15 વર્ષમાં 75 લોકો ગટરમાં ગૂંગળાઈ મર્યા, સજા ફક્ત 1 ને થઈ

ગટરની સફાઈ કરતી વખતે મોતને ભેટેલા સફાઈકર્મીઓના અનેક કેસો કોર્ટમાં ફસાયેલા પડ્યાં છે. કેટલાક કેસમાં તપાસ પૂર્ણ થઈ નથી. કેટલાક કેસમાં કોઈ સાક્ષી નથી.

15 વર્ષમાં 75 લોકો ગટરમાં ગૂંગળાઈ મર્યા, સજા ફક્ત 1 ને થઈ
image credit - Google images

દેશની રાજધાની દિલ્હીમાં પરપ્રાંતિય મજૂરો કાયમી અને કોન્ટ્રાક્ટના ધોરણે ગટરની સફાઈનું કામ કરે છે. આ મજૂરોની જરૂર દરેકને છે પરંતુ કોઈને તેમના જીવની પરવા નથી, કે નથી તેમને ન્યાય આપવાની ઈચ્છા. છેલ્લા 15 વર્ષમાં બનેલી ઘટનાઓ તેની ચાડી ખાય છે. એ દરમિયાન 94 સફાઈ કામદારોએ ગટરની સફાઈ કરતી વખતે ઝેરી ગેસની ઝપટમાં આવી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો.

94 કર્મચારીઓના મોત છતાં લેખિત દસ્તાવેજોમાં આ આંકડો માત્ર 75 છે. નવાઈની વાત એ પણ છે કે 75 લોકોના જીવ ગુમાવવાના મામલામાં માત્ર એક જ વ્યક્તિને દોષિત ઠેરવવામાં આવી છે અને સજા થઈ છે, જેના કારણે સવાલ એ ઊભો થાય છે કે શું આ 75 કે 94 મોત માટે માત્ર એક દોષિત વ્યક્તિ જ જવાબદાર છે.

ગટરમાં થયેલા મોતના માત્ર 9 કેસ ઉકેલાયા

ઈન્ડિયન એક્સપ્રેસની આરટીઆઈ ટીમે ભેગી કરેલી માહિતી ચોંકાવનારી છે. દસ્તાવેજો અનુસાર, આ 75 લોકોમાંથી 38 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમાંથી માત્ર 9 કેસ જ ઉકેલાયા છે અને તે 19 લોકોના જીવ લેતો મામલો છે.

પોલીસ આરોપીઓને શોધી શકી નથી

ગટરની સફાઈમાં થયેલા મોતને લગતા કેસોમાંથી માત્ર એક કેસમાં જ આરોપી ગુનો સાબિત થયો છે અને બે કેસમાં તો લોકોને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં હાઈકોર્ટે ગટર અકસ્માતને લગતા બે કેસ રદ કર્યા છે. એક કેસમાં સમાધાન થઈ ગયું છે અને બીજા કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ બે કેસમાં આરોપીઓને શોધી શકી નથી. આરટીઆઈ રેકોર્ડ દર્શાવે છે કે પોલીસે હજુ સુધી નિર્દોષ છોડવામાં આવેલા આદેશોને હાઈકોર્ટમાં પડકાર્યા નથી.

અલગ અલગ કારણોસર કેસો પેન્ડિંગ છે

આરટીઆઈમાં મળેલી માહિતી મુજબ ગટર અકસ્માતના ઘણા કેસો દિલ્હીની વિવિધ અદાલતોમાં પેન્ડિંગ છે, જેના ઘણા કારણો છે. કેટલાક કિસ્સામાં અધિકારીઓ આવતા નથી, તો કેટલાક કિસ્સામાં સ્ટાફની અછત છે. ઓછામાં ઓછા ત્રણ કેસમાં પોલીસે કહ્યું છે કે તેઓ આરોપીઓને શોધી શક્યા નથી.

- બે કેસ એવા છે જેમાં તપાસકર્તાઓને કોઈ સાક્ષી મળ્યાં નથી.
- પાંચ કેસમાં સાક્ષીઓ કે તપાસ અધિકારીઓ સમયસર કોર્ટમાં પહોંચ્યા ન હતા, જેના કારણે કેસ આગળ વધી રહ્યો નથી.
- કુલ 5 કેસ એવા છે જેમાં પોલીસે હજુ સુધી તપાસ પૂર્ણ કરી નથી અને ચાર્જશીટ પણ દાખલ કરી નથી.
- અન્ય કેટલાક કિસ્સામાં સ્ટાફના અભાવે સુનાવણી પૂર્ણ થઈ શકી ન હોવાનું ધ્યાને આવ્યું છે.
- આટલું જ નહીં, પોલીસ અધિકારીઓનો સહકાર ન મળવાને કારણે અનેક મામલા અટવાયા છે.

સફાઈ કામદારો માટે કેટલાક ખાસ નિયમો છે

મેન્યુઅલ સ્કેવેન્જર્સ તરીકે રોજગાર પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન અધિનિયમ, 2013 જોખમી સફાઈને પ્રતિબંધિત કરે છે, પરંતુ ગટર અને સેપ્ટિક ટાંકીઓના મેન્યુઅલ સફાઈ પર કોઈ ચોક્કસ પ્રતિબંધ નથી. કાયદામાં 44 પ્રકારના રક્ષણાત્મક ગિયરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં શ્વાસ લેવા માટેનું માસ્ક, ગેસ મોનિટર અને ફુલ-બોડી વેડર સૂટનો સમાવેશ થાય છે.

દરેક મોત માટે જવાબદારી નક્કી થવી જોઈએ

સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના અધ્યક્ષ એમ. વેંકટેશને કહ્યું કે પોલીસનું કહેવું છે કે તેઓ આ કેસોમાં પુરાવા એકત્ર કરવામાં સક્ષમ નથી. ધારો કે ઘટનાસ્થળે માત્ર બે જ લોકો હાજર હતા, સુપરવાઈઝર અને સફાઈ કામદાર – અને સફાઈ કામદાર ગટરમાં ઉતર્યા પછી મૃત્યુ પામ્યો. એવામાં સુપરવાઈઝરે સફાઈ કામદારને ગટરમાં પ્રવેશવાનું કહ્યું હતું કે કેમ તે કોણ સાબિત કરશે?

તેમણે કહ્યું કે આ માટે કાયદામાં કેટલાક ફેરફારોની જરૂર છે. ગટરોમાં થતા મૃત્યુના કિસ્સામાં, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સામે પણ એફઆઈઆર નોંધવી જોઈએ, તો જ મ્યુનિસિપલ સંસ્થાઓ નિયમોનું યોગ્ય રીતે પાલન કરશે. જ્યારે દરેક મૃત્યુ માટે જવાબદારી હશે ત્યારે જ નિયમોનું પાલન કરવાનો સંકેત મળશે.

આ પણ વાંચો: ગટર ટેંક સાફ કરતી વખતે ઝેરી ગેસથી ત્રણ સફાઈ કર્મીઓના મોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.