અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયું

ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત  ઠેરવ્યા છે.

અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈશ્યૂ કરાયું
image credit - Google images

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત  ઠેરવ્યા છે. જે લોકો પર લાંચ આપવાના અને ફ્રોડનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સંબંધિત સાત અન્ય લોકો પણ સામેલ છે. આરોપો બાદ અદાણી એન્ટરપ્રાઈસિસે બોન્ડ દ્વારા ૬૦ કરોડ ડોલર ભેગા કરવાની યોજના રદ કરી છે. અહેવાલ મુજબ આ લાંચ સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને અપાઈ હતી. 

અદાણી તરફથી તાજેતરમાં ગ્રીન એનર્જી સેક્ટરમાં ભારે રોકાણ કરવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તરફથી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શુભેચ્છા આપવાની સાથે કરાઈ હતી. ટ્રમ્પે એનર્જી કંપનીઓ માટે નિયમોને સરળ બનાવવાનું વચન આપ્યું છે. જેનાથી તેમને ફેડરલ લેન્ડ પર ડ્રિલિંગ કરવામાં અને પાઈપલાઈન બનાવવામાં સરળતા રહેશે. બીજી બાજુ અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન તરફથી ગૌતમ અદાણી પર અમેરિકી રોકાણકારોને દગો કરવાના અને અધિકારીઓને લાંચ આપવાના આરોપ લગાવવામાં આવ્યા છે. 

અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી (૩૦), અદાણી ગ્રીન એનર્જીના અધિકારી અને એજ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના એક એક્ઝિક્યુટિવ સિરિલ કેબનેસ પર મલ્ટી બિલિયન ડોલરની યોજના હેઠળ અમેરિકી રોકાણકારો અને ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટથી પૈસા મેળવવા માટે ખોટા અને ભ્રામક નિવેદનો દ્વારા પ્રતિભૂતિ અને વાયર ફ્રોડ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ આરોપોનો સંબંધ એક અબજો ડોલરના પ્રોજેક્ટ સાથે હોવાનું કહેવાય છે. 

આરોપ પત્રમાં કહેવાયું છે કે અદાણી અને અન્ય લોકોએ લગભગ ૨૬૫ મિલિયન ડોલરની લાંચ આપી છે. તેમને આશા હતી કે આ કોન્ટ્રાક્ટથી આગામી બે દાયકામાં ૨ બિલિયન ડોલરથી વધુનો ફાયદો થશે. એવો પણ દાવો છે કે યોજનામાં સામેલ કેટલાક લોકોએ ગૌતમ અદાણી માટે 'ન્યૂમેરો ઉનો' અને 'ધ બિગ મેન' જેવા કોડ વર્ડ વાપર્યા હતા. આરોપ છે કે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને એક અન્ય એક્ઝીક્યુટિવ વિનીત જૈને અદાણી ગ્રીન એનર્જી માટે ૩ અબજ ડોલરથી વધુની લોન અને બોન્ડ મેળવવા માટે લેણદારો અને રોકાણકારોથી લાંચને છૂપાવી રાખી હતી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પરિણામોથી અદાણી ગ્રુપને મોટો ફટકો

આ બધા આરોપ Foreign Corrupt Practices Act હેઠળ આવે છે જે વિદેશી વ્યાપારિક લેવડદેવડમાં લાંચ વિરુદ્ધના અમેરિકી કાયદા છે. આસિસ્ટન્ટ એટોર્ની જનરલ લિસા એચ મિલરે કહ્યું કે આરોપ પત્રમાં ભારતીય સરકારી અધિકારીઓને ૨૫૦ મિલિયન યુએસ ડોલરથી વધુની લાંચ આપવા, રોકાણકારો અને બેંકોથી અબજો ડોલર ભેગા  કરવા માટે ખોટું બોલવા અને તપાસમાં વિધ્ન નાખવાની યોજનાઓનો આરોપ લગાવવામાં આવ્યો છે. 

કેસમાં જેમના નામ છે તેમાં - ગૌતમ અદાણી (૬૨), સાગર એસ અદાણી (૩૦), વિનિત એસ. જૈન (૫૩)- રંજીત ગુપ્તા(૫૪), સિરિલ કબાનેસ (૫૦), સૌરભ અગ્રવાલ (૪૮), દીપક મલ્હોત્રા(૪૫), રૂપેશ અગ્રવાલ (૫૦) નો સમાવેશ થાય છે. 

રિપોર્ટ્‌સમાં દાવો કરાયો છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરાયું છે. અમેરિકી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશનએ બે લોકો અને એક અન્ય વ્ય્કતિ, સિરિલ કેબનેસ વિરુદ્ધ સંબંધિત દીવાની આરોપ દાખલ કર્યા છે. અમેરિકી સરકારે હજુ સુધી  અદાણી અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ વિશિષ્ટ આરોપો વિશે પૂરી જાણકારી આપી નથી.

અદાણી ગ્રુપે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. જૂથે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અદાણી ગ્રીનના ડિરેક્ટરો પર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.

અદાણી ગ્રૂપે નિવેદનમાં જણાવ્યું હતું કે, "યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા જ જણાવવામાં આવ્યું છે તેમ, "તપાસમાં મૂકવામાં આવેલા આરોપો સમાન છે અને જ્યાં સુધી દોષિત સાબિત ન થાય ત્યાં સુધી પ્રતિવાદીઓ નિર્દોષ હોવાનું માનવામાં આવે છે."

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'અદાણી જૂથ હંમેશા ઉચ્ચતમ ધોરણોનું પાલન કરે છે અને તેના તમામ ઓપરેટિંગ ક્ષેત્રોમાં શાસન, પારદર્શિતા અને નિયમનકારી અનુપાલન જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે અમારા હિતધારકો, ભાગીદારો અને કર્મચારીઓને ખાતરી આપીએ છીએ કે અમે કાયદાનું પાલન કરતી સંસ્થા છીએ, તમામ કાયદાઓનું સંપૂર્ણ પાલન કરીએ છીએ.

ગૌતમ અદાણી પર યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા ભારતમાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને ઇં૨૫૦ મિલિયન લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય પર ૨૦૨૦ અને ૨૦૨૪ ની વચ્ચે સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે ભારતીય સરકારી અધિકારીઓને ૨૫૦ મિલિયન ડોલરથી વધુ લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. એક અંદાજ મુજબ, આનાથી અદાણી જૂથને બે અબજ ડોલરથી વધુનો નફો થવાની સંભાવના હતી.

યુએસ પ્રોસિક્યુટર્સે આરોપ લગાવ્યો હતો કે આ બધું અમેરિકન બેંકો અને રોકાણકારોથી છુપાવવામાં આવ્યું હતું, જેમની પાસેથી અદાણી ગ્રુપે પ્રોજેક્ટ માટે અબજો ડોલર એકત્ર કર્યા હતા. ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લાના યુએસ એટર્ની બ્રાયન પીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "પ્રતિવાદીઓએ અબજો ડોલરના કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાનું એક વિસ્તૃત કાવતરું ઘડ્યું હતું.”

આ પણ વાંચો: હિંડનબર્ગે અદાણીનું સામ્રાજ્ય હચમચાવી દીધું, અબજોનો ફટકો પડ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.