ગીર આસપાસનો કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર

કેન્દ્ર સરકારે ગીરના એશિયાઈ સિંહોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા ઇકો-સેન્સિટિવ ઝોનની જાહેરાત કરી છે. જેમાં ત્રણ જિલ્લાના કુલ ૧૯૬ ગામો અને ૧૭ નદી સામેલ છે.

ગીર આસપાસનો કુલ ૧.૮૪ લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર
image credit - Google images

Gir New Eco Sensitive Zone Declare: સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતના ગીર વિસ્તાર(Gir Area)માં એશિયાઈ સિંહ(Asiatic Lion) જોવા મળે છે. ગીરમાં સિંહોની વસ્તી વધી રહી છે, એટલું જ નહીં તેમનો વસવાટ વિસ્તાર પણ વધ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારની આસપાસના વિસ્તારોનો ઇકો-સેન્સિટિવ ઝોન(Eco Sensitive Zone)માં સમાવેશ કર્યો છે. આ નવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં ત્રણ જિલ્લાના ૧૯૬ ગામો અને ૧૭ નદીઓનો સમાવેશ કરાયો છે. 
કેન્દ્ર સરકાર દ્વારા ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુના કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલ ઇકો- સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ ૨.૭૮ કિ.મી. અને વધુમાં વધુ ૯.૫૦ કિ.મી. રાખવામાં આવ્યું છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું. 

વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈએ કહ્યું હતું કે, નવા ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ ૧૭ નદીઓના રિવર કોરિડોર અને સિંહોના અવર-જવર વાળા ૪ મહત્વના કોરિડોરને આવરી લેવાશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ-૫૯ ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-૭૨ ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-૬૫ ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-૧૯૬ ગામોના ૨૪,૬૮૦.૩૨ હેક્ટર વન વિસ્તાર તથા ૧,૫૯,૭૮૫.૮૮ હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ ૧,૮૪,૪૬૬.૨૦ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે. આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યાર સુધી ગીર રક્ષીત વિસ્તારની હદથી ૧૦ કિલોમીટરની ઇકો- સેન્સિટીવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકે અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ-૧,૪૬૮.૧૬ ચો.કિ.મી. વિસ્તાર આરક્ષિત કરાયો છે. કેન્દ્ર સરકાર અને સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન- નિયમ મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ‘ઇકો- સેન્સિટિવ ઝોન’ જાહેર કરવાનો થતો હોય છે, જે રક્ષિત વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે ૧૦ કિ.મી. ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે. જેથી અત્યાર સુધી આ વિસ્તારને ફરતે ૧૦ કિ.મી. સુધી  ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો. સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરાઈ હતી. આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી ભારત સરકાર દ્વારા તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

રાજ્ય મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું કે, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલા ગામોમાં છેલ્લા ૧૦ વર્ષોની સિંહોની અવર-જવરની રેડિયો કોલર આધારિત વિગતો, સિંહ દ્વારા કરાતા મારણ, સિંહોના અવર-જવરના મહત્વના કોરિડોર તથા રિવર કોરિડોર જેવા વિસ્તારને આવરી લઇ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે.

આ પણ વાંચોઃ સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભાજપના સભ્યો બનાવી દેવાનું કૌભાંડ ઝડપાયું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.