ભાજપ અને RSS વચ્ચેના મતભેદો તીવ્ર બન્યા હોવાનાં એંધાણ

ભાજપ અને આરએસએસ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. લોકસભાની ચૂંટણીમાં પક્ષ પ્રમુખ જે.પી.નડ્ડાના નિવેદન બાદ બંને વચ્ચેના મતભેદો તીવ્ર બન્યાં હોવાના એંધાણ છે.

ભાજપ અને RSS વચ્ચેના મતભેદો તીવ્ર બન્યા હોવાનાં એંધાણ
image credit - Google images

લોકસભાની ચૂંટણી ભાજપે ફરી એકવાર નરેન્દ્ર મોદીના નામ પર લડી હતી. પક્ષને આશા હતી કે, રામમંદિરના નિર્માણ અને હિંદુત્વ તેને ફરી એકવાર સ્પષ્ટ બહુમતી અપાવશે. એટલે જ તેણે અબ કી બાર 400 પારનો નારો આપ્યો હતો. પણ પરિણામો આવ્યા ત્યારે ભાજપની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યું હતું અને તે આપબળે બહુમતી મેળવવાથી પણ દૂર રહ્યો હતો. એ પછી પક્ષમાંથી બળવાના સૂર ઉઠવા શરૂ થઈ ગયા હતા, જે હજુ પણ ચાલું છે. અરવિંદ કેજરીવાલ જેવા નેતાએ તો પહેલા જ કહી દીધું હતું કે, ચૂંટણી બાદ ભાજપ યુપીમાંથી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીપદેથી દૂર કરી દેશે. જે હાલની હુંસાતુંસી જોતા મહદઅંશે સાચું લાગી રહ્યું છે. એ પછી ભાજપ અને સંઘ વચ્ચેના સંબંધો સતત તણાવભર્યા રહ્યાં છે.

હાલમાં જ ઉત્તરપ્રદેશમાં ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચેની સમન્વય બેઠક છેલ્લી ઘડીએ રદ કરાતાં ભાજપ અને સંઘ વચ્ચેના મતભેદો તીવ્ર બન્યા હોવાનાં એંધાણ છે. સૂત્રોનું કહેવું છે કે, નરેન્દ્ર મોદીએ સંઘને ભાજપની આંતરિક બાબતોથી દૂર રહેવાનું કહી દેતાં સંઘના સહસરકાર્યવાહ અરૂણ કુમાર સાથેની ઉત્તર પ્રદેશના ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક સ્થગિત રખાઈ છે. સંઘની મધ્યસ્થીથી ભાજપનો ઝઘડો શાંત પડે તેના કારણે ભાજપ સંઘના ઈશારે ચાલે છે અને ભાજપના નેતા સંઘની કઠપૂતળી છે એવી છાપ ના પડે એટલે મોદીએ સંઘને દૂર રહેવા કહી દીધું હોવાનું કહેવાય છે.

આ પણ વાંચોઃ અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...

સૂત્રોના મતે, સંઘ અત્યારે નરેન્દ્ર મોદી અને તેમની નજીકના નેતાઓના બદલે યોગી આદિત્યનાથની તરફેણમાં ઢળેલો હોવાથી આ બેઠકના કારણે યોગી વધારે મજબૂત બનશે એવો ડર લાગતાં બેઠક જ રદ કરી દેવાઈ છે.

યુપીમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહુ વધી જતાં સંઘે દખલગીરી કરવી પડી છે એવો મેસેજ ના જાય એ પણ એક કારણ છે. આ બેઠક હવે ફરી ક્યારે મળશે એ સ્પષ્ટ નથી. લખનઉમાં ૨૦ અને ૨૧ જુલાઈ એટલે કે શનિવારે અને રવિવારે એમ બે દિવસ માટે મળનારી બેઠકમાં યુપીના સંઘના ટોચના નેતાઓ ઉપરાંત ભાજપ તરફથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રીઓ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક, યુપી ભાજપ પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને સંગઠન મહામંત્રી ધર્મપાલ હાજર રહેવાના હતા. 

યોગી આદિત્યનાથે આ બેઠકને કારણે શનિવાર અને રવિવાર એમ બે દિવસના તેમના તમામ સરકારી કાર્યક્રમો પણ રદ કરી દીધા હતા. ભાજપ અને સંઘ વચ્ચે સંકલનની જવાબદારી સંભાળતા અરૂણ કુમાર શુક્રવારે સાંજે લખનઉ પહોંચવાના હતા પણ અરૂણ કુમાર લખનઉ પહોંચ્યા નહોતા. તેના બદલે જાહેરાત કરાઈ કે આ બેઠક સ્થગિત રખાઈ છે. 

આ પણ વાંચોઃ ભાજપના નેતાઓ મોદીની ભક્તિમાં રત રહ્યાં તેનું આ પરિણામ છેઃ આરએસએસ

આ બેઠકમાં ભાજપ અને સંઘના નેતા લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપને મળેલી કારમી હારના કારણોની ચર્ચા કરવાના હતા. આ ઉપરાંત ભવિષ્યમાં ભાજપ અને સંઘ વચ્ચે કઈ રીતે વધારે સારી રીતે સંકલન થઈ શકે તેની વ્યૂહરચના પણ ઘડાવાની હતી. યુપીમાં વિધાનસભાની ૧૦ બેઠકોની પેટાચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. પેટાચૂંટણીમાં સંઘ ભાજપને પૂરી તાકાતથી મદદ કરે એ માટે સ્વયંસેવકોની ફરિયાદોનો મુદ્દો પણ એજન્ડામાં હોવાનું કહેવાતું હતું.

સંઘના સહ સરકાર્યવાહ અરૂણ કુમારની ભાજપના નેતાઓની બેઠક રદ કરાવીને મોદીએ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાના વલણને સમર્થન આપી દીધું છે અને નડ્ડાના નિવેદન પાછળ કોણ હતું એ પણ સ્પષ્ટ કરી દીધું છે. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન નડ્ડાએ કહેલું કે, ભાજપને હવે સંઘની મદદની જરૂર નથી. ભાજપ એટલો મોટો થઈ ગયો છે કે પોતાની બાબતોને જાતે જ હેન્ડલ કરી શકે છે. વાજપેયીજીના સમયમાં ભાજ૫ નબળો હતો તેથી સંઘની મદદની જરૂર પડી હશે પણ હવે અમે પોતે સક્ષમ છીએ. નડ્ડાના નિવેદનથી નારાજ સંઘના સ્વયંસેવકો ચૂંટણી પ્રચારમાં ભાજપને મદદ કરવાથી દૂર રહ્યાનું મનાય છે. અને એટલે જ સંઘ અને ભાજપના મતભેદો તીવ્ર બન્યાનું કહેવાય છે.

આગળ વાંચોઃ મધ્યપ્રદેશના રોજગારમંત્રી નકલી એસસી સર્ટિફિકેટ પર ચૂંટણી જીતીને મંત્રી બની ગયા?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.