મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં

મણિપુર આજકાલ સમાચારોમાંથી ગાયબ હોવાથી જનસામાન્ય એવું માની લે છે કે ત્યાં શાંતિ સ્થાપિત થઈ ચૂકી છે, પણ હિંસા હજુ જારી છે. એ સ્થિતિમાં સિનિયર પત્રકાર ચંદુ મહેરિયા અહીં એક અભિનેત્રી અને ફૂટબોલની રમતે કેવી રીતે આ રાજ્યની અશાંતિને ઠારવા પ્રયત્ન કર્યા તેની વિસ્તારથી વાત કરે છે.

મણિપુર હિંસા, સોમા લૈશરામ, અને ફૂટબોલ: આઓ લકીરેં મિટાયેં

ચંદુ મહેરિયા

છ-આઠ મહિનાથી મણિપુર અશાંત છે, સંકટગ્રસ્ત છે. અટકી અટકીને પણ હિંસાના બનાવો ચાલુ રહે છે. તેનું તાત્કાલિક કારણ તો મણિપુરના એક બળુકા બિનઆદિવાસી જ્ઞાતિ સમુદાય મૈતેઈને રાજ્ય સરકારે આપેલ અનુસૂચિત જનજાતિના દરજ્જાને વડી અદાલતની મહોર છે. રાજ્યના આદિજાતિ કુકી સમુદાયનો મૈતેઈને એસ.ટી. ગણવા સામે વિરોધ છે.  આ વિરોધ શાંત અને અહિંસક ન રહેતાં હિંસક બન્યો તે પછી બંને સમુદાયો વચ્ચે મોટાપાયે હિંસા થઈ છે. લગભગ પોણા બસો લોકોના મોત થયાં છે, બળાત્કારો થયાં, આખીને આખી વસ્તીઓ સળગાવી દેવામાં આવી, પોલીસના શસ્ત્રોની મોટાપાયે લૂંટ થઈ. હજારો લોકો વિસ્થાપિત થયા છે અને રાહત છાવણીઓમાં છે. મૈતેઈ અને કુકી વચ્ચેનો હાલનો વિવાદ વિભાજક  બની ગયો છે. મૈતેઈ મોટેભાગે ઈમ્ફાલ ઘાટીના મેદાની પ્રદેશમાં વસે છે જ્યારે કુકી પહાડી વિસ્તારોમાં વસે છે. અગાઉ પણ એમની વચ્ચે કોઈ સૌહાર્દપૂર્ણ સંબંધો નહોતા પણ અત્યારે તો અંતર એ  હદે વધ્યું છે કે હવે તો બેમાંથી કોઈ, અરે પોલીસ કે સરકારી અધિકારી-કર્મચારી સુધ્ધાં, એકબીજાના વિસ્તારમાં જઈ શકતા નથી. વિભાજન એકબીજા પ્રત્યેની નફરત અને ઘૃણા સુધી મર્યાદિત ન રહેતાં બદલાની ભાવનામાં પલટાઈ ગયું  છે. બંને એકબીજાના જીવના તરસ્યા બન્યા છે. મૈતેઈ રાજકીય સહિતના તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી છે. રાજ્યના ભાજપી મુખ્યમંત્રી પણ મૈતેઈ છે. એટલે હાલની હિંસા, ખાસ તો કુકીઓ પ્રત્યેની, રાજ્યપ્રેરિત નહીં તો રાજ્ય સમર્થિત હોય એમ લાગે છે. 

આઝાદી પૂર્વે મણિપુર એક રજવાડુ હતું. ૧૯૪૯માં તેનો ભારતમાં વિલય થયો. પહેલાં તે કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ૧૯૭૨થી રાજ્ય બન્યું છે. મણિપુરની આશરે ૨૯ લાખની વસ્તીમાં હિંદુ અને ખ્રિસ્તી વસ્તી સરખી એટલે કે ૪૧-૪૧ ટકા છે. રાજ્યમાં ૮ ટકા મુસ્લિમો પણ વસે છે. મેદાની પ્રદેશોમાં રહેતા મૈતેઈની વસ્તી ૫૩ ટકા અને કુકી સહિતની ૬૦ જનજાતિઓની વસ્તી ૪૦ ટકા છે. રાજ્ય વિધાનસભાના ૬૦ માંથી ૪૦ ધારાસભ્યો મૈતેઈ છે અને રાજ્યના વર્તમાન સહિતના લગભગ તમામ મુખ્યમંત્રીઓ મૈતેઈ હતા. અનુસૂચિત જનજાતિના કુકીઓને સરકારી નોકરીઓ સરળતાથી મળે છે. વળી તેઓ ખ્રિસ્તી ધર્મી છે. હિંદુ મૈતેઈઓ પહાડી વિસ્તારમાં જમીન ખરીદી શકતા નથી અને બિનઅનામત વર્ગના હોઈ સરકારી નોકરીઓ મળતી નથી તેવી તેમની ફરિયાદ છે. કુકીઓ પર્વતીય પ્રદેશમાં અને મ્યાંમારની સરહદે વસતા હોઈ તેઓ ડ્રગ્સ વેચે છે અને ગાંજાની ખેતી કરે છે એવો મૈતેઈઓનો અને રાજ્ય સરકારનો આરોપ છે. એટલે કુકીઓની જમીનોની આકારણી અને તપાસ કરવામાં આવે છે. હવે મૈતેઈને આદિજાતિનો દરજ્જો મળતાં તેઓ પણ પહાડી વિસ્તારોમાં જમીનો ખરીદી શકશે અને કુકી જમીનવિહોણા થશે. એટલે અનામત અને જમીનનો સવાલ હાલની હિંસાના મૂળમાં છે. 

આ સ્થિતિમાં શાંતિ અને સદભાવનાના, બંને સમુદાયો વચ્ચેનું અંતર ઘટે અને તેમની વચ્ચેની દીવાલો તૂટે તેવા પ્રયાસો આવશ્યક છે. જોકે તે દિશાના પ્રયાસો બહુ ઓછા છે. હાલના વિભાજક અને વિષાક્ત માહોલમાં જો કોઈ આવો પ્રયત્ન કરે તો તેણે બહિષ્કૃત થવું પડે છે. થોડા દિવસો પહેલાં રાજધાની દિલ્હીમાં પૂર્વોત્તરની સાંસ્કૃતિક વિરાસતની ઉજવણીનો કાર્યક્ર્મ નોર્થ ઈસ્ટ સ્ટુડન્ટ ફેસ્ટિવલ નામે યોજાયો હતો. ખ્યાતનામ મણિપુરી સિને અભિનેત્રી અને ગાયિકા સોમા લૈશરામે તેના સમાપન કાર્યક્રમમાં મણિપુરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પોતાના સંબોધનમાં મણિપુરની પીડા વ્યક્ત કરી શાંતિ અને સોહાર્દની અપીલ કરી હતી. બસ આટલા જ કારણસર તેમના પર ત્રણ વરસ સુધી ફિલ્મોમાં અભિનય કરવા અને જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ લદાયો હતો. 

મૈતેઈ સમાજના હિતમાં કાર્યરત કાંગલેઈપાક કનબા લૂપ (કે કે એલ) નામક સંગઠને મણિપુરની સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી કોઈને પણ મનોરંજક કાર્યક્રમોમાં ભાગ ના લેવાનું ફરમાન જારી કર્યું છે. સોમાને પણ તેમણે વ્યક્તિગત અને જાહેર અપીલથી દિલ્હીના કાર્યક્રમથી દૂર રહેવા અપીલ કરી હતી. પરંતુ તેની ઉપરવટ જઈને તે ઉપસ્થિત રહ્યાં હતાં. એટલે તેમના પર પ્રતિબંધ મુકાયો. એકત્રીસ વર્ષીય સોમાએ દોઢસો જેટલી મણિપુરી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને બેસ્ટ એકટ્રેસના એવોર્ડથી પુરસ્કૃત છે. પ્રતિબંધથી ક્ષુબ્ધ સોમાએ પોતાની ભૂમિકા સમજાવતાં કહ્યું કે તેઓ મણિપુરના લોકોની પીડા વ્યક્ત કરવા જ કાર્યક્રમમાં ગયાં હતાં. આ કોઈ મનોરંજક કાર્યક્રમ નહોતો. તેમણે પૂર્વોત્તરના લોકોને જ નહીં સમગ્ર ભારતને મણિપુર પ્રશ્ને અવાજ ઉઠાવવા અને હિંસા વિરુધ્ધ શાંતિ માટે લડનારા મણિપુરના સમર્થનમાં આવવા અપીલ કરી હતી. સોમા પરના પ્રતિબંધનો સિને સંગઠનો અને લોકોએ વ્યાપક વિરોધ કરતાં આખરે  પ્રતિબંધ પાછો ખેંચવો પડ્યો છે. શાંતિ અને ભાઈચારાની દિશામાં પ્રતિબંધ બાધક હતો તો સોમા અને અન્યનો વિરોધ પ્રતિબંધ દૂર કરાવીને સોહાર્દ સ્થાપવામાં મદદરૂપ થશે.

ભાઈચારાની દિશામાં બીજો બનાવ અંડર૧૬ સાઉથ એશિયન ફુટબોલ ફેડરેશન ચેમ્પિયનશીપની  ફાઈનલ મેચમાં ભારતનો વિજય છે. ભારતીય ટીમના ૨૩ માંથી ૧૬ ખેલાડી મણિપુરના હતા. તેમાં ૧૧ મૈતેઈ, ૪ કુકી અને ૧ મુસ્લિમ હતા. ભૂતાનના થિમ્પૂમાં રમાયેલી બાંગલાદેશ સામેની ફાઈનલમાં ફસ્ટ હાફમાં મૈતેઈ ભરતે અને સેકન્ડ હાફ્માં કુકી લેવિસે ગોલ કરી ભારતને ૨-૦ થી જીતાડ્યુ હતું. મણિપુરના યુવા ફૂટબોલરો સાથે રહ્યાં, ખાધું-પીધું, હસ્યા, રમ્યા, વાતો કરી અને મેચ જીતાડી. વિજયી ગોલ કુકી રમતવીર લેવિસે કર્યો ત્યારે તેને સૌ પ્રથમ ગળે વળગીને જીતની ખુશી વ્યક્ત કરનાર મૈતેઈ ખેલાડી ભરત હતો. રમતના મેદાનમાં મણિપુરના આપસી મતભેદોની દીવાલો સાવ ભૂંસાઈ ગઈ હતી. 

મણિપુરના યુવા ફુટબોલરો ફુટબોલને મતભેદો દૂર કરવામાં મદદ કરનાર રમત ગણે છે. તેનાં ખેલાડીઓમાં એકતાની ભાવના જાગે છે. મણિપુરના જ્ઞાતિગત તણાવો અને હિંસા વચ્ચે આ ફુટબોલરોએ અનેક પ્રતિકૂળતાઓ અને દુ:ખોને બાજુએ હડસેલીને તેમની પ્રતિભા અને સમજથી  ના માત્ર વિજય મેળવ્યો છે, પરંતુ જેમ ફૂટબોલે તેમને જોડ્યા છે, અલગ કર્યા નથી તેવું મણિપુર પણ થઈ શકે છે તેવો સંદેશ આપ્યો છે. આ વિજય મણિપુરના લોકોની આશા અને અપેક્ષાનું પણ પ્રતીક બની રહે તો કેવું સારું?    

માંડ ૧૦ ટકા મેદાની અને ૯૦ ટકા પહાડી પ્રદેશમાં વસેલું મણિપુર માતૃપ્રધાન સંસ્કૃતિને વરેલું છે. ૮૦ ટકા આસપાસની સાક્ષરતા છતાં મણિપુરની ૪૦ ટકા વસ્તી ગરીબીની રેખા તળે જીવે છે. એટલે તેમણે અંદરોઅંદરની હિંસાનો માર્ગ છોડી ગરીબી અને બેરોજગારી જેવા અસલી મુદ્દાઓ પર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)

આ પણ વાંચો : અમદાવાદના નિકોલમાં 500 ઓબીસી પરિવારો કોર્પોરેશનના બુલડોઝરે રાતોરાત બેઘર કર્યા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.