મેલડી માતા-રામદેવપીરે ધાર્યું કામ ન કર્યું તો ભક્તે મંદિર સળગાવી દીધું

રાજકોટ પાસેના એક ગામમાં રામદેવપીર અને મેલડી માતામાં આસ્થા ધરાવતા એક વ્યક્તિએ ધાર્યું કામ ન થતા આ દેવી-દેવતાઓના મંદિરને આગ ચાંપી દીધી હતી.

મેલડી માતા-રામદેવપીરે ધાર્યું કામ ન કર્યું તો ભક્તે મંદિર સળગાવી દીધું
image credit - Google images

અંધશ્રદ્ધાનો અતિરેક થાય, માણસ પોતાની મહેનત અને આવડત કરતા કાલ્પનિક ઈશ્વરી શક્તિઓ પર મદાર રાખતો થઈ જાય ત્યારે સ્વાભાવિક છે કે તેનો ધાર્યો લક્ષ્યાંક પાર ન પડે. આવું થાય ત્યારે માણસ હતાશ થઈ જતો હોય છે અને ગુનાઈત કૃત્ય કરી બેસતો હોય છે. આવું જ કંઈક રાજકોટ જિલ્લાના એક ગામમાં બન્યું હતું. અહીં બે દિવસ પહેલા ગામમાં આવેલા મેલડી માતા અને રામદેવપીરના મંદિરમાં આવેલી છબીઓને કોઈ આગ લગાડી દીધી હતી. જેને લઈને ગામમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકો રામદેવપીર અને બંગલાવાળી મેલડી માતામાં ભારે શ્રદ્ધા ધરાવે છે અને તેમની છબીઓને જ આગ લાગી જતા સૌ કોઈ આઘાત પામ્યા હતા. આ મામલે ગામના એક અગ્રણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ગામના જ પૂર્વ સરપંચે માતાજી અને રામદેવપીરે તેમનું ધાર્યું કામ પાર ન પાડ્યું હોવાથી તેમની શ્રદ્ધાને ભારે ઠેસ પહોંચતા બંને છબીઓ સળગાવી દીધી હતી. આ મામલે હવે તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

પૂર્વ સરપંચે જ મંદિર સળગાવી દીધાં
મામલો રાજકોટ જિલ્લાના જીયાણા ગામનો છે. અહીં બે દિવસ પહેલા રાત્રે કેટલાક તત્વો દ્વારા રામદેવપીરની મૂર્તિ અને બંગલાવાળી મેલડી માતાજીની છબીને આગ લગાવી દીધી હતી. જેને લઈને ગામલોકોની લાગણી દુભાઈ હતી. ઘટનાના પગલે લોકો ગુસ્સે ભરાયા હતા. આ મામલે બાદમાં ગામના અગ્રણી કાનજી મેઘાણીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ રાઠોડ સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ગામના જ પૂર્વ સરપંચ અરવિંદ સરવૈયાની ધરપકડ કરવામાં આવી હતી.

અરવિંદ સરવૈયાએ જ રામદેવપીર મંદિર અને મેલડી માતાજીના મંદિરમાં આગ લગાવી હતી. તેઓ અન્ય એક વાસંગી દાદાના મંદિરને પણ સળગાવી દેવા માંગતા હતા પરંતુ ત્યાં તાળું મારેલું હોવાથી તે બચી ગયું હતું. પોલીસે અરવિંદ સરવૈયાની પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રામદેવપીર અને મેલડી માતામાં શ્રદ્ધા રાખીને પોતે એક કામ ધાર્યું હતું અને તે પૂર્ણ થઈ જશે તેવો વિશ્વાસ હતો, પણ તેવું થયું નહોતું. આથી તેમની રામદેવપીર અને મેલડી માતા પરની શ્રદ્ધા ડગી ગઈ હતી, તેમની લાગણી ઘવાઈ હતી. તેઓ આ બંને દેવોથી નારાજ હતા, આથી આવેશમાં આવી જઈને રાત્રે તેમના મંદિરમાં જઈને તેમની છબિઓને આગ લગાડી દીધી હતી.

આ પણ વાંચોઃ ડાકોરના રણછોડજી મંદિરમાં મંગળા આરતી વખતે ભક્તો વચ્ચે મારામારી

અરવિંદભાઈ ભારે ભક્તિભાવવાળા છે
પોલીસને અરવિંદભાઈ વિશે બીજી પણ કેટલીક જાણકારી મળી હતી. એ મુજબ તેઓ ખૂબ જ ભક્તિભાવ વાળા માણસ છે. ઈશ્વરી શક્તિ અને દેવી-દેવતાઓમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. ખાસ કરીને ગામમાં આવેલા રામદેવપીર અને બંગલાવાળી મેલડી માતામાં તેમને વિશેષ શ્રદ્ધા છે. છેલ્લાં કેટલાક સમયથી તેઓ કોઈ અંગત કારણોસર ચિંતાતુર રહેતા હતા. તેમણે પૂજાપાઠ વધારી દીધા હતા અને આ બંને દેવી-દેવતાઓને શ્રદ્ધાપૂર્વક પૂજાપાઠ કરી તેમનું કામ પાર પડે તે માટે આજીજી કરતા હતા. જો કે, લાંબા સમય પછી પણ તેમનું ધારેલું કામ પૂર્ણ ન થતા તેમનો ગુસ્સો ફાટી પડ્યો હતો અને તેમણે વાહનનું ટાયર સળગાવીને મંદિરમાં નાખ્યું હતું. જેમાં રામદેવપીરની મૂર્તિ અને મેલડી માતાની છબિ સળગી ગઈ હતી. તેઓ ગામમાં આવેલું વાસંગી દાદાનું મંદિર પણ સળગાવી દેવા માંગતા હતા પણ ત્યાં તાળું મારેલું હોવાથી એવું કરી શક્યા નહોતા.

આ પણ વાંચોઃ પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા-કાશી લઈ ગયો, નારાજ થયેલી પત્નીએ કરી છુટાછેડાની અરજી

ત્રણ વર્ષ પહેલા પત્ની-બાળકો છોડીને જતા રહ્યા હતા
અરવિંદ સરવૈયાએ આ મંદિરોમાં આગ લગાડી હોવાનું કબૂલ્યું હતું. તેની પાછળનું કારણ એવું જણાયું છે કે ત્રણ વર્ષ પહેલા તેમના પત્ની અને બાળકો તેમને છોડીને જતા રહ્યા હતા. ત્યારથી તેઓ સતત પૂજાપાઠમાં વ્યસ્ત રહેતા હતા અને માતાજજી-રામદેવપીરને વિનંતી કરતા હતા. પણ તેમ છતાં પત્ની અને બાળકો તેમની પાસે પરત ન ફરતા તેમની લાગણીને ઠેસ પહોંચી હતી અને તેમણે મંદિરને આગ લગાડી દીધી હતી.

પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
આથી આ મામલે રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશને આઈપીસીની કલમ 295, 435 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌરાષ્ટ્રને સૌથી ધાર્મિક વિસ્તાર ગણવામાં આવે છે. અહીં વિવિધ વિસ્તારોમાં કોઈને કોઈ સંત મહાત્મા કે ભગવાન-માતાજીના જાણીતા મંદિરો આવેલા છે. જેના નામે લાખો કરોડો રૂપિયાનું દાન આવે છે, તેમાંથી ભંડારાઓ થાય છે, કથાઓ, પારાયણો બેસાડાય છે, મોટાં ઉત્સવો ઉજવાય છે. જેના કારણે શ્રદ્ધાળુઓ તેમની મહેનત અને ક્ષમતા પર વિશ્વાસ કરવાનું ભૂલીને ઈશ્વરી શક્તિના ચમત્કાર પર આધાર રાખીને જીવન જીવવાનું ચાલું કરી દે છે. જેમાં ક્યારે અરવિંદ સરવૈયા જેમ શ્રદ્ધાને ઠેસ પણ લાગે છે અને પછી ગુનાઈત કૃત્ય કરી બેસે છે.

આગળ વાંચોઃ રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.