IIT Campus Placement માં ભેદભાવનો ભય, કંપનીઓ માંગી રહી છે SC/ST/OBC વિદ્યાર્થીઓની જાતિની માહિતી
દેશની વિવિધ IIT ઓમાં હાલ કેમ્પસ પ્લેસમેન્ટ ચાલી રહ્યાં છે. જો કે અહીં કેટલીક કંપનીઓએ દલિત, આદિવાસી અને ઓબીસી વિદ્યાર્થીઓની જાતિ વિશેની માહિતી માંગતા ભેદભાવનો ભય પેદા થયો છે.
IITs ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂ લેતી કેટલીક કંપનીઓએ વિદ્યાર્થીઓને તેમની જ્ઞાતિની પૃષ્ઠભૂમિ અથવા ત્રણ વર્ષ પહેલાં JEEમાં મેળવેલ રેન્કનો ઉલ્લેખ કરવા કહ્યું છે, જેના કારણે ભેદભાવના આક્ષેપો થયા છે.
ધ ટેલિગ્રાફમાં છપાયેલા અહેવાલ મુજબ વિદ્યાર્થીઓએ આઈઆઈટી મેનેજમેન્ટ પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ માને છે કે આ ડેટા અનુસૂચિત જાતિ(SC) અનુસૂચિત જનજાતિ(ST) અને અન્ય પછાત વર્ગ(OBC)ના વિદ્યાર્થીઓની કારકિર્દી માટે સંભવિત ખતરો બની શકે છે.
IIT Kanpur અને IIT Guwahatiના કેટલાક SC અને ST વિદ્યાર્થીઓએ ત્યારે ચિંતા વ્યક્ત કરી હતી જ્યારે તેમને કેમ્પસ પ્લેસમેન્ટ ઈન્ટરવ્યtમાં હાજર રહેવા માટે ફોર્મ જમા કરતી વખતે તેમાં
તેમના JEE Advance ના Rank અને તેમની જાતિ વિશેની માહિતી માંગવામાં આવી હતી.
ઉદાહરણ તરીકે IIT કાનપુરના વિદ્યાર્થીઓમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા વિતરિત કરવામાં આવેલા ફોર્મમાં, તેમની જાતિ સંબંધિત માહિતી માંગવામાં આવી હતી. નિવા બુપા અને મેરિલિટિક્સે 2020માં JEE એડવાન્સ્ડમાં IIT કાનપુરના વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલ રેન્કની માંગ કરી હતી. જગુઆર અને લેન્ડ રોવર (JLR)એ IIT ગુવાહાટીના વિદ્યાર્થીઓના JEE રેન્ક માટે પૂછ્યું હતું.
હાલમાં IITમાં કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ચોથા વર્ષના B.Tech વિદ્યાર્થીઓ ભાગ લે છે. SC અને ST વિદ્યાર્થીઓને ચિંતા છે કે તેમના JEE રેન્કથી તેમના સંભવિત નોકરીદાતાઓને ખબર પડી જશે કે તેઓએ અનામત કેટેગરીમાં IITsમાં પ્રવેશ મેળવ્યો છે, જેમના કટ-ઓફ માર્ક્સ સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ કરતા ઓછા છે.
ધ ટેલિગ્રાફના રિપોર્ટ મુજબ તેણે આ મામલે નિવા બુપા અને મેરીલિટીક્સ કંપનીને આરોપો પર તેમના મંતવ્યો મેળવવા માટે ઇમેઇલ થકી કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, પણ કંપનીઓએ તેના જવાબો આપ્યા નહોતા.
L&Tના ચીફ કોમ્યુનિકેશન ઓફિસર સુમિત ચેટર્જીએ જણાવ્યું હતું કે, કંપની જાતિ, સંપ્રદાય, રંગ અથવા લૈંગિક ભેદભાવને બદલે સમાન તક અને સિદ્ધાંતોને જાળવી રાખીને સમાવેશી અને વૈવિધ્યસભર કાર્યસ્થળને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
JLRના પ્રવક્તાએ જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, 'JLR તેની પસંદગી પ્રક્રિયા દરમિયાન કોઈપણ કારણોસર કોઈપણ ઉમેદવાર સામે તેના ડેટાના દુરૂપયોગના કોઈપણ આરોપને સ્પષ્ટપણે નકારે છે. JLR તેના કર્મચારીઓને એક સમાન તકોની સાથે વૈવિધ્યસભર, સમાવિષ્ટ કાર્યસ્થળને ઉત્તેજન આપવા માટે પ્રતિબદ્ધ છે.'
જો કે, આ કંપનીઓ સ્પષ્ટતા છતાં એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને એ બાબત પર ભરોસો નથી બેસી રહ્યો કે તેમની પસંદગી માત્ર તેમની પ્રતિભાના આધારે થશે.
આગળ વાંચોઃ દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ