મહાદેવ મંદિરમાંથી તસ્કરો હજારોની કિંમતના વાસણો ચોરી ગયા

એક શહેરમાં ભરબજાર વચ્ચે આવેલા મહાદેવના મંદિરમાંથી તસ્કરો તાળું તોડીને હજારો રૂપિયાના વાસણો ચોરી ગયા હતા.

મહાદેવ મંદિરમાંથી તસ્કરો હજારોની કિંમતના વાસણો ચોરી ગયા
image credit - Google images

બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરમાં તસ્કરો બજાર વચ્ચે આવેલા એક મંદિરમાં કળા કરી ગયા છે. મળતી માહિતી પ્રમાણે અહીં બજાર વિસ્તારમાં તપોધન બ્રાહ્મણ સમાજનું વર્ષો જૂનું નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. જ્યાં ગત રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો મંદિરનું તાળું તોડી અંદર પડેલા વિવિધ પ્રકારના વાસણો ચોરીને ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે.

આ ઘટના બાદ મંદિરના ટ્રસ્ટીએ પૂર્વ પોલીસમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આસપાસની દુકાનોમાં લગાવવામાં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરી ચોરને શોધવા માટે પ્રયત્ન શરૂ કરી દીધા હતા.

આ પણ વાંચો: મેલડી માતા-રામદેવપીરે ધાર્યું કામ ન કર્યું તો ભક્તે મંદિર સળગાવી દીધું

પાલનપુરમાં કીર્તિસ્તંભ વિસ્તાર નજીક નીલકંઠ મહાદેવ મંદિર આવેલું છે. જેમાં રૂમની અંદર મહાદેવ મંદિરમાં પૂજાપાઠ માટે નાના મોટી વસ્તુઓ અને વાસણો રાખવામાં આવે છે. આ રૂમનો કોઈ અજાણ્યા ઈસમો નકુચો તોડી મંદિરના ગર્ભમાં પડેલા તાંબાના લોટા તેમજ નાની-મોટી વસ્તુઓ ચોરી ગયા હતા. આ ઉપરાંત બાજુમાં આવેલી નાની બે રૂમના પણ તાળાં તોડી એકમાંથી મોંઘા બે પાણીનાં નળ કાઢીને ચોરી ગયા હતા. 

આ મામલે મંદિરના પૂજારી નટુભાઈએ ટ્રસ્ટીઓને જાણ કરતા ટ્રસ્ટીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. ટ્રસ્ટી દેવેન્દ્ર રાવલના જણાવ્યા પ્રમાણે મંદિરમાંથી અંદાજે રૂ. ૪૦,૦૦૦ ની કિંમતના વાસણો ચોરી થઈ ગયા છે.

પૂર્વ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસ ટીમ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી. આસપાસની દુકાનોના તેમજ અંબાજી મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ દ્વારા આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ મંદિરમાં બે મોટા સ્પીકરોની ચોરી થઈ હોવાનું ટ્રસ્ટીઓ જણાવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં તસ્કરો એક જ રાતમાં 8 મંદિરોમાં ચોરી કરી ફરાર થઈ ગયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.