શું RSS અગ્નિવીર યોજના દ્વારા નાગરિકોનું લશ્કરીકરણ કરવા માંગે છે?

RSS ના મુખપત્ર ઓર્ગેનાઇઝરના સંપાદક પ્રફુલ્લ કેતકરે તાજેતરમાં જણાવ્યું હતું કે અગ્નિપથ યોજના નાગરિકોને સેના માટે તૈયાર કરવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી છે.

શું RSS અગ્નિવીર યોજના દ્વારા નાગરિકોનું લશ્કરીકરણ કરવા માંગે છે?
image credit - Google images

અગ્નિવીર યોજના થકી સેનામાં ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની યોજનાએ ઘણા વિવાદોને જન્મ આપ્યો છે. જેના કારણે લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપને કેટલીક બેઠકો ગુમાવવી પડી હતી. તેમ છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) આ યોજનાને સમર્થન આપી રહ્યું છે.

તાજેતરમાં, એક સંસ્થા દ્વારા આયોજિત પ્રવચનમાં, RSS સાથે જોડાયેલા મેગેઝિન 'ઓર્ગેનાઇઝર'ના એડિટર પ્રફુલ્લ કેતકરને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતમાં પણ નાગરિકોએ ઇઝરાયેલ જેવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ?

તેના જવાબમાં તેમણે કહ્યું કે આ હેતુ માટે અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ લોકોને સેના માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

પ્રફુલ્લ કેતકરનું નિવેદન અગ્નિપથ યોજના માટે રજૂ કરવામાં આવેલી સરકારી દલીલોથી સંપૂર્ણપણે અલગ એક નવી વાત સામે લાવે છે.

અગ્નિપથ યોજનાની તરફેણમાં એક વાત કહેવામાં આવી છે કે તે સેનાને વધુ યુવા બનાવશે અને સરકાર માટે નાણાં બચાવશે. આ યોજના હેઠળ, સરકાર માટે તેના નિયમિત દળમાંથી એક ભાગને છુટો કરી શકશે અને એ રીતે તે પેન્શન અને અન્ય લાભો હેઠળ આપવામાં આવતી રકમને બચાવી શકશે. સરકાર માટે આ નફાકારક સ્થિતિ હશે કારણ કે દર વર્ષે સંરક્ષણ બાબતો માટેના 5 લાખ કરોડ રૂપિયાના બજેટમાંથી તેને આ કામ હેઠળ 2.6 લાખ કરોડ રૂપિયા ચૂકવવા પડે છે.

તો પછી કેતકર શા માટે કહી રહ્યા છે કે આંતરિક કટોકટી વખતે ઈઝરાયેલની જેમ લશ્કરી તાલીમ મેળવનાર અગ્નિવીરોની મદદ લેવામાં આવશે?

ચોક્કસપણે આ એક વિવાદાસ્પદ સમજ છે. ઇઝરાયેલ તેના પોતાના પેલેસ્ટિનિયન નાગરિકોને બીજા વર્ગના નાગરિકો જેવો વ્યવહાર કરે છે. આંતરરાષ્ટ્રીય કોર્ટમાં તેના પર 'નરસંહાર જેવો કેસ વર્તાવવાનો' આરોપ લાગ્યો છે, પરંતુ સંઘના વરિષ્ઠ સ્વયંસેવકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.

જો કે, વિશ્લેષકો અગાઉ અગ્નિપથ યોજનાને લઈને આવી વાતો કહી ચૂક્યા છે કે તે કેવી રીતે ભારતીય સમાજનું લશ્કરીકરણ કરવાનો પ્રયાસ કરી રહી છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ એકવાર આ યોજના પર કહ્યું હતું કે તે ભારતીય સેનાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિયંત્રણમાં લાવવાની યોજના છે.

આ પણ વાંચો: શીખ નેતાએ કેનેડામાં RSS ના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી

પ્રફુલ્લ કેતકરે જે ખુલાસો કર્યો છે તે પુષ્ટિ કરે છે કે ઘણા નિવૃત્ત લશ્કરી અધિકારીઓએ આ યોજના પર પ્રશ્નો ઉઠાવ્યા હોવા છતાં, આ યોજનાને ચાલુ રાખવામાં સરકારનું જિદ્દી વલણ એમ જ નથી ઉભું થયું. આની પાછળ હિંદુત્વ વર્ચસ્વવાદી વિચારધારાથી ચાલતી વર્તમાન સરકારનો વ્યાપક એજન્ડા કામ કરી રહ્યો છે.

સંઘ તેની શરૂઆતથી જ લોકોને હથિયારબંધ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી કરીને 'ધર્મદ્રોહિયો' વિરુદ્ધ અસરકારક રીતે તેમનો ઉપયોગ કરી શકાય. ત્રીસના દાયકાથી જ 'હિંદુઓના લશ્કરીકરણ'ની વાતો કરવામાં આવી હતી. હેડગેવાર, બાબારાવ સાવરકર વગેરે સાથે મળીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરનાર હિંદુ મહાસભાના તેમના વરિષ્ઠ સાથીદાર/માર્ગદર્શક બી.એસ. મુંજે તેમની ઇટાલીની મુલાકાત દરમિયાન મુસોલિનીને મળ્યા હતા અને પરત ફર્યા પછી ભોંસલા સૈનિક શાળાની સ્થાપના કરી હતી.

બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટિશ દળો સક્રિય હતા ત્યારે હિંદુ મહાસભાએ બ્રિટિશ સેનામાં હિંદુ યુવાનોની ભરતી કરવા માટે નિયમિત અભિયાન ચલાવ્યું હતું. અભિયાનનું સૂત્ર 'સેનાનું હિંદુકરણ અને રાષ્ટ્રનું લશ્કરીકરણ' હતું.

નરેન્દ્ર મોદીના કાર્યકાળના છેલ્લા દાયકા દરમિયાન, સમાજનું લશ્કરીકરણ કરવાના ઇરાદાઓ વિશે વારંવાર વાતો કરવામાં આવી છે.

સંઘના સુપ્રીમો મોહન ભાગવતે 2018 માં બિહારના મુઝફ્ફરપુરમાં તેમની બેઠકમાં જાહેરાત કરી હતી કે તેમના સ્વયંસેવકો પાસે માત્ર ત્રણ દિવસમાં સેનાનું ગઠન કરી શકે છે, જેને સરહદો પર તૈનાત કરી શકાય છે.

કેન્દ્ર સરકારે એ પણ નિર્ણય લીધો હતો કે તે 67 ટકા સૈનિક શાળાઓ સંઘ પરિવાર અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ અને ભાજપના નેતાઓને હવાલે કરી દેશે.

શસ્ત્રોની તાલીમથી સજ્જ બેરોજગાર લોકોની આ ભીડ હિંદુત્વના પ્રસાર માટે એક સરળ માધ્યમ બનશે અને ભારતના ઘડતર માટે એક મોટો પડકાર રજૂ કરશે અને પ્રજાસત્તાકના ભવિષ્ય માટે ચિંતાજનક રહેશે.

જે સમાજમાં ભારે સૈન્યીકરણ થયું છે, ત્યાં વિવાદની સ્થિતિમાં બહુમતીવાદી દળો લઘુમતી સમાજોને પાયમાલ કરી શકે છે. એવામાં તેની આસાનીથી કલ્પના કરી શકાય છે કે, અગ્નિવીરની સેવા પૂરી કરીને હથિયારોની તાલીમ પામેલા યુવાનો જ્યારે સમાજમાં પરત ફરશે ત્યારે તેની કેવી વિપરિત અસર સમાજ પર પડી શકે છે.

(મૂળ લેખ ડાબેરી કાર્યકર, લેખક અને અનુવાદક સુભાષ ગાતાડે દ્વારા ધ વાયરમાં લખવામાં આવ્યો હતો, અહીં તેનો અનુવાદ પ્રસ્તુત છે.)

આ પણ વાંચો: દલિતોને રીઝવવા RSS મથુરામાં બે દિવસ મંથન કરશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.