બહુજન વિચારધારાના પ્રચાર-પ્રસારમાં મહત્વનો ભાગ ભજવી રહેલા - બહુજન કેલેન્ડરો

2023નું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને 2024ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ બધાં વચ્ચે હવે બહુજન સમાજના કેલેન્ડરોએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. કેલેન્ડર આર્ટ હવે ધીમી પણ મક્કમ ગતિએ જાતિવિરોધી ચળવળના પ્રચાર પ્રસારમાં મહત્વની ભૂમિકા અદા કરી રહી છે.

બહુજન વિચારધારાના પ્રચાર-પ્રસારમાં મહત્વનો ભાગ ભજવી રહેલા - બહુજન કેલેન્ડરો

એક સમયે કેલેન્ડરનો ઉપયોગ માત્ર તારીખ અને ચોઘડિયા જોવા પુરતો મર્યાદિત હતો. પણ હવે તે બહુજન આંદોલનને વેગવંતુ બનાવવાનું એક મહત્વનું ટૂલ સાબિત થઈ રહ્યું છે. તેનાથી એક ફાયદો એ થયો છે કે બહુજન સમાજ સાથે જોડાયેલી અનેક મહત્વની તારીખો, આંદોલનો, મહાનુભાવોની જન્મજયંતિ, પુણ્યતિથિઓ વગેરે યુવા પેઢી આસાનીથી યાદ કરતી થઈ છે. તારીખો યાદ રાખવી અઘરી છે, પણ બહુજન કેલેન્ડરોએ તેને બહુ સરળ બનાવી દીધી છે. એટલું જ નહીં હવે તે એક કેલેન્ડરથી આગળ વધીને એક આંદોલનનું સ્વરૂપ બની ગયું છે.

કેલેન્ડર આર્ટ આમ તો વર્ષોથી પ્રચલિત છે, પરંતુ બહુજન આંદોલનકારીઓની નવી પેઢીએ સાવ અલગ રીતે તેનો ઉપયોગ કરીને બહુજન સમાજને જાગૃત કર્યો છે. બહુજન સમાજની લોકપ્રિય સંસ્કૃતિને છેવાડાના બહુજન સુધી પહોંચાડવા માટે કેલેન્ડરનો સૌ પ્રથમ ઉપયોગ કરવાનો શ્રેય માન્યવર કાંશીરામ સાહેબને જાય છે. માન્યવરે કેલેન્ડર આર્ટનો ઉપયોગ બહુજન સમાજને જાગૃત કરવા માટે કર્યો હતો. એ પછી વર્ષ 2014માં બહેન કુમારી માયાવતીએ બહુજન કેલેન્ડરનું સૌ પ્રથમ મોટું લોન્ચિંગ કર્યું હતું. એ પછી બીએસપીએ તહેવારો, પ્રસંગો, ઉજવણીઓ, વર્ષગાંઠો વગેરે પર આ કેલેન્ડર લોન્ચ કરવાનું અને તેનું વિતરણ કરવાનું ચાલુ રાખ્યું.

.

ઘરોની દીવાલો પર લટકાવેલું કેલેન્ડર, જેને ગુજરાતીમાં તારીખિયું કહેવામાં આવે છે, તે દૃશ્ય સંસ્કૃતિનો ઉપેક્ષિત વારસો છે. જો તમે કોઈપણ સામાન્ય વ્યક્તિના ઘરે જશો, તો તમને લિવિંગ રૂમમાં ચોક્કસપણે એક કેલેન્ડર દેખાશે, જેના પર કોઈ હિન્દુ દેવી અથવા અન્યનાં ચિત્રો જોઈ શકાય છે, કેટલાક કેલેન્ડર પર નાનક, ઈસુ ખ્રિસ્ત, કુરાનની આયતો વગેરે જોઈ શકાય છે. એવાં ચિત્રની નીચે મહિનાઓ લખેલા જોવા મળે છે. તમને સંખ્યાઓ અને વિશેષ દિવસોની સમજૂતી મળશે. આ દૃશ્ય પ્રતિનિધિત્વ તમે જે સમુદાયના છો, તમે શું માનો છો અને તમે તમારા દિવસો કેવી રીતે પસાર કરો છો તેનું પ્રતિનિધિત્વ કરે છે. ઉદાહરણ તરીકે આપણે ઘરોમાં જોઈએ છીએ કે અમુક દિવસોમાં ઉપવાસ રાખવામાં આવે છે, દરેક સમુદાયમાં આવી સમાન પ્રવૃત્તિઓ થાય છે. આ દૃશ્ય સંસ્કૃતિ લોકો વચ્ચે તેમના પરસ્પર મૂલ્યો, વિચારો અને તેઓ જે વસ્તુઓ અને લોકોમાં માને છે તેના આધારે મજબૂત બંધન બનાવે છે.

.

સમાજમાં રહેતા દરેક વર્ગની પોતાની આગવી સંસ્કૃતિ હોય છે. મુખ્ય પ્રવાહમાં જે કેલેન્ડર કલા લાંબા સમયથી હાજર છે અને લોકોના રોજબરોજના જીવનને નિર્ધારિત કરી રહી છે, તેને સમાંતર બહુજન કેલેન્ડર આર્ટ દલિત બહુજન લોકો દ્વારા ઉત્તર ભારતમાં લાવવામાં આવી.

આ શ્રેણીમાં પ્રથમ નામ સમ્યક પ્રકાશનનું આવે છે, જેણે ઉત્તર ભારતના દલિતોના દરેક ઘરમાં આ કલા દ્વારા લોકોને જાતિવિરોધી ચળવળનો કક્કો શીખવ્યો હતો. તમારા મનમાં પ્રશ્નો થતો હશે કે આ બહુજન કેલેન્ડર આર્ટ શું છે? તેમાં વિશેષ શું છે? શું તે ખરેખર જરૂરી છે? શું કેલેન્ડરે દલિત બહુજનના જીવનમાં કોઈ ફેરફાર કર્યો છે? ચાલો આ બધા પ્રશ્નોમાંથી ધીમે ધીમે પસાર થઈએ.

બહુજન કેલેન્ડર આર્ટ શું છે?

આ એક પ્રકારનું બાર મહિનાનું કેલેન્ડર જ છે, તેમાં તારીખો લખેલી હોય છે પણ પંચાંગ, જન્માક્ષર, વ્રત વગેરે કંઈ લખવામાં આવતું નથી, તેને બદલે દરેક મહિનાના અમુક ખાસ દિવસો સમજાવવામાં આવે છે અને આ ખાસ દિવસો એટલે દલિત બહુજન ઇતિહાસ સાથે સંબંધિત મહાન વ્યક્તિઓના જન્મદિવસો, અવસાન, તેમના દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ કાર્યોની નોંધ વગેરે. તેથી આ કેલેન્ડરમાં તારીખ જોતી વખતે લોકો યાદ કરે કે કોણે ઇતિહાસમાં કેવી ભૂમિકા ભજવી છે. આ કેલેન્ડરમાં જ્યાં મહિનાની સંખ્યાઓ લખવામાં આવે છે, તેની ઉપર કે પૃષ્ઠભૂમિમાં કોઈ દૈવી શક્તિનું ચિત્ર નથી હોતું પરંતુ બાબાસાહેબ, સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિબા ફૂલે, બિરસા મુંડા, જેવા દલિત બહુજન મુક્તિદાતાઓ અને માર્ગદર્શકોનાં ચિત્રો હોય છે.


 
બહુજન કેલેન્ડરોમાં એક બાબત નોંધવા જેવી છે કે તેમાં તથાગત ગૌતમ બુદ્ધથી માંડીને માન્યવર કાંશીરામ સુધીના એકેય બહુજન મહાનાયકોનો ચહેરો દુઃખી હાલતમાં બતાવાતો નથી. આ પગલું જાણી જોઈને લેવાયેલું છે, જેનાથી બહુજન સમાજમાં સકારાત્મક સંદેશ જાય છે અને સમાજમાં એક જુદા પ્રકારનો આત્મવિશ્વાસ પેદા થાય છે.

બહુજન કેલેન્ડર હોવાના ઘણા અર્થો છે. જે દલિત બહુજન બહુ મોંઘાં પુસ્તકોમાંથી બહુજન મુક્તિદાતાઓ વિશે જાણી શકતા નથી, બહુજન માનવોનાં ચિત્રો અને વિચારો તેમના સુધી આ કેલેન્ડરના કારણે જ મુદ્રિત સ્વરૂપે પહોંચ્યાં છે. દલિતોના ઘરમાંથી હિંદુ દેવી-દેવતાઓને હટાવીને આ કળા દ્વારા બહુજન નાયકોને સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે કેલેન્ડર આર્ટમાં પણ કલ્પનાનું સ્થાન છે, બહુજન નાયકોનાં એવાં ચિત્રો બનાવવામાં આવ્યાં છે જે મુખ્ય પ્રવાહમાં જોવા મુશ્કેલ છે. દાખલા તરીકે બુદ્ધના ચિત્રમાં બાબા સાહેબની હાજરી, અને નવયાન બૌદ્ધ ધમ્મ પણ એના થકી લોકો સુધી પહોંચ્યો છે. જાતિવિરોધી ચળવળમાં કૅલેન્ડરની ભૂમિકા વિશે વાત કરવામાં આવે તો તેણે બ્રાહ્મણવાદી વૈદિક વર્ચસ્વને સમકક્ષ પોતાના બહુજન નાયકોના ઇતિહાસ અને ચળવળને સ્થાન આપ્યું છે.

બહુજન કેલેન્ડર સાંસ્કૃતિક જોડાણનું માધ્યમ

કહેવાય છે કે, જે સમાજ પોતાનો ઈતિહાસ નથી જાણતો તે પ્રગતિ કરી શકતો નથી. આ શબ્દો બહુજન કેલેન્ડરોનો પ્રાણ છે. તેણે બહુજન સમાજને તેમની સંસ્કૃતિ સાથે જોડતો કર્યો છે. બહુજન કેલેન્ડર લોકોને ક્યા બહુજન નાયકે કઈ ચળવળ થકી તેમનું જીવન બદલી નાખ્યું છે તેના વિશેની સમજ આપવાનું એક સશક્ત માધ્યમ બન્યું છે.

કેલેન્ડરમાં દર્શાવવામાં આવેલા ચિત્રોનો પોતાનો અર્થ છે, ઉદાહરણ તરીકે, બુદ્ધ સમક્ષ હાથીનું નમવું એટલે કે કરુણાથી તમે કોઈપણ જીવનું હૃદય અને તેનો વિશ્વાસ જીતી શકો છો, સંસદ તરફ આંગળી ચીંધતી બાબા સાહેબની તસવીર બહુજનોને કહે છે કે અમારો ઉદ્દેશ્ય સંસદમાં ભાગ લેવાનો છે જ્યાંથી આપણા જીવનના નિર્ણયો લેવામાં આવે છે. માન્યવર કાંશીરામની કલમ સાથેની તસવીર રાજકારણ માટે ઝઝૂમવાનો સંકેત છે. આ સિવાય બહુજન કેલેન્ડર એ એકમાત્ર કેલેન્ડર છે જેમાં તમને બંધારણની તસવીર જોવા મળશે. બંધારણ આ દેશના દરેક નાગરિકના અધિકારોની વાત કરે છે પરંતુ દરેક સમાજમાંથી તેને સન્માન નથી મળતું. 

શરૂઆત પબ્લિકેશનના કર્તાહર્તા અને બહુજન કેલેન્ડરોને સમાજ સુધી પહોંચાડવામાં જેમનો મોટો ફાળો રહેલો છે તેવા કૌશિક શરૂઆત બહુજન કેલેન્ડરો વિશે કહે છે કે, “દલિત-બહુજન કેલેન્ડર કળાએ બ્રાહ્મણવાદી પૌરાણિક માન્યતાને બહુજન સમાજથી દૂર કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. હવે બહુજનો મનુવાદી વિચારસરણીને ત્યજવા લાગ્યા છે અને તેમાં આડકતરી રીતે બહુજન કેલેન્ડરોનો મોટો ફાળો છે. આ કેલેન્ડરો પ્રત્યે બહુજન સમાજનો એક લગાવ જોડાતો થયો છે. તેમના માટે આ કેલેન્ડર એક તારીખિયાથી વિશેષ છે. જાતિવાદીઓ 14મી એપ્રિલ જેવા મહત્વના દિવસને કેલેન્ડરમાં દર્શાવતા પણ નથી. જેની સામે અહીં તો આખેઆખું કેલેન્ડર જ બહુજન મહાનાયકો, ઘટનાઓ, આંદોલનની તવારીખોથી ભરપૂર હોય છે. એવામાં તેને તે પોતિકું લાગે તેમાં કોઈને નવાઈ ન લાગવી જોઈએ.”

બહુજન સોશિયલ મીડિયા ચેનલ આર.કે. સ્ટુડિયોના ફાઉન્ડર આર.કે. પરમાર કહે છે, “બહુજન કેલેન્ડર એ ફક્ત આર્ટ નથી પરંતુ દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના ઘેર ઘેર દિવાલોમાં લટકતું એક હરતું ફરતું આંદોલન છે. તેના થકી બહુજન સમાજમાં ધીમી પણ મક્કમ ગતિએ એક ચોક્કસ વિચારધારા ધરાવતી યુવા પેઢી આકાર પામી રહી છે. પોતાના મહાનાયકો કોણ તે સમજી ચૂકેલો બહુજન હવે તેના ઘરમાં મનુવાદથી ગ્રસ્ત વ્રત-તહેવારોનું કેલેન્ડર નથી લગાવતો. હવે તેને પોતાના મહાનાયકો, પોતાના તહેવારો અને પોતાની વાત કરતું કેલેન્ડર જોઈએ છે અને તે બહુજન કેલેન્ડરોમાં મળતું થયું છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે બહુજન સમાજના એકેય ઘરની દિવાલે મનુવાદીઓએ ઉભા કરેલા કાલ્પનિક દેવી-દેવતાઓના કેલેન્ડરોએ વિદાય લેવી પડશે.”

આ પણ વાંચો : અયોધ્યાના નવનિર્મિત એરપોર્ટનું નામ હશે - મહર્ષિ વાલ્મિકી ઍરપોર્ટ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.