં ગયેલાઓએ જ્ઞાતિ બંધનના કારણે શરમ અનુભવવી પડેલી કે માફી માંગવી પડી હતી દલીતો સાથે વ્યવહાર રાખનાર સુધારક વૃતિના ભદ્રવર્ગીય નેતાઓનો પણ બહિષ્કાર થતો.
૧૯મા સૈકા પૂર્વેનો દલિત ઈતિહાસ સામાજિક અવમાનનાની સાથે સામાજિક પરિવર્તનનો પણ સમય હતો. તે સાથે કેટલાક અગ્રગણ્ય સુધારકોએ અસ્પૃશ્યતા જેવાં મુદ્દાઓને હાથમાં લઇ તેની ચર્ચા શરુ કરી હતી. ઉદા. તરીકે સુરતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાએ દલિતો સાથે માનવીય વ્યવહાર કરવા માટેની ચર્ચા શરુ કરી હતી. એજ રીતે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના વ્યાપક પ્રયત્નો અસ્પૃશ્યતા નિવારણ અને દલિત ઉત્કર્ષના રહ્યાં હતાં. દલિતો માટે શાળાઓ શરૂ કરવી અને તેનાં માટે માળખાકીય સુવિદ્યાઓ ઉભી કરવાની પહેલ મહારાજા સયાજીરાવ ગાયકવાડની રહી હતી. બાબાસાહેબ આંબેડકરને વિદેશ પ્રવાસ માટે વડોદરા રાજયએ કરેલી આર્થિક મદદનો ઈતિહાસ તો સુવિદિત છે જ. સયાજીરાવે ઈ.સ ૧૮૮૩ના વર્ષે દલિતો માટે શાળાઓ શરૂ કરવાના પ્રયત્નો કર્યા હતાં પરંતુ દલિત બાળકોને ભણાવવા માટે શિક્ષકો તૈયાર થતાં ન હતાં, તેનાં ઉપાય તરીકે મહારાજા સયાજીરાવ ગાયકવાડે પંજાબના અમૃતસરથી આર્યસમાજી આત્મારામ અમૃતસરીને વડોદરા તેડાવ્યાં અને દલિત શિક્ષણનું ભગીરથ કાર્ય શરુ થયું હતું. દલિત શિક્ષણની સાથે દલિત નેતાઓને વડોદરા રાજ્યની ધારાસભામાં નિયુક્ત કરી કલ્યાણ રાજ્યનો ઉત્તમ નમુનો પ્રસ્તુત કર્યો હતો. સયાજીરાવ પર આર્યસમાજનો ઊંડો પ્રભાવ હતો. તેમના માર્ગદર્શનમાં નાગજીભાઈ આર્ય અને ગોવિંદજી જેવાં દલિત આર્યસમાજીઓએ દલિત પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતો. આ પૃષ્ઠભૂમિ પર વડોદરા રાજ્યના દલિતો શિક્ષણ અને સામાજિક ક્ષેત્રમાં સમગ્ર ગુજરાતમાં સર્વોપરી રહ્યાં હતાં.
1857નો બળવો અને બહુજનોની ભાગીદારી
સન 1857નો સંગ્રામ ભારતીય ઇતિહાસની મહાનતમ ઘટનાઓ પૈકીની એક છે. આ સંગ્રામમાં શહેરો અને ગામડાઓથી લઇ દલિત, આદિવાસીઓએ પણ તેમનું યોગદાન આપ્યું હતું. ઝાંસીમાં રાણી લક્ષ્મીબાઈના સહાયક રહેલા ઝલકારીબાઈ તો આજે ભારતભરમાં પ્રસિદ્ધ થઇ રહ્યાં છે. તો સત્તાવનના સંગ્રામના પ્રથમ શહીદ મંગલ પાંડેના પ્રેરક તરીકે માતાદીન નામના વાલ્મિકી યુવાનની ભૂમિકાને પણ ઈતિહાસકારો સ્વીકારતા થયા છે. ૧૮૫૭ના સંગ્રામમાં આખા દેશમાં રોટી અને કમળના સંદેશ દ્રારા સમગ્ર દેશને ક્રાંતિના માર્ગે આંદોલિત કરવાનો હતો. તેમાં સંદેશાવાહક તરીકે વાલ્મિકીઓએ જવાબદારી વહન કરી હતી. તેઓ સંગ્રામના પ્રતિક એવાં રોટી અને કમળને ગામેગામ પહોંચાડી સંગ્રામનો વ્યાપ વધાર્યો હતો. કમનસીબે આવ મદદગાર દલિતોના નામો આજે પણ ઉપલબ્ધ નથી.
શું ગાંધી આવ્યા પહેલા ગુજરાતના દલિતો નિર્લેપ અવસ્થામાં હતા?
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મહાત્મા ગાંધીના ભારત આવ્યા પહેલા ગુજરાતના દલિતો ઈતિહાસ નિર્માણના સંદર્ભમાં નિર્લેપ અવસ્થામાં હતા પરંતુ તે સત્ય નથી. કેટલાક દાખલાઓ જોઈએ: મહાત્મા ગાંધી પૂર્વે પણ અમદાવાદના દલિતોએ તેમનો બળવાખોર મિજાજ દાખવ્યો હતો. સને ૧૮૯૫માં અમદાવાદના મિલ મજુરોએ હડતાલ પાડી હતી તેમાં દલિત મજૂરોનો પણ સિંહ ફાળો હતો. જ રીતે ૧૪ સપ્ટેમ્બર ૧૯૧૧ના રોજ સ્થાનિક વાલ્મીકીઓએ અમદાવાદ મ્યુનિસિપલના સફાઈ કામદારોએ ઐતિહાસિક હડતાલ પાડી હતી. તેમના નેતાઓને ઝંઝીરથી જકડી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા અને એક માસની સખ્ત મજુરી સાથેની સજા કરી હતી ૧૯૧૭ માં અમદાવાદમાં મિલમજૂર આંદોલનમાં ગાંધીજીનો પ્રવેશ થયો એ પહેલા અમદાવાદમાં સ્થાનિક દલિત નેતૃત્વ તૈયાર જ હતું. તેમના સહારે જ ગાંધીવાદીઓ મજુર આંદોલનને વેગ આપી શક્યા હતા.
સ્વતંત્રતા આંદોલનના સંદર્ભમાં ગુજરાતના સદર્ભમાં ૧૯૧૭નું વર્ષ ઘણું મહત્વનું છે. આ વર્ષે પંચમહાલ જીલ્લાના પાટનગર ગોધરામાં રાજકીય પરિષદના ભાગરૂપે ૩ નવેમ્બર ૧૯૧૭ના રોજ અત્યંજ પરિષદ મળી હતી દલિત વસતિમાં યોજાયેલી પ્રસ્તુત પરિષદે ગુજરાતમાં અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રમાં સીમા સ્તંભ રચ્યો હતો. પરિષદ પછી મહારાષ્ટ્રના ચિત્તપવન બ્રાહ્મણ મામાસાહેબ ફડકેએ દલિત બાળકોને ભણાવવા માટે ગોધરામાં શાળા શરુ કરી હતી. આ શાળાની નિશ્રામાં સેંકડો બાળકો ભણી રાષ્ટ્રવાદી માનસ ધરાવતા થયાં હતાં. તેમાંના કેટલાક તો સ્વતંત્રતા આંદોલન અને ગાંધીવાદી રચનાત્મક પ્રવુતિઓમાં ભાગ લઇ જેલવાસ પણ ભોગવ્યો હતો. ઉદા. તરીકે મહેન્દ્રભાઈ ચૌહાણ નામના વાલ્મિકી સમાજના યુવાને ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઇ જેલવાસ ભોગવ્યો હતો.
અમદાવાદના મજૂર આંદોલનમાં દલિત મજૂરોનું યોગદાન સર્વોપરી હતું
૧૯૧૭ના વર્ષે જ અમદાવાદમાં મજુરોએ વેતન વધારાના ઉદ્દેશ્યથી હડતાલ પાડી હતી. જેને ગાંધીજીએ પણ સમર્થન આપ્યું હતું. સ્થાનિક નેતૃત્વ અને મજુરોના અભૂતપૂર્વ સહકારથી હડતાલ આંદોલનમાં તબદીલ થઇ હતી. ગાંધીજી, અનસુયાબેન સારાભાઇ, શંકરલાલ બેન્કર અને કેશવજી વાઘેલા જેવાં નેતાઓના સાનિધ્યમાં લાંબો સમય હડતાલ ચાલી હતી તેમાં અમદાવાદના મજૂરોનો વિજય થયો હતો, કારણકે મિલમાલિકોને વેતન વધારવાની ફરજ પડી હતી. અમદાવાદની મિલ મજુર ચળવળમાં અમદાવાદના દલિત મજુરોનું યોગદાન સર્વોપરી હતું. ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલન દરમિયાન આંદોલનની તરફેણમાં મજુરો એ ત્રણ મહિનાની લાંબી હડતાલ પાડી હતી. જે મજુર પ્રવૃત્તિના ક્ષેત્રે કીર્તિમાન હતો.
૧૯૨૦થી ૧૯૪૮નો ગાળો ભારતના ઇતિહાસમાં ગાંધી યુગ તરીકે ઓળખાય છે. તે દરમિયાન દલિત નેતૃત્વ અને દલિતોની સ્વતંત્રતા આંદોલનમાં સહભાગીદારીના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. આ ગાળા દરમિયાન અસહકાર આંદોલન, સવિનય કાનુન ભંગ અને હિન્દ છોડો આંદોલન જેવાં મોટા આંદોલનો થયા હતાં. અસહકાર આંદોલન પહેલાં ગુજરાતમાં થયેલી પ્રવુતિઓથી મોટા આંદોલનોની ભૂમિકા ઉભી થઇ હતી.
સ્વરાજ આંદોલનમાં ગુજરાતના દલિતોની ભાગીદારી
ગુજરાતમાં કેટલાક દલિત નેતાઓ ગાંધીયુગના પ્રારંભથી જ રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય હતાં. દા.ત પ્રાંતિજના પુરુષોત્તમ જેઠાલાલ સોલંકી. અસહકાર અને સવિનય કાનુન ભંગમાં તો ભાગ તો લીધો જ સાથે ૧૯૪૨ના હિન્દ છોડો આંદોલનમાં વધુ ઉગ્રતાથી ભાગ લીધો હતો. તેમને આંદોલનમાં ભૂગર્ભ પ્રવૃત્તિઓ પણ કરી હતી( સંજય પ્રસાદ: પૃષ્ઠ,૧૨૪-૧૨૫), ગુજરાતના દલિતોની સવિનય કાનુન ભંગ આંદોલન પછી દલિતોની સ્વતંત્રતા સંગ્રામમાં ભાગીદારી વધી હતી. ગુજરાતના દલિત સ્વતંત્રતા સૈનિકોમાં ગુરુજીના નામે પ્રસિદ્ધ થયેલાં મૂળદાસ વૈશ્ય સમતાવાદી અને સમરસતાના પ્રતિક હતાં. ગુજરાતની સમન્વયવાદી પ્રવૃત્તિઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. ઉદા. તરીકે ૧૯૨૦માં અમદાવાદમાં મળેલી ચોથી અંત્યજ પરીષદમાં તેમણે કહ્યું હતું કે, “દેશમાં અમે(દલિતો)પાંચમાં ભાગની વસતિ ધરાવીએ છીએ, સવર્ણ હિંદુઓ અમને દૂર રાખશે તો અમે દેશ માટે ઉપયોગી થઇ શકીશું નહિ. જેમ દૂધમાં પાણી સમાઈ જાય છે તેમ અમને તમારામાં સમાવી લો” દલિતોના ધર્મ પરિવર્તનનો પણ તેઓએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. મૂળદાસ વૈશ્યએ આઝાદી આંદોલન દરમિયાન હિન્દ છોડો આંદોલન અને દલિતોના મંદિર પ્રવેશ સત્યાગ્રહ કે મોટર સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. સમયાંતરે ગુજરાત અને મૂળ ગુજરાતના પણ મુંબઈમાં નિવાસ કરતાં અંદાજે ૮૪ જેટલાં દલિત સ્ત્રી-પુરુષોએ સ્વરાજ્ય યજ્ઞમાં ભાગ લીધો હતો. જેમાં રામજીભાઈ બઢિયા, જયંતિભાઈ ગોહિલ, ગોવિંદભાઈ શિણોલ, શ્યામજી નાનજી મારવાડી, લાલજીભાઈ પરમાર, લાલજીભાઈ કાળીદાસ પરમાર, છગનલાલ જાદવ, નાગજીભાઈ આર્ય, લક્ષ્મીબેન મારુતીદાસ, જેઠીબેન વણકર, નિર્મળાબેન દુધાભાઈ સોલંકી વગેરેનો સમાવેશ થાય છે. ટૂંકમાં સ્વરાજ્ય આવ્યું ત્યાં સુધી દલિતોની આઝાદીના યજ્ઞમાં ભાગીદારી વધતી રહી હતી.
આગળ વાંચોઃ ભારતીય બંધારણઃ જાણો, માણો, સમજો અને સમજાવો
ગાંધીજીએ સુરાજ્યના સ્વપ્ન સાથે અમદાવાદમાં આશ્રમની સ્થાપના કરી હતી. તેનું નામ તેમણે હરીજન આશ્રમ આપ્યું હતું. ગુજરાતભરમાં આશ્રમો સ્થાપી દલિતો માટે શાળાઓ ચરખા કેન્દ્રો સાથે મામાસાહેબ ફડકે, અમૃતલાલ ઠક્કર ઉર્ફે ઠક્કરબાપા, પરીક્ષિતલાલ મજુમદાર, ઇન્દુલાલ યાજ્ઞિક જેવાં અનેક રચનાત્મક કાર્યકરોની નિશ્રામાં આખા ગુજરાતમાં દલિત ઉત્કર્ષની પ્રવુતિઓનો વ્યાપ વધ્યો અને સેંકડોની સંખ્યામાં દલિત કાર્યકરો તૈયાર થયાં હતાં. જેમાં કેશવજી વાઘેલા, પુરુષોત્તમ સોલંક, મૂળદાસ વૈશ્ય, છબીલદાસ ગુર્જર, નાગરદાસ શ્રીમાળી જેવા દલિત કાર્યકરો મુખ્ય હતાં. ગાંધીવાદી દલિત કર્મશીલોએ મહાત્મા ગાંધીના વિચારોના પાયા પર અત્યંજ પરિષદો, દલિતોના સામાજિક મેળાવડાઓ વગેરેના આયોજન દ્રારા અસ્પુશ્યતા નિવારણ અને દલિત ઉદ્ધારના ક્ષેત્રે ભગીરથ કામ કર્યું હતું. આઝાદી બાદ પણ દલિત સમાજનું નેતૃત્વ ગાંધીવાદી દલિત નેતાઓએ જ ઉપાડયું હતું.
ગાંધીવિચાર સામે બાથ ભીડી આંબેડકરી વિચારનો ગુજરાતમાં પ્રવેશ
બાબાસાહેબ આંબેડકર આધુનિક ભારતના ઇતિહાસનું વિરાટ વ્યકિતત્વ છે. ૨૦મા સૈકાના બીજા દાયકાથી તેઓ રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી રહ્યાં હતાં. દલિતોના માનવીય હક્કો માટેની તેઓની પ્રવૃત્તિઓ મહારાષ્ટ્રના સીમાડા ભેદી ગુજરાતને પણ સ્પર્શી હતી. તેનું મૂળ કારણ ગુજરાતથી મુંબઈમાં સ્થળાંતરિત થયેલાં ગુજરાતી દલિતોનો સહવાસ હતો. મુંબઈના ગુજરાતી દલિતો મુંબઈમાં રહેતા હોવાથી તેઓ આંબેડકરી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા અને ટૂંક જ સમયમાં આંબેડકરી વિચારો ગુજરાત પહોંચ્યા હતાં. તેમાં ડોકટર પુરુષોત્તમ ગોવિંદજી સોલંકી, છત્રસિંહ લાલજી ઊંટેકર, છબીલદાસ સુખાભાઈ માસેકર, ગોવિંદજી ટાભાભાઈ પરમાર, ઝીણાભાઈ મુળજીભાઈ રાઠોડ, નાનજી મારવાડી ગુજરાતમાં આંબેડકરી વિચારોનો ફેલાવો કરનારા પ્રારંભિક ગુજરાતી દલિતો હતા.(જ્યોતિકર, પૃષ્ઠ ૧૩૦-૩૨) તેઓએ ગુજરાતમાં શાળાઓ, છાત્રાલયો, દલિત મંડળો,ગ્રંથાલયો, જાતિના મુદ્દે દલિતો સાથે અન્યાય જેવાં મુદ્દાઓ ઉપાડી ગુજરાતમાં આંબેડકરી વિચારને ધબકતો કર્યો હતો. આંબેડકરી વિચારપ્રવાહમાં સમયાંતરે સેંકડો દલિત યુવાનો સંકળાયા હતાં. છતાં એક વાત ખાસ ઉલ્લેખનીય છે કે ગુજરાતના દલિતો પર ૧૯૮૧-૮૫ના અનામત વિરોધી રમખાણો* સુધી બાબાસાહેબ આંબેડકર કરતાં મહાત્મા ગાંધીનો પ્રભાવ વિશેષ હતો. આઝાદી પૂર્વે ગાંધીવાદી દલિતો અને આંબેડકરવાદી દલિતો વચ્ચે વૈચારિક ટક્કર પણ જોવા મળતી હતી. એનું ઉદાહરણ બાબાસાહેબની અમદાવાદ મુલાકાત દરમિયાન જોવા મળે છે. કોંગ્રેસી દલિતોએ કાલુપુર રેલ્વે સ્ટેશને કાળા વાવટા દેખાડી ડો. આંબેડકરનો વિરોધ કર્યો હતો. છતાં સમય સાથે બાથ ભીડી આંબેડકરી વિચાર ગુજરાતમાં ગુંજતો થયો હતો.
પ્રસ્તુત લેખમાં આપણે ગુજરાતના દલિતોનો રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ભાગીદારીનો ઈતિહાસ જોયો. સન સત્તાવનના સંગ્રામથી લઇ આઝાદી આવી ત્યાં સુધી ગુજરાતના દલિતો વિવિધ વિચારધારાઓના પ્રભાવમાં સ્વતંત્રતા સંગ્રામમાં વૈવિધ્યસભર ભૂમિકા અદા કરતાં જણાય છે. રાષ્ટ્રના આઝાદીના જંગમાં ગુજરાતના દલિતોનું માતબર યોગદાન હોવા છતાં ગુજરાતના દલિતોનો ઈતિહાસ અવગણાયેલો છે. તેમના ઈતિહાસને દલિતોના દ્રષ્ટિકોણથી છાનબીન કરવાના પ્રયાસો ચાલુ છે. આપણે આશા રાખીએ કે ગુજરાતના દલિતોના રાષ્ટ્રના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં યોગદાનને લગતો સર્વાંગી અને પ્રમાણભૂત ઈતિહાસ જલ્દી ઉપલબ્ધ થાય.
(લેખક ગુજરાત યુનિ.ના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ અને દલિત-આદિવાસી સમાજના ઈતિહાસના તલસ્પર્શી અભ્યાસુ છે)
સંદર્ભ ગ્રંથો
૧. મહેતા મકરંદ, હિંદુ વર્ણ વ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો, અમદાવાદ, ૧૯૯૩
૨. જ્યોતિકર પી.જી. - ગુજરાતમાં આંબેડકરી ચળવળનો ઈતિહાસ, ગાંધીનગર, ૧૯૯૧
૩. ઓઝા ઈશ્વરલાલ, તથાત્વ, વિસનગર, ૨૦૦૮
૪. પ્રસાદ સંજય અને અન્ય, ગુજરાતની અનુસૂચિત જાતિની ચળવળોનો ઈતિહાસ, અમદાવાદ, ૨૦૧૯
૫ પંડયા કમળાશંકર, વેરાન જીવન(આત્મકથા), વડોદરા, ૧૯૭૪
૬ યાજ્ઞિક ઇન્દુલાલ, આત્મકથા, ભાગ ૨-૩, અમદાવાદ
૭ બેન્કર શંકરલાલ, ગાંધીજી અને મજુર પ્રવૃત્તિ, અમદાવાદ, ૧૯૬૫
૮ વાઘેલા અરુણ, ઈતિહાસ દર્પણ(લેખ સંગ્રહ), અમદાવાદ, ૨૦૦૬
૯ શાહ કાન્તિલાલ, ઠકકરબાપા, દિલ્હી, ૧૯૫૫
૧૦ Patel Sujata, The Making of Industrial relation : Ahmadabad Textile industries 1918-38, Delhi, 1988
નોંધઃ અત્રે ‘અનામત વિરોધી પ્રવૃત્તિઓ’ને ‘આંદોલન’ નહિ પણ ‘રમખાણ’ કહેવાનું પસંદ કર્યું છે. કારણકે આંદોલન કોઈપણ સ્થાપિત સત્તાના કોઈ કાર્યોના વિરોધમાંથી પેદા થાય છે, એ રીતે અનામતનો વિરોધ આંદોલન બનતો નથી પણ આંદોલન શબ્દ પોતાનું મહત્વ ગુમાવી દે છે.