કર્મચારીને ખોટી રીતે છૂટાં કરનારા નોકરીદાતાને ‘પ્રીમિયમ’ ન મળી શકે

ગુજરાત હાઈકોર્ટે આરપીએફના એક કોન્સ્ટેબલને નોકરીમાં પરત લીધાં બાદ બાકી નાણાં ન ચૂકવવા મુદ્દે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે.

કર્મચારીને ખોટી રીતે છૂટાં કરનારા નોકરીદાતાને ‘પ્રીમિયમ’ ન મળી શકે
all image credit - Google images

આરપીએફના કોન્સ્ટેબલને નોકરીમાં પરત લઇને બાકી નાણાં (બેક વેજીઝ) ચૂકવવાના સિંગલ જજના ચુકાદાને પડકારતી આરપીએફના ડિરેક્ટર જનરલની અપીલને રદ કરતાં હાઇકોર્ટે એવું મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે, ‘સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે ઠરાવ્યું છે કે કોઈ કર્મચારીને ખોટી રીતે કે ગેરકાયદેસર રીતે નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોય ત્યારે નોકરી આપનારે ખોટું કર્યું હોવાનું કહેવાય અને કર્મચારી પીડિત ગણાય. ત્યારે ખોટું કરનાર નોકરી દાતાને કર્મચારીના બાકી નાણાં ચૂકવવામાંથી મુક્તિ આપીને ‘પ્રીમિયમ’ (લાભ કે રાહત) આપવું યોગ્ય અને ન્યાયી નથી.’ હાઇકોર્ટની ડિવિઝન બેંચે સિંગલ જજના ચૂકાદાને બહાલ રાખતાં આદેશની નકલ મળ્યાના આઠ સપ્તાહમાં કર્મચારીને ૫૦% બેક વેજીસ આપવાનો આદેશ કર્યો છે.

પ્રસ્તુત કેસમાં આરપીએફના ડિરેક્ટર જનરલ અને અન્યો દ્વારા હાઇકોર્ટના સિંગલ જજના ચૂકાદા સામે ડિવિઝન બેંચમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં કર્મચારી આરપીએફમાં કોન્સ્ટેબલ હતો તેને સિંગલ જજના ચૂકાદા મુજબ નોકરીમાં પરત લઇ લેવામાં આવ્યો હતો પરંતુ ૫૦% બેક વેજીસની ચૂકવણીથી નાણાકીય બોજો પડશે એવી દલીલ કરવામાં આવી હતી. એવી દલીલ પણ કરવામાં આવી હતી કે એકવાર પેનલ્ટી લગાવી દેવામાં આવી હોય ત્યારબાદ બેક વેજીસ આપવાથી નાણાકીય ફટકો પડશે.  ડિવિઝન બેંચે કેસના તમામ તથ્યો અને સામે આવેલી હકીકતોનું મૂલ્યાંકન કરતાં ચૂકાદામાં નોંધ્યું હતું કે, ‘સિંગલ જજના આદેશને ધ્યાનમાં લઇએ તો પણ સ્પષ્ટ થાય છે કે ખુદ રિવ્યૂ કરનારી ઓથોરિટીએ એના આદેશમાં નોંધ્યું હતું કે,‘પત્નીની માંદગીના સંજોગોના પગલે કર્મચારી નોકરીએ હાજર રહી શક્યો નહોતો’. તેની રજાની અરજી ડોક્યુમેન્ટેડ છે અને તે ૪૫ દિવસ બાદ નોકરી પર પરત હાજર થઇ ગયો હતો. તેથી એક્સ-કોન્સ્ટેબલનો કોઈ બદઈરાદો નહોતો. પરંતુ તેની બિમાર પત્નીના કારણે તે હાજર થઇ શક્યો નહોતો. તેથી ખુદ વિભાગને પણ એમ જણાયું હતું કે કર્મચારી અનઅધિકૃત રીતે ગેરહાજર રહ્યો નહોતો. આ વાતની નોંધ લઇ સિંગલ જજે કર્મચારીને નોકરીમાં પરત લેવાની અને ૫૦% બેક વેજીસ આપવાનો હુકમ કર્યો હતો. જો કે આ અપીલ દાખલ થાય એ પહેલાં જ કર્મચારીને સર્વિસમાં લઇ લેવામાં આવ્યો હોવાનું ખુદ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું.’ 

ખંડપીઠે વધુમાં નોંધ્યું હતું કે,‘ઉક્ત સંજોગોમાં અમારી સમક્ષ માત્ર એટલો જ મુદ્દો રહે છે કે કર્મચારીને ૫૦% બેક વેજીસની ચૂકવણી કરવી કે કેમ. વિભાગનું કહેવું છે કે ૫૦% બેક વેજીસ આપવાથી કર્મચારીની ગેરવર્તણૂંક સામે તેને પ્રિમિયમ આપવા સમાન થશે. જો કે સુપ્રીમ કોર્ટનાં દિપાલી ગુંડુ અને તે સિવાય પ્રદીપ જૈનના કેસોને ધ્યાનમાં લેવામાં આવે તો એમાં સ્પષ્ટ છે કે જો નોકરીદાતા દ્વારા વૈધાનિક જોગવાઇઓનો ભંગ કરવામાં આવ્યો હોય તો કર્મચારી પીડિત ગણાય અને તેને બેક વેજીઝની ચૂકવણી કરવાનો હુકમ ન્યાયી કહેવાય. બીજી તરફ સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઇ કર્મચારીને ખોટી રીતે કે ગેરકાયદેસર રીતે નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોય ત્યારે નોકરી આપનારે ખોટું કર્યું હોવાનું કહેવાય અને કર્મચારી પીડિત ગણાય. ત્યારે ખોટું કરનારા નોકરી દાતાને કર્મચારીના બાકી નાણાં ચૂકવવામાંથી મુક્તિ આપીને ‘પ્રિમિયમ’ આપી શકાય નહીં.’

આ પણ વાંચો: લિવ-ઈન રિલેશનશિપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક' છેઃ છત્તીસગઢ હાઈકોર્ટ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.