વાલ્મિકી સમાજનું ગૌરવઃ Godharaની હિરલ સોલંકી બની Gujarat Under-23 ક્રિકેટ ટીમની કેપ્ટન

ક્રિકેટ જેવી સવર્ણોની મોનોપોલી ધરાવતી રમતમાં બહુજન સમાજને અન્યાયની વાત વર્ષો જૂની છે, ત્યારે વાલ્મિકી સમાજની એક દીકરીએ તેમાં પ્રવેશ મેળવીને દીકરીઓને એક નવી દિશા ચીંધી છે.

વાલ્મિકી સમાજનું ગૌરવઃ Godharaની હિરલ સોલંકી બની Gujarat Under-23 ક્રિકેટ ટીમની કેપ્ટન
હિરલ સોલંકી તેના પિતા સાથે

પંચમહાલની બહુજન સમાજની બે દિકરીઓ હિરલ સોલંકી અને વીણા વણઝારાએ બહુજન સમાજનું નામ રોશન કર્યુ છે. આ બંને દિકરીઓની ગુજરાતની અન્ડર 23 ટીમમાં પસંદગી થઈ છે. ગોધરાની હિરલ સોલંકીની ગુજરાત મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ છે. જયારે ખોજલવાસની વીણા વણઝારાની વિકેટકીપર તરીકે પસંદગી થઈ છે. મુંબઈ ખાતે યોજાનાર આંતરરાજય ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ બંને દિકરીઓ ભાગ લેશે.

આ બંને દિકરીઓ બહુજન સમાજમાંથી આવે છે. અહીં સુધી પહોંચવામાં તેમણે ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. બે ટંક ભોજનના પણ સાંસા હતા તે પરિવારની આ દીકરીઓ તેમની પ્રતિભાના જોરે અહીં સુધી પહોંચી છે. તેમને ટ્રેનિંગ માટે પુરતી સુવિધા નહોતી પરંતુ કોચ કિશોરભાઈએ તેમને મદદ કરતા તેઓ અહીં સુધી પહોંચી શકી છે. આગળ તેઓ ટીમ ઈન્ડિયામાં રમવા માંગે છે.

હિરલના પિતા સફાઈ કામદાર છે

હિરલ સોલંકી ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં રહે છે. તેના પિતા એક સફાઈકામદાર છે. હિરલ એક ઝૂંપડા જેવા મકાનમાં રહે છે જયાં લાઈટ કે પાણીની કોઈ સુવિધા નથી. બે ટાઈમ પુરતું જમવાનુ પણ માંડ મળે છે. હિરલને બાળપણથી જ ક્રિકેટ રમવાને શોખ હતો પરંતુ તેનો શોખ પુરો કરવા માટે તેના પરિવાર પાસે પૈસા કે પુરતા સાધનો નહોતા. જેમતેમ કરીને હિરલ ગોધરાના એક ક્રિકેટ તાલીમ વર્ગમાં જોડાઈ હતી, ત્યાં તેનું પરફોર્મન્સ સારું રહયું તેથી કોચ તરફથી આર્થિક સહિત તમામ પ્રકારની મદદ કરવામાં આવી હતી. ત્યારબાદ હિરલનું Gujarat Cricket Associationમાં સિલેકશન થયું હતું.

ટ્રેનિગ માટે પૈસાની સગવડ કરવા મામાએ બાઈક ગિરવે મૂક્યું

હિરલને ટ્રેનિંગ માટે અમદાવાદ ખાતે જવાનું થયું હતું ત્યારે પૂરતાં પૈસા નહોતાં. આથી તેના મામાએ પોતાનું બાઈક ગિરવે મૂકી 5000 રૂપિયા આપી ભાણીનું સપનું પુરૂ કરવા મદદ કરી હતી. ત્યારબાદ હિરલે Under 19માં ગુજરાત મહિલા ક્રિકેટ ટીમ વતી રમી સારૂ પ્રદર્શન કરતા તેના પરિવારની ખુશીનો પાર નહોતો. હાલ હિરલની પસંદગી ગુજરાત મહિલા ક્રિકેટ ટીમ અન્ડર 23માં થતા તેનો પરિવાર, કોચ સૌ ખૂબ જ ખુશ છે અને હિરલ ગુજરાત બાદ દેશની મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવે છે.

એક ટ્રક ડ્રાઈવરની દીકરી વિકેટકીપર બની

વીણા વણઝારાની વાત કરીએ તો તે શહેરા તાલુકાના અંતરિયાળ ગામ ખોજલવાસામાં રહે છે. તેના પિતા એક ટ્રક ડ્રાઈવર અને ખેતમજૂર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વીણાએ ધોરણ 12 પાસ કર્યા પછી ગોધરાની એક કોલેજમાં એડમિશન લીધું હતું. એ દરમિયાન કોલેજના મેદાનમાં ક્રિકેટ રમાતી હતી ત્યારે અચાનક તેની તરફ એક શોટનો કેચ ઉછળ્યો હતો. જેને વીણાએ કેચ કરી લીધો હતો. એ વખતે કોચની નજર વીણા પર પડતા તેમણે તેને ક્રિકેટમાં રસ દાખવવા જણાવ્યું હતું અને વીણાએ પોતાના પરફોર્મન્સ થકી GCAમાં સ્થાન મેળવ્યું હતું. હાલ વીણાની ગુજરાતની UNDER 23 મહિલા ક્રિકેટ ટીમમાં વિકેટકિપર તરીકે પસંદગી થઈ છે. વીણા પોતાના પરિવાર અને તેને પડતી તકલીફ જણાવતા ભાવુક થઈ જાય છે. હવે તેને ટીમમાં વિકેટકિપરનું સ્થાન મળતા તે ખુબ જ ખુશ છે અને સારુ પરફોર્મન્સ આપી ટીમને જીતાડશે તેવી આશા વ્યકત કરી છે.

આગળ વાંચોઃ ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? સરકારી દાવા સામે ખુદ સરકારી આંકડા સવાલ ઉઠાવે છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.