માન્યવર કાંશીરામ સાહેબની 80મી જન્મજયંતિ પર ગુજરાતભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન
ભારતની રાજનીતિના સૌથી મોટા બહુજન નેતા માન્યવર કાંશીરામ સાહેબની 90મી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાતભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વાંચો આ વિસ્તૃત રિપોર્ટ.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના સત્તામાં ભાગીદારીના સપનાને સાકાર કરી બતાવનાર વર્તમાન ભારતના સૌથી દિગ્ગજ બહુજન નેતા, યુથ આઈકોન માન્યવર કાંશીરામ સાહેબની 80મી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાતભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌથી મોટો કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં યોજાવા જઈ રહ્યો છે, જ્યાં વઢવાણના ફાટસર વિસ્તારમાં ડૉ. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ અને માતા રમાબાઈ પુસ્તકાલયના લોકાર્પણનો કાર્યક્રમ છે. જેમાં દિલ્હી યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. લક્ષ્મણ યાદવ અને નેશનલ દસ્તકના પત્રકાર શંભુકુમાર સિંહ વિશેષ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં આ પહેલો એવો પ્રસંગ છે જ્યાં આ બંને ક્રાઉડપુલર વ્યક્તિઓ એક મંચ પર ઉપસ્થિત હશે. આ બન્નેને સાંભળવા એક લહાવો છે. વઢવાણમાં અહીં ડૉ. આંબેડકરની જે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવનાર છે તેના માટે બહુજન સમાજના ઘેર ઘેરથી તાંબા, પિત્તળ, કાંસા જેવી ધાતુઓનાં વાસણો એકઠાં કરીને લખનઉ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બાબાસાહેબની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.
અહીં એક દાદીમા દ્વારા એમનો પ્લોટ આ કાર્ય માટે દાનમાં આપવામાં આવ્યો છે. ઉપરાંત સુરેન્દ્રનગર અને તેની આસપાસના ગામોના અનેક સમર્પિત બહુજન કાર્યકરો, સમાજસેવકો, વિચારકોએ આ પ્રતિમા અને પુસ્કાલયના નિર્માણમાં આર્થિક યોગદાન આપેલ છે. બાબાસાહેબની પ્રતિમા જૂના સંસદ ભવનના આકારના બાંધકામ પર મૂકવામાં આવી છે. મકાનની અંદરના ભાગમાં માતા રમાબાઈના નામનું પુસ્તકાલય નિર્મિત કરાયું છે. જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા યુવાવર્ગ માટે ઉપયોગી પુસ્તકોનો ભંડાર છે. માન્યવર કાંશીરામ સાહેબની જન્મજયંતિના દિવસે બાબાસાહેબની પ્રતિમા અને માતા રમાબાઈ લાઈબ્રેરીના લોકાર્પણનો કાર્યક્રમ યોજીને આયોજકોને એક તીરે રાજકીય અને સામાજિક એમ અનેક નિશાન સાધ્યા છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર અને તેની આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજ ઉમટી પડશે. ખાસ કરીને પ્રો. લક્ષ્મણ યાદવ અને શંભુકુમાર સિંહને સાંભળવા યુવા વર્ગ મોટા પ્રમાણમાં ઉમટી પડશે.
મૂકનાયક ગ્રુપ દ્વારા જંગી રેલીનું આયોજન
માન્યવરના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી દૂધવાળી ચાલીથી ગીતામંદિર વિસ્તારમાં આવેલા મજૂરગામ સ્થિત કાંકરિયા બુદ્ધ વિહાર સુધી મૂકનાયક ગ્રુપ દ્વારા જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. માન્યવર કાંશીરામ સાથે કામ કરી ચૂકેલા કર્મશીલ પ્રકાશ બેન્કરની આગેવાનીમાં યોજાનારી આ રેલી સાંજે 8 વાગ્યે શરૂ થશે અને કાંકરિયા બુદ્ધ વિહારે પૂર્ણ થશે. આ રેલીને લઈને સમગ્ર બહેરામપુરા વિસ્તારમાં અનેક બેનરો લગાવી જોરદાર પ્રચાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને યુવાવર્ગ આ રેલીમાં માન્યવરની વિચારધારા સમજીને આગળ આવે તેવો તેનો ઉદ્દેશ્ય છે. આ રેલીમાં અનેક સામાજિક સંસ્થાઓ, આગેવાનો, મહિલાઓ અને બાળકો ઉમટી પડવાના છે.
સમ્યક સમાજ દ્વારા કાંશીરામ કાર્ય ઍવોર્ડ અપાશે
વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા માન્યવર કાંશીરામ સાહેબની જન્મજયંતિના દિવસે કાંશીરામ કાર્ય ઍવોર્ડનું વિતરણ કરવામાં આવનાર છે. અમદાવાદના ગોમતીપુરમાં જય ભીમ જ્યોત ફાઉન્ડેશનમાં બહુજન સમાજના એવા યોદ્ધાઓનું આ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે જેમણે માન્યવર કાંશીરામની જેમ પોતાની જિંદગી સમાજ માટે સમર્પિત કરી દીધી હોય. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યે પૂર્ણ થશે. આ ઍવોર્ડ સમારોહના મુખ્ય આયોજક મોહિન્દર મૌર્યના જણાવ્યા પ્રમાણે માન્યવરની જેમ સમાજ માટે જિંદગી ખર્ચી નાખનાર 40 જેટલા બહુજન યોદ્ધાઓને કાંશીરામ કાર્ય ઍવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. સમારંભમાં ભંતે પથિક શ્રેષ્ઠી વિશેષ ઉપસ્થિત રહેશે.
વડોદરામાં जाति जनगणना क्यों जरुरी? વિષય પર ચર્ચા થશે
માન્યવરના જન્મદિવસે મહારાજા સયાજીરાવની નગરી વડોદરાના ન્યાય મંદિરમાં સાંજે 6 વાગ્યે जाति जनगणना क्यों जरुरी? વિષય પર ચર્ચા થશે. જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, વિખ્યાત ફિલ્મમેકર દક્ષિણ બજરંગે છારા, એડવોકેટ રત્ના વોરા, ગોવા રાઠોડ અને અમિત જાદવ વક્તવ્ય આપશે.
આ મુખ્ય કાર્યક્રમો સિવાય ગુજરાતના અનેક નાના શહેરો, ટાઉન અને ગામડાઓમાં પણ માન્યવર કાંશીરામની જન્મજયંતિને લઈને કોઈને કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે બહુજન સમાજમાં આવી રહેલી જાગૃતતાની નિશાની છે.
આગળ વાંચોઃ મારી-તમારી અસહમતી હોય તો પણ બહુજન રાજનીતિની માવજત કરીને જ તેને દૂર કરી શકાશે, છેદ ઉડાડીને નહીં
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.