જળ સંપત્તિ વિભાગે વેરાવળની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના 280 કરોડ માફ કર્યા

ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગ પર મોટો આક્ષેપ લાગ્યો છે. ગીરસોમનાથ જિલ્લાના વેરાવળની એક કંપનીના તેણે રૂ. 280 કરોડ માફ કરી દીધા છે.

જળ સંપત્તિ વિભાગે વેરાવળની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના 280 કરોડ માફ કર્યા
image credit - Google images

ગુજરાતમાં એક તરફ નકલીની બોલબાલા છે, ધારાસભ્યોનું અધિકારીઓ સાંભળતા નથી તેવું ખુદ ધારાસભ્યો કહે છે, અધિકારીઓ કરોડોના કૌભાંડો કરીને ભૂગર્ભમાં ઉતરી રહ્યાં છે, ત્યાં વધુ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યના જળ સંપત્તિ વિભાગે એક કંપનીના રૂ. 280 કરોડ માફ કરી દીધાં હોવાનો આક્ષેપ લાગ્યો છે.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશે રાજ્ય સરકારના જળસંપત્તિ વિભાગ પર આક્ષેપ કર્યો છે કે, તેણે ગીરસોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર પાણીનાં બાકી લેણા અંગે લેતીદેતી કરી કુલ ચૂકવવાનાં થતા 434, 71, 280 કરોડથી વધુની રકમ માફ કરી માત્ર 157. 15 કરોડ જેટલી રકમ ભરાવી રાજ્યની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે.

પૂંજા વંશે ગઈકાલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું હતું કે, "ગીર સોમનાથના વેરાવળ ખાતે આવેલી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે 1999 થી વેરા સ્વરૂપે લેવામાં આવતી રકમમાંથી એક પણ રૂપિયો સરકારમાં ભરવામાં આવ્યો નથી, પાણીના વપરાશ પેટે 1998 થી 2002 નોર્મલ વોટર ચાર્જીસ વગેરે 434.71 કરોડ જેટલી રકમ સરકારની તેની પાસેથી લેવાની નીકળે છે. તેવામાં રાજ્ય સરકારે જળ સંપતિ વિભાગના અધિકારીઓ વતી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની 280 કરોડ જેટલી માતબર રકમ માફ કરી દીધી છે. સવાલ એ છે કે, રાજ્યના જળ સંપત્તિ વિભાગે આટલી મોટી રકમ શા માટે માફ કરી? એનો મતલબ એ થયો કે પાછલા બારણે મોટો વહીવટ થયો હોઈ શકે."

પૂર્વ ધારાસભ્યે રાજ્ય સરકાર ઉપર વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, "જળ સંપત્તિ વિભાગના હુકમનાં નિર્ણયમાં સરકાર કહે છે પૂર્વ દ્રષ્ટાંત કરવાનો રહેશે નહીં એનો મતલબ કે બીજી કંપનીઓમાં આવો હુકમ માન્ય રહેશે નહીં. જેનાથી સાબિત થાય છે કે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સરકારની માનીતી કંપની છે." 

આ પણ વાંચો:  44 હજાર દલિત-આદિવાસીઓના હકના 1140 કરોડ ક્યાં ખવાઈ ગયા?

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "2019માં કલેક્ટરે કંપની ઉપર રૂ. 264 કરોડ 37 લાખનો બોજો નાખ્યો હતો. જેને બદલી રાજ્ય સરકારે બોજો નાખ્યા પછી પણ એ રકમ ન વસૂલીને અને 157 કરોડની રકમ સીધી માફ દીધી. સરકારી નિયમ એવું કહે છે કે કોઈ નાના ખેડૂત હોય કે મોટા વેપારી કે સામાન્ય વેપારી, રાજય કે દેશનો કોઇપણ નાગરિક હોય, સરકાર દ્વારા એક વખત બોજો નાખ્યા બાદ ક્યારેય તે વેરો કે ઋણ માફ કરી શકાતું નથી. જ્યારે આ કેસમાં પહેલી વખત આવું જોવા મળી રહ્યું છે. અગાઉ જાહેર હિસાબી સમિતિ વિભાગે જળ સંપતિ વિભાગનાં કેબિનેટ મંત્રીને આ કંપની પાસેથી પૈસા વસૂલ કરવા માટે અવાર-નવાર રજૂઆતો કરી હોવા છતાં તેને અવગણીને કંપનીને મોટી માત્રામાં મદદ કરવામાં આવી છે."

પૂંજા વંશે ઉમેર્યું હતું કે, "એક બાજુ ખેડૂતો અને સામાન્ય ગરીબ નાગરિકો પાસેથી કડકાઈથી દંડ વસૂલવામાં આવે છે અને જો ભૂલથી પણ નાનામાં નાનો ખેડૂત પણ આ રકમ ન ભરે તો તેમની જમીન જપ્તી અને પેનલ્ટીઓ સહીતનાં ઓર્ડર કરવામાં આવે છે, એનો મતલબ એમ થાય છે કે સરકારના બંને હાથ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર છે."

ઉલ્લેખનીય છે કે પૂર્વ ધારાસભ્યના જણાવ્યા મુજબ, "ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ પર પાણીનાં બાકી કુલ 434.43 કરોડ નીકળતા લેણામાંથી 280 કરોડ જેટલી મોટી રકમ માફ કરી માત્ર 157. 15 કરોડ ભરાવવામાં આવ્યા છે. ત્યારે આ રકમ માફ કરવામાં સરકાર અને જળ સંપતિ વિભાગના કયા અધિકારીઓનો હાથ હોઈ શકે? માફ કરવાનું કારણ શું હોઈ શકે? કારણકે એકવાર બોજો જાહેર થયા પછી એક રૂપિયાનું લેણું પણ ક્યારેય માફ કરી શકાતું નથી. તેનો સીધો મતલબ એ થયો કે જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાછલા બારણે મોટા પ્રમાણમાં લેતીદેતી કરીને આ રકમ માફ કરવામાં આવી હોઈ શકે છે. આ મામલે કેટલી સચ્ચાઈ છે તે આવનારા દિવસોમાં યોગ્ય તપાસ થાય તો બહાર આવી શકે."

આ પણ વાંચો: પાણી પુરવઠા વિભાગે કાગળ પર કામ બતાવી 12.14 કરોડનું ફૂલેકું ફેરવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.