રામ મંદિરના પૂજારી બનવા 3000 અરજી આવી, 200ના ઈન્ટરવ્યૂ થશે, 20ની પસંદગી થશે
રામ મંદિરના પૂજારી બનવા માટે 3000 ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાંથી 200 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે અને તે પૈકી 20ની પસંદગી કરવામાં આવશે.
અયોધ્યામાં બની રહેલું રામ મંદિર ફરી ચર્ચામાં છે. મંદિર શરૂ થવા ઉપરાંત પૂજારીની ભરતી પ્રક્રિયાએ પણ ઉત્સુકતા જગાવી છે. રામ મંદિરના પૂજારી બનવા માટે 3000 ઉમેદવારોએ અરજી કરી હતી. તેમાંથી 200 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા છે અને તે પૈકી 20ની પસંદગી કરવામાં આવશે. આવતા વર્ષે મકરસંક્રાંતિ પછી 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિર શરૂ થશે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગિરીએ જણાવ્યું હતું કે 200 ઉમેદવારોને તેમની યોગ્યતાના આધારે ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા છે અને ટ્રસ્ટ દ્વારા તેમને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. અયોધ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના મુખ્યાલય કારસેવક પુરમ ખાતે તેમનો ઈન્ટરવ્યૂ યોજાઈ રહ્યો છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર વૃંદાવનના જયકાંત મિશ્રા અને અયોધ્યાના બે મહંત મિથિલેશ નંદિની શરણ અને સત્યનારાયણ દાસની ત્રણ સભ્યોની પેનલ તેમનો ઈન્ટરવ્યૂ લઈ રહી છે.
આ 200 ઉમેદવારોમાંથી 20 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને છ મહિનાની તાલીમ બાદ પુરોહિત તરીકે નિયુક્ત કરવામાં આવશે અને તેમને વિવિધ પોસ્ટ્સ પર નિમણૂક આપવામાં આવશે.
ગોવિંદ દેવગીરીએ વધુમાં જણાવ્યું હતું કે જેઓ પસંદગી પામ્યા નથી તેઓ પણ તાલીમમાં ભાગ લઈ શકશે, તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ ઉમેદવારોને ભવિષ્યમાં તક આપવામાં આવી શકે છે. ઉમેદવારોની તાલીમ ટોચના સંતો દ્વારા તૈયાર કરાયેલા ધાર્મિક અભ્યાસક્રમ પર આધારિત હશે. તાલીમ દરમિયાન, ઉમેદવારોને મફત ભોજન અને રહેવાની સુવિધા મળશે અને તેમને 2,000 રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે.
ઉમેદવારોને આ પ્રશ્નો પૂછવામાં આવ્યા
ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમ કે, ‘સંધ્યા વંદન’ શું છે, તેની પદ્ધતિઓ શું છે અને આ પૂજા માટેના ‘મંત્રો’ શું છે? રામની ઉપાસના માટેના ‘મંત્રો’ શું છે અને તેના માટે ‘કર્મકાંડ’ શું છે? આવા સવાલ ઉમેદવારોને પૂછવામાં આવે છે.
પૂજા પદ્ધતિ શું ફેરફાર થશે?
અયોધ્યામાં બનેલા રામ મંદિરમાં પૂજા કરવાની પદ્ધતિ પણ હાલની પદ્ધતિથી અલગ હશે જે રામાનંદીય સંપ્રદાય અનુસાર હશે. આ પૂજા માટે ખાસ અર્ચના કરવામાં આવશે. રામજન્મભૂમિ સંકુલમાં સ્થિત અસ્થાયી મંદિરમાં અત્યાર સુધી અયોધ્યાના અન્ય મંદિરોની જેમ પંચોપચાર પદ્ધતિ (સામાન્ય રીત)થી પૂજા કરવામાં આવે છે. તેમાં રામજીને ભોજન અર્પણ, નવા વસ્ત્રો પહેરાવવા અને પછી સામાન્ય પૂજા અને આરતીનો સમાવેશ થાય છે. પરંતુ 22 જાન્યુઆરી 2024ના રોજ અભિષેક પછી આ બધું બદલાઈ જશે. પ્રાણ પ્રતિષ્ઠા પછી પૂજા વિધિ રામાનંદીય પરંપરા મુજબ કરવામાં આવશે. મુખ્ય પૂજારી, સહાયક પૂજારી અને સેવકો માટે રામાનંદીય પૂજા પદ્ધતિમાં રામલલાની પૂજા કરવાની જોગવાઈ રહેશે. જેમાં વસ્ત્રો પહેરવાની રીત સહિત પૂજાની ઘણી બાબતો નક્કી કરવામાં આવશે. હનુમાન ચાલીસાની જેમ, રામની સ્તુતિ કરવા માટે નવી પોથી હશે. જેની રચના કરવામાં આવી છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા મુસ્લિમ સમાજે PM મોદીને કરી અપીલ, કહ્યું- આપ જ મસ્જિદનો શિલાન્યાસ કરો!
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.