રાજ્ય સરકાર 6 જિલ્લાઓનું વિભાજન કરી નવા 3 જિલ્લા બનાવશે?
જાન્યુઆરી સુધીમાં અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મહેસાણા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી ત્રણ નવા જિલ્લા બનશે.

રાજ્યના જિલ્લાઓની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી સંભાવના બળવત્તર બની છે. રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી સુધીમાં રાજ્યના કેટલાક જિલ્લાઓનું વિભાજન કરીને નવા ત્રણ જિલ્લા બનાવવાનું આયોજન થઈ રહ્યું છે.
આ અંગે મળતી વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા આગામી જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે, ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે તેવું જાણવા મળ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના પ્રવર્તમાન ૩૩ જિલ્લાઓ છે તેમાંથી કેટલાક વિસ્તારોનું વિભાજન કરીને ત્રણ નવા જિલ્લા બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓનું વિભાજન કરી નવા ત્રણ જિલ્લા બનાવવાની વિચારણા ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આ નવા જિલ્લા બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે, તેમાં વિરમગામ, વડનગર અને રાધનપુર અથવા થરાદ જિલ્લાનો સમાવેશ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હાલના સંજોગોમાં કુલ 252 તાલુકા આવેલા છે. જ્યારે ગુજરાતમાં હાલ કુલ 18000 ગામડાં આવેલાં છે. જ્યારે ગુજરાતમાં હયાત ૮ મહાનગરપાલિકાઓ ઉપરાંત તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા નવી ૭ મહાપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી. આમ રાજ્યમાં કુલ મળીને ૧૫ મહાપાલિકાઓ આવેલી છે. જો રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લાની રચના કરવામાં આવે તો આગામી જાન્યુઆરી મહિના ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 33થી વધીને 36 પર પહોંચી જશે.
ગુજરાત સરકાર દ્વારા નવા ત્રણ જિલ્લાઓની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા નવા ત્રણ જિલ્લા બનાવવા અંગે વિચારણા ચાલી રહી છે. આ નવા બની રહેલા જિલ્લાઓમાં વડનગર, વિરમગામ અને થરાદ અથવા રાધનપુરનું નામ ચર્ચામાં છે.
આ પણ વાંચો: સફાઈ કામદારની નોકરી માટે 45,000 BA-MA યુવાનોએ અરજી કરી